Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

દુબઇની રોનક પાછી ફરી : શરતો સાથે શહેર ધમધમ્યુ

બે મહિનાના લોકડાઉન બાદ મોલ - સિનેમા - ઓફિસો વગેરે ખુલ્યા : નવા નિયમો - શરતો લાગુ : માસ્ક ફરજિયાત : ૨ મીટરનું સોશ્યલ ડીસ્ટન્સ રાખવાનું : મોલ્સ - સિનેમામાં બાળકોને નો-એન્ટ્રી

દુબઇ તા. ૨૭ : આજથી દુબઇની રોનક પાછી ફરી છે. વિશ્વનું સૌથી ઝાકઝમાળ ધરાવતું આ શહેર ફરી ધમધમતુ થયું છે. જો કે ઘણા બધા નિયંત્રણો મુકવામાં આવ્યા છે બે મહિના બાદ મોલ - મલ્ટીપ્લેકસ - સીનેમા વગેરે ખુલી ગયા છે. દરેક માટે માસ્ક ફરજીયાત બનાવાયા છે એટલું જ નહિ ૨ મીટરનું સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવવાનું રહેશે. ઓફિસમાં હવે ૩૦%ને બદલે ૫૦ ટકા હાજરી આપી શકાશે. બાળકો (૧૨ વર્ષથી નીચે) અને ૬૦ વર્ષથી ઉપરનાને મોલ કે સુપરમાર્કેટમાં પ્રવેશવા નહિ દેવાય. મોલનો સમય સવારે ૬ થી રાત્રે ૧૦ સુધીનો રહેશે. જોકે શાળા - કોલેજો હજુ બંધ જ રહેશે.

આજે ૨૭ મે, બુધવારથી દુબઇએ તમામ વ્યવસાય ફરીથી ખોલી નાખેલ છે. હવે સમગ્ર અમિરાતમાં સવારે ૬ થી રાતના ૧૧ વાગ્યા સુધી કોઈ પણ પ્રતિબંધ વિના કામ થઈ શકશે. જેમાં સિનેમાઘરો, જીમ, રિટેલ સ્ટોર્સ, કિલનિકસ અને મનોરંજન સ્થળ ખોલવાના પણ ઓર્ડર જારી કરાયા છે.

આજથી દુબઇ સંપૂર્ણ ધમધમતું થઇ જવાનું છે ત્યારે કેટલાક મહત્વના મુદ્દાઓ સાથે છુટછાટ મળી છે. જેમાં નિવાસીઓ સવારે ૬ થી ૧૧ દરમ્યાન મુકતપણે ફરી શકે છે. દુબઈ એરપોર્ટ જેઓ યુએઈ પરત આવવા માંગે છે તેમના માટે ખુલ્લું રહેશે. સામાજિક અંતર અને સતત સેનેટાઇઝેશન દ્વારા જિમ અને ફિટનેસ સેન્ટર ખુલશે. દુબઈ રિટેલ સ્ટોર્સ અને હોલસેલ આઉટલેટ્સ ફરી ખુલશે. ઇએનટી કિલનિકસ, બાળકોના આરોગ્ય કેન્દ્રો ફરી ખુલશે. અઢી કલાક સુધીની સર્જરીની મંજૂરી છે. થિયેટરો બધા સમયે સામાજિક અંતર અને સતત સેનેટાઇઝેશન સાથે ખુલ્લા રહેશે. મનોરંજન સુવિધાઓ અને દુબઇ આઇસ રિંક અને ડોલ્ફિનેરિયમ જેવા મનોરંજન સ્થળો ફરીથી ખોલશે. આમેર અને તાશીલ જેવા બધા સરકારી કેન્દ્રો ફરી ખુલશે. ઓનલાઇન હરાજી ન કરી શકે તેવા હરાજી ગૃહો ફરીથી ખુલશે.

યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)ના નાગરિકો માટે ફરજો પણ જાહેર થઇ છે. જેમાં સંચાલિત કરવા માટેના તમામ વ્યવસાયોએ નવા સેનેટાઇઝેશનનું સમય સાથે પાલન કરવું આવશ્યક છે. દરેક વ્યકિતએ દરેક સમયે માસ્ક પહેરવું. દરેક વ્યકિતએ હંમેશાં બે મીટરનું સામાજિક અંતર જાળવવું. દેશમાં આવનારા તમામ મુસાફરોએ ૧૪-દિવસીય કવોરેન્ટીનનું પાલન કરવું. ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકો, ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકો અને દીર્ઘકાલિન રોગોવાળા લોકોને શોપિંગ સેન્ટર્સ, સિનેમા, જિમ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશવાની મંજૂરી નથી. સેનેટાઇઝેશન સતત થવું જોઈએ અને ફકત એક જ ઉપયોગનાં વાસણોને મંજૂરી આપવી. જે લોકો નિયમો અને દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરે છે તેમને ઉલ્લંઘનના પ્રકાર અનુસાર દંડ કરવામાં આવશે.

(10:18 am IST)