Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

દિગ્વિજયસિંહે કહ્યું -સત્તામાં આવીશું તો ISIના જાસૂસો, ભાજપ અને બજરંગ દળના નેતાઓ સામે દેશદ્રોહનો કેસ દાખલ કરશું

દિગ્વિજય સિંહે આરોપ લગાવ્યો કે બજરંગ દળના લોકોના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (ISI) સાથે સંબંધો છે

નવી દિલ્હી :કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે કહ્યું છે કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો ISI માટે જાસૂસી કરનારા બજરંગ દળ અને બીજેપીના નેતાઓ સામે દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવશે. દિગ્વિજય સિંહે આરોપ લગાવ્યો હતો કે બજરંગ દળના લોકોના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (ISI) સાથે સંબંધો છે. કોંગ્રેસે કર્ણાટકમાં પહેલેથી જ વચન આપ્યું છે કે જો બજરંગ દળ શાંતિ ભંગ કરશે તો તેના પર પ્રતિબંધ લગાવવામાં આવશે

  દિગ્વિજય સિંહે કહ્યું કે જો મધ્યપ્રદેશમાં અમારી સરકાર બનશે તો ભાજપ અને બજરંગ દળ સાથે જોડાયેલા લોકો સામે દેશદ્રોહનો કેસ નોંધવામાં આવશે, જેમણે પાકિસ્તાનની ISI એજન્સી માટે જાસૂસીનું કામ કર્યું છે. કોંગ્રેસના નેતાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે ભાજપના કાર્યકાળમાં મધ્યપ્રદેશમાં જે પણ ભ્રષ્ટાચાર થયો છે તેનો પર્દાફાશ કરવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર બન્યા બાદ ભાજપના કાર્યકાળના દરેક ભ્રષ્ટાચારના મામલાના રહસ્યોની પોલ ખોલવામાં આવશે.

 મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ આ દિવસોમાં રાજ્યના પ્રવાસે છે. કોંગ્રેસ ફરી એકવાર રાજ્યમાં સરકાર બનાવવાની તૈયારી કરી રહી છે. 2018ની ચૂંટણીમાં જીત બાદ કોંગ્રેસે એમપીમાં પણ સરકાર બનાવી હતી. પરંતુ ધારાસભ્યોએ પાર્ટી છોડ્યા બાદ 2020માં કોંગ્રેસની સરકાર પડી ગઈ હતી. આ પછી ભાજપે સરકાર બનાવી અને ત્યારબાદ શિવરાજ સિંહ ચૌહાણે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

 દિગ્વિજય સિંહ ખંડવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે કોંગ્રેસ સંગઠન સાથે ચર્ચા કરી હતી. કોંગ્રેસ સંગઠન સાથેની ચર્ચા પહેલા પ્રેસ કોન્ફરન્સમાં દિગ્વિજય સિંહે રાજ્ય સરકાર પર નિશાન સાધતા કહ્યું કે જે લોકો ખેડૂતોની આવક બમણી કરવાનો દાવો કરી રહ્યા હતા, તેઓ પોતાની આવકમાં વધારો કરી રહ્યા છે.

 તેમણે કહ્યું કે અમારી સરકાર 5 વર્ષ માટે ચૂંટાઈ છે. પરંતુ ભાજપના લોકો અમારી પાસે 15 મહિનાનો હિસાબ માંગે છે. હું મુખ્યમંત્રી શિવરાજને ચેલેન્જ કરું છું કે તેમણે તેમના 20 વર્ષના કાર્યકાળમાં શું કર્યું છે તે જણાવે. તેઓએ તેમના કાર્યકાળનો હિસાબ આપવો જોઈએ.

   
(9:07 pm IST)