Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

પટણા-હટિયા પાટલીપુત્ર એક્સપ્રેસમાં લૂંટારુઓ ત્રાટક્યા : 40 મિનિટ ટ્રેનને રોકીને બેફામ લૂંટ ચલાવી નાશી છૂટ્યા

સશસ્ત્ર 25 જેટલા લૂંટારૃઓએ એસી-2 અને એસી-3ની બારીઓ તોડીને ઘૂસીને યાત્રીઓને મારકૂટ કરીને કિંમતી માલમતાની લૂંટ કરી

રાંચી: બિહારના પટણાથી હટિયા (રાંચી) જનારી ૧૮૬રર ડાઉન પટણા-હટિયા પાટલીપુત્ર એક્સપ્રેસમાં મોડી સાંજે જમુઇ (બિહાર)થી પહેલાં કુંદનપુર હોલ્ટ ખાતે ૪૦ મિનિટથી વધુ ટ્રેન રોકીને તેના એસી-ર અને એસી-૩માં લૂંટારુ ટોળકી ત્રાટકી હતી અને બેફામ લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ ટ્રેેનના અન્ય કોચને પણ નિશાન બનાવ્યા હતા અને યાત્રીઓ સાથે મારપીટ પણ કરી હતી. લૂંટારુઓએ રોકડ રકમ, મોબાઇલ, ઝવેરાત સહિત માલસામાનની લૂંટ ચલાવી હતી.

  એક અહેવાલ મુજબ કુંદનપુર હોલ્ટ નજીક ટ્રેન પહોંચતાં જ કોઇએ ટ્રેનની વેક્યુમ બ્રેક મારીને અટકાવી દીધી હતી. ત્યાર બાદ રપ જેટલા સશસ્ત્ર લૂંટારુઓ ટ્રેનના એસી-ર અને એસી-૩ કોચની બારીઓના કાચ તોડીને ઘૂસી ગયા હતા. તેમની પાસે કુહાડી અને ડંડા સહિતના શસ્ત્રો હતા અને તેમણે એસી કોચના યાત્રીઓને અંદર ઘૂૂસીને મારપીટ શરૂ કરી દીધી હતી.

તમામને શસ્ત્રોના આધારે બંધક બનાવીને રોકડ રકમ, મોબાઇલ, ઝવેરાત આપી દેવા જણાવ્યું હતું. એવી પણ ધમકી આપી હતી કે જો કોઇ ચાલાકી કરશે તો તેમણે જીવ ગુમાવવો પડશે.આ રીતે કીમતી માલસામાનની લૂંટ ચલાવીને લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા.

(11:34 am IST)