Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ 31 મેથી ભારતની 4 દિવસની મુલાકાતે :પ્રતિનિધિમંડળ પણ આવશે.

જળ સંસાધનો, ઉર્જા સહયોગ, વેપાર, વાણિજ્ય, ટ્રાન્ઝિટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરાશે

નવી દિલ્હી :નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ તેમના ભારતીય સમકક્ષ મોદીના આમંત્રણ પર 31 મેથી ભારતની 4 દિવસની મુલાકાતે આવશે. વિદેશ મંત્રાલયના સૂત્રોએ આ માહિતી આપી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પ્રચંડની આ પ્રથમ વિદેશ યાત્રા હશે. વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે આ પ્રવાસ 31 મેથી 3 જૂન સુધીનો રહેશે અને મંત્રાલય ટૂંક સમયમાં જ સત્તાવાર જાહેરાત કરશે.

 આ મુલાકાત 31 મેથી 3 જૂન સુધીની રહેશે અને વડા પ્રધાન મોદી સાથે મુલાકાત ઉપરાંત તેઓ અન્ય ઉચ્ચ સ્તરીય બેઠકો પણ કરશે. અધિકારીએ કહ્યું કે યાત્રાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. દરમિયાન, ભારતમાં નેપાળના રાજદૂત શંકર પ્રસાદ શર્મા આ અઠવાડિયે નવી દિલ્હીમાં વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા હતા અને વડા પ્રધાન પ્રચંડની આગામી મુલાકાત અંગે ચર્ચા કરી હતી.

 

નેપાળના વિદેશ મંત્રી એનપી સઈદે કહ્યું કે વડા પ્રધાન પ્રચંડની મુલાકાતની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. પીએમ પ્રચંડની ભારત મુલાકાત દરમિયાન જળ સંસાધનો, ઉર્જા સહયોગ, વેપાર, વાણિજ્ય, ટ્રાન્ઝિટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન કેટલાક દ્વિપક્ષીય કરારો પર પણ હસ્તાક્ષર કરવામાં આવશે. નેપાળી અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન અડધો ડઝનથી વધુ કરારો અને સમજૂતીઓ પર હસ્તાક્ષર અને જાહેરાત કરવામાં આવશે.

(9:41 pm IST)