Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

લોકડાઉન લંબાવવું કે નહિ ? કેન્દ્ર રાજ્યોને આપશે સત્તા

લોકડાઉન ૪.૦ની મુદત ૩૧મી મેના રોજ સમાપ્ત થઈ રહી છેઃ લોકડાઉન લંબાવવાથી માંડીને છૂટછાટો જાહેર કરવા અંગેની તમામ જવાબદારી હવે રાજ્યોની રહે તેવી શકયતાઃ ૧લી જૂનથી વધુ ટ્રેનો અને વિમાનોનું પરિચાલન થશેઃ અમુક રાજ્યોએ નિર્ણય લેવાના શરૂ કર્યાઃ રાજ્યો જ મોલ, મલ્ટીપ્લેકસ, સ્વીમીંગ પૂલ, ધાર્મિક સ્થળો વગેરે અંગે નિર્ણય લેશેઃ કેન્દ્ર પોતાની ભૂમિકા સીમીત કરવા માગે છે

નવી દિલ્હી, તા. ૨૭ :. કોરોના સંકટને કારણે લગાવવામાં આવેલા લોકડાઉનના ચોથા તબક્કાની મુદ્દત ૩૧મી મેના રોજ સમાપ્ત થઈ રહી છે એવામાં લોકોના મનમાં સવાલ છે કે શું લોકડાઉનમાંથી આઝાદી મળશે કે લોકડાઉનનો પાંચમો તબક્કો લાગુ કરવામાં આવશે ? જો લોકડાઉન ૫.૦ લાગુ કરવામાં આવે તો એ દરમિયાન કઈ - કઈ છૂટ મળશે ? આ સવાલોનો જવાબ દરેક દેશવાસીઓ ઈચ્છી રહ્યા છે. અત્યાર સુધી કેન્દ્ર સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યુ પરંતુ માનવામાં આવે છે કે લોકડાઉનની જવાબદારી કેન્દ્ર વિવિધ રાજ્ય સરકારોના ખભ્ભે મુકી દેશે રાજ્ય સરકારોએ નક્કી કરવુ પડશે કે લોકડાઉન ચાલુ રાખવું કે નહિ ? જો લાગુ થાય તો કઈ કઈ પ્રવૃતિઓની છુટ આપવી?

હાલ લોકડાઉનના ચોથા તબક્કામાં ફલાઈટ અને ટ્રેન શરૂ કરવામાં આવેલ છે. માનવામાં આવેલ છે કે ૧લી જૂન પછી વધુ ટ્રેનો દોડવા લાગશે અને ફલાઈટની સંખ્યા પણ વધારી દેવાશે. જો કે રાજ્યોએ ૧લી જુન બાદ નક્કી કરવુ પડશે કે જાહેર પરિવહનના ક્ષેત્રમાં વધુમાં વધુ કેટલી ઢીલ આપવી ?

આની સાથોસાથ રાજ્યોએ મેટ્રોના સંચાલનની સાથે જ મોલ, મલ્ટીપ્લેકસ, સ્વીમીંગ પૂલ, જીમ, ધાર્મિક સ્થળો સહિતની પ્રવૃતિઓ પર ફેંસલો લેવાનો રહેશે કે જેના પર લોકડાઉનના ચોથા તબક્કામાં પ્રતિબંધો હતો. અનેક રાજ્યો લોકડાઉનના છૂટાછાટને લઈને ખુદ ફેંસલા કરવા લાગ્યા.

રાજસ્થાનના મંત્રી પ્રતાપસિંહે કહ્યુ છે કે અમે કેન્દ્રની ગાઈડ લાઈન્સનું પાલન કરીએ છીએ અને આગળ પણ કરતા રહેશું. ભવિષ્યમાં અમે એવી વ્યવસ્થા કરશુ કે જેથી લોકોની જીંદગીની ગાડી ફરી પાટે ચડે અને લોકોને કોરોનાથી બચાવી શકાય. કર્ણાટકે ૧લી જૂનથી મંદિરો ખોલવાની જાહેરાત કરી છે. બિહારના મંત્રી નિરજકુમારે કહ્યુ છે કે લોકડાઉનને લઈને અમે તૂર્ત ફેંસલો લઈશું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જ્યાં સુધી નિયંત્રણો નહિ હટે ત્યાં સુધી દર ૧૫ દિવસે લોકડાઉનના પગલાઓની સમીક્ષા થતી રહેશે. જેમ જેમ સ્થિતિ સારી થતી જશે તેમ તેમ લોકડાઉનમાં કેન્દ્રની ભૂમિકા સીમીત થતી જશે. સરકાર માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગને આગળ વધારે તેવી શકયતા છે.

છેલ્લે ૧૭મી મે એ ગૃહ મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. દરમિયાન શોપીંગ મોલ ખોલવાની મંજુરી આપતા પહેલા બજારો અને બજારના સ્થળોએ આવેલી દુકાનોનુ કામકાજ રાબેતા મુજબનુ થાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવશે. કેન્દ્રનું કહેવુ છે કે અમુક બાબતોમાં રાજ્ય સરકાર જ નિર્ણય લઈ શકે કારણ કે તેને જમીન પરની હકીકતની ખબર હોય છે કેન્દ્ર બધી જગ્યાએ પહોંચી ન શકે.

(3:22 pm IST)