Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

જુલાઇમાં NDA રાજયસભામાં બહુમતી મેળવી લેશે

ર૪પ સભ્યોના ગૃહમાં બહુમતી માટે ૧ર૩નું સંખ્યાબળ જોઇએઃ NDA ૧૧પ થી વધુનું સંખ્યાબળ મેળવી લેશેઃ અમુક સાંસદોને ગેરહાજર રખાવી ઇચ્છીત ખરડા પસાર કરશે

નવી દિલ્હી તા. ર૭ :.. ભાજપ રાજયસભામાં પણ બહુમતી મેળવવા તરફ કુચ કરી રહ્યું છે ટીડીપીના ૪ સાંસદો બાદ ભાજપમાં વધુ એક સાંસદની એન્ટ્રી થઇ છે. આ ક્રમમાં નવું નામ ઇનેલોના રાજયસભાના સાંસદ રામ કુમાર કશ્યપનું છે. કશ્યપ રાજયસભા ઇનેલોના એક માત્ર સાંસદ છે.

કશ્યપ અને કેરળના કુન્તુરના પૂર્વ સાંસદ એ.પી. અબ્દુલ્લાકુટી ભાજપમાં જોડાયા છે.

ઇનેલોના સાંસદ ભાજપમાં આવી ગયા બાદ રાજયસભામાં ભાજપનું સંખ્યાબળ ૭પનું થયું છે આ પહેલા રાજસ્થાનના સાંસદ મદનલાલ સૈનીનું અવસાન થતાં સંખ્યા ૭૪ ની થઇ હતી.લોકસભામાં બહુમતી હોવા છતાં એનડીએ રાજયસભમાં લઘુમતીમાં છે. વિદેશમંત્રી જયશંકર, જે. એમ. ઠાકોર અને અશ્વિની વૈભવ આવતા મહિને ગુજરાત અને ઓડીસાથી જીતીને આવ્યા બાદ સંખ્યબળ ૭૮ નું થશે.  ભાજપના ૭૮, ઉપરાંત અન્ના ડીએમકેના ૧૩, જેડીયુના ૬, શિવસેના - અકાલીદળના ૩-૩ ઉપરાંત અસમ ગણ પરિષદ, બોડોલેન્ડ પીપલ્સ ફ્રંટ, નગા પીપલ્સ ફ્રંટ, રિપબ્લીકન પાર્ટી, એસડીએફ.ના ૧-૧ સાંસદ છે. કેન્દ્રીય મંત્રી પાસ્વાનને ઉમેરતા એનડીએના સભ્યોની સંખ્યા ર૪પ ના ગૃહમાં ૧૦૮ ની થશે. એનડીએને ચાર અપક્ષ અને ૩ નોમીનેટ સભ્યોનો ટેકો છે. જે પછી તે બહુમતી મેળવી લેશે.

બહુમતી માટે ૧ર૩ નું સંખ્યાબળ જોઇએ. ર૪પ માંથી કેટલાકને ગેરહાજર રખાવી ઇચ્છીત ખરડા પાસ કરાવી શકે છે.

(11:33 am IST)