Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ધો. ૯, ૧૦, ૧૧ અને ૧૨ માટે સ્કૂલ ખૂલશેઃ ૧ થી ૫ ધોરણ માટે હજુ ૩ મહિના સુધી સ્કૂલ ચાલુ થાય તેવી શકયતા નથી

કેન્દ્ર સરકાર સ્કૂલોને ફરી શરૂ કરવાની રણનીતિ ઘડી રહ્યુ છેઃ છાત્રોને એક સાથે નહિ બોલાવાયઃ બેચમાં બોલાવાશેઃ માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનુ પાલન કરવુ પડશેઃ આવવા-જવાના ગેઈટ અલગ અલગ બનશેઃ કેન્ટીન શરૂ નહિ થાયઃ કલાસમાં બેંચની સંખ્યા ઘટાડાશે

નવી દિલ્હી, તા. ૨૭ :. કેન્દ્ર સરકાર શાળાઓ ખોલવાની તૈયારીમાં છે. પ્રથમ તબક્કામાં ૯, ૧૦, ૧૧ અને ૧૨ ધોરણના છાત્રો માટે સ્કૂલને ખોલવામાં આવે તેવી શકયતા છે. આવુ એટલા માટે કે આ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ સોશ્યલ ડીસ્ટન્સીંગ અને કોરોના સાથે જોડાયેલી બીજી બાબતોનું સારી રીતે પાલન કરી શકે.

માનવ સંશાધન વિકાસ મંત્રાલય નેશનલ કાઉન્સીલ ઓફ એજ્યુકેશન રીસર્ચની સાથે મળીને શાળાઓ ખોલવા અંગેની ગાઈડ લાઈન્સ તૈયાર કરી રહેલ છે. મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ધો. ૧ થી ૫ ના વિદ્યાર્થીઓ જેમની ઉંમર ૬ થી ૧૦ વર્ષની હોય છે. તેઓને આવતા ૪ મહિના સુધી કદાચ સ્કૂલે જવુ નહિ પડે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે તમામ સિનીયર વર્ગના છાત્રોને એક સાથે બોલાવવામાં નહિ આવે. આ લોકો કેટલાક દિવસ સુધી અલગ અલગ બેચમાં આવશે કે જેથી શાળા મેનેજમેન્ટને તેઓને નવી બેઠક વ્યવસ્થા અને નિયમો અંગે જણાવવાનો સમય મળી શકે. બેઠક વ્યવસ્થા એવી એ પ્રકારે રખાશે કે બે છાત્રો વચ્ચેનંુ અંતર ૬ ફુટનો રહે આ સિવાય ધોરણમાં બધા વિદ્યાર્થીઓને એક સાથે નહિ બોલાવાય અને રૂમમા બેન્ચની સંખ્યા પણ ઘટાડાશે.

દરેક વર્ગના વિદ્યાર્થીઓને ૧૫ થી ૨૦ની ટુકડીમાં વહેંચાશે. એક કક્ષાના દરેક બેચને એક દિવસ છોડી બોલાવવામાં આવશે. જેમને રજા હશે તેમને હોમવર્ક અપાશે. અધિકારીના કહેવા મુજબ વિવિધ બેચના પ્રવેશ અને છૂટવાના સમયમાં પણ અંતર રહેશે.

વિદ્યાર્થીઓ માટે માસ્ક ફરજીયાત બનાવાશે. સ્કૂલની અંદર કેન્ટીન પણ નહિ ખોલાય. થોડા મહિના સુધી સવારના સમયે થતી પ્રાર્થના પણ બંધ કરવામાં આવશે. ઉપરાંત માતા-પિતાને પણ કેમ્પસમાં આવવા પરવાનગી પણ નહિ અપાય. છાત્રોના આવવા-જવાના ગેઈટ અલગ અલગ હશે. સમગ્ર સ્કૂલને સેનેટાઈઝ કરાશે.

(10:42 am IST)