Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

કેશ કટોકટી સંદર્ભે આઇટીના દરોડાઃ ૧૪ કરોડ જપ્ત

દરોડામાં મૈસૂર અને બેંગલુરૂના ડઝન કરતા વધુ કોન્ટ્રાકટરોને આવરી લેવાયા

નવી દિલ્હી તા. ૨૭ : દેશમાં ઊભી થયેલી રોકડ રકમની અછતને પગલે આવકવેરા ખાતાએ ચૂંટણીગ્રસ્ત કર્ણાટક સહિત જુદા જુદા સ્થળોએ છાપા મારી રૂ.૧૪.૪૮ કરોડની રોકડ રકમ જપ્ત કરી હોવાનું અધિકારીઓએ ગુરુવારે કહ્યું હતું. જુદા જુદા રાજયમાં રોકડ રકમનો સંગ્રહ કરનાર સંખ્યાબંધ લોકો પર આવકવેરા ખાતાએ દરોડા પાડ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

જપ્ત કરવામાં આવેલી કુલ રોકડ રકમનો આંક રૂ.૧૪.૪૮ કરોડ હતો અને તેમાંની મોટાભાગની રકમ રૂ.૨૦૦૦ અને રૂ.૫૦૦ની ચલણી નોટના સ્વરૂપે સંગ્રહ કરવામાં આવી હોવાનું વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું.

આ પરિપ્રેક્ષ્યમાં અમુક ઘટનાઓને ટાંકતા તેમણે કહ્યું હતું કે ચૂંટણીગ્રસ્ત કર્ણાટકના જાહેર બાંધકામ ખાતાના જાણીતા કોન્ટ્રાકટરો પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમને આ વર્ષના જાન્યુઆરી-માર્ચ દરમિયાન કોન્ટ્રાકટ ફાળવવામાં આવ્યા હતા.

ગયા અઠવાડિયે પાડવામાં આવેલા દરોડા દરમિયાન મુખ્યત્વે બેનામી લોકર્સમાંથી રૂ.૬.૭૬ કરોડ જેટલી રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.

દરોડાની આ કાર્યવાહી હેઠળ મૈસૂર અને બેંગલૂરુના ડઝન કરતા પણ વધુ કોન્ટ્રાકટરોને આવરી લેવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

હૈદરાબાદમાં આવકવેરા ખાતાએ બે રિયાલ્ટર્સને ત્યાં પાડેલા દરોડામાં રૂ.૨૦૦૦ અને રૂ.૫૦૦ની ચલણી નોટ સ્વરૂપે રૂ.૫.૧૦ કરોડની બિનહિસાબી રોકડ રકમ જપ્ત કરી હતી. આવકવેરા ખાતાએ રાજયમાંથી રૂ.૧.૩૩ કરોડનાં સુવર્ણ અલંકારો પણ જપ્ત કર્યા હતા. એ જ પ્રમાણે પંજાબના ખાના જિલ્લામાં દરોડા પાડી આવકવેરા ખાતાએ રૂ.૨.૬૨ કરોડની રોકડ રકમ અને સોનાના દાગીના તેમ જ રૂ.૬૬.૪૯ લાખના શેર જપ્ત કર્યા હોવાનું તેમણે કહ્યું હતું.(૨૧.૪)

(11:43 am IST)