Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

યુપીમાં ઝાંસીથી લઈ ઉન્નાવ સુધી કરોડો પાકિસ્તાની તિડનો આતંકઃ ઉભો પાક સફાચટ

આગરાઃ તિડના ઝુંડનો પ્રકોપ દેશના ત્રણ રાજયોમાં વધુ જોવા મળ્યો છે. પાકિસ્તાની તિડોએ ઉત્તરપ્રદેશ ઉપર રીતસર આક્રમણ કર્યુ છે. યુપીના આગ્રા, ઝાંસી, ઉન્નાવમાં તિડોએ ખેડૂતોના પાક, સફાચટ કરી નાખ્યા છે. ત્યાર બાદ આગ્રા કૃષી વિભાગના અધિકારીઓએ આગ્રાના ખેડૂતોને ઉપાય સૂચવ્યા છે. ઝાંસી તંત્રએ આ પાકિસ્તાની તિડો વિરૂધ્ધ દવા છંટકાવ સહીતના પગલા લેતા ૪૦ લાખ તિડોનો નાશ કર્યો છે.

ઉન્નાવમાં તિડોએ આસીવન, સફીપુર વિસ્તારમાં ખેડૂતોની લાખો રૂપીયાની મકાઈ અને શેરડીની પેદાશો નષ્ટ કરી છે. યુપી કૃષી વિભાગે તિડોને મારવા હાઈ એલર્ટ જાહેર કર્યુ છે. કાનપુર, મથુરા, આગ્રા, ઝાંસી, ઈટાવા, કન્નોઝમાં પણ ખતરો પેદા થયો છે. અહીંના તંત્રને પણ એલર્ટ કરાયુ છે. જીપીએસ અને ગુગલ મેપીંગ દ્વારા તિડોના ઝુંડ ઉપર નજર રાખવામાં આવી રહી છે.

ઝાંસીમાં પાકિસ્તાની તિડોના કારણે ખેડૂતોમાં ડરનો માહોલ બની ગયો છે. બુંદેલખંડના ખેડૂતો કરોડોની સંખ્યામાં તિડોના ઝુંડથી મુશ્કેલીમાં છે. ઝાંસીમાં ચોથા દિવસે પણ તિડોએ ભારે નુકશાની કરી છે. તિડોને કાબુ કરવા માટે તંત્ર દ્વારા મોટા પાયે પેસ્ટીસાઈડનો છંટકાવ કરાઈ રહ્યો છે. જેમાં ૪૦ લાખ તિડોનો નાશ થયો છે. ઝાંસીના કલેકટર આંદ્રા વામસીએ જણાવેલ કે રાતના સમયે તિડના ઝુંડ ઉપર પેસ્ટીસાઈડ છાંટી તેનો નાશ કરવામાં આવે છે.

તીડના ઝુંડે આગ્રામાં ડેરો જમાવ્યો છે. કૃષી વિભાગના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે. અધિકારીઓ સતત પાકને તિડના ઝુંડથી બચાવવા માટે ખેડૂતોને જણાવી રહ્યા છે. તિડોનું ઝુંડ કરોડોની સંખ્યામાં હોય છે. ૨.૫ ઈંચ લાંબા તિડ શેરડી, બાજરો, દાળ, ફળ સહીતના પાકને થોડા જ કલાકોમાં ચટ કરી જાય છે. હાલ આગ્રામાં બે લાખ હેકટર જમીનમાં બાજરો, દાળ, ફળ, શાકભાજી સહીતના પાક છે. તિડના ઝુંડ દિવસભર હવાની ગતીથી ઉડે છે અને સાંજે ૬- ૭ વાગ્યે જમીન ઉપર બેસી જાય છે અને સવારે ૮ વાગ્યા બાદથી ખેતરોમાં પાક નષ્ટ કરવામાં લાગી જાય છે.

(3:56 pm IST)