Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

દિલ્હીમાં 40 વર્ષથી રસ્તામાં રહેતા ઓક્સફર્ડ ગ્રેજ્યુએટ 79 વર્ષના વૃદ્ધને છત મળી :ફેસબુકની પોસ્ટે કરી મદદ

બાળકોને લોન લઈને ભણાવ્યા આજે બ્રિટન -અમેરિકામાં પત્ની સાથે સેટલ છે :પીતાં માટે સમય નથી ;વિઝા ઓફિસ બહાર લોકોનું ફોર્મ ભરીને બે ટંકનું ભોજન મેળવતા રાજાસિંહ હવે વૃદ્ધાશ્રમમાં રહે છે

નવી દિલ્હીઃ દિલ્હીના રસ્તાઓ પર જીવન પસાર કરી રહેલા એક 76 વર્ષના વૃદ્ધને આખરે છત મળી છે આ વૃદ્ધ 40 વર્ષથી રસ્તા પર રહેતા હતા. તેમનો દાવો છે કે, તેમણે જાણીતી ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.

   દિલ્હીમાં રહેતા અવિનાશ સિંહે તેના ફેસબુક પેજ પર રાજા સિંહ નામના આ વૃદ્ધની વાત પોસ્ટ કરી હતી. પોસ્ટ મુજબ, રાજા સિંહ નવી દિલ્હીના રેલવે સ્ટેશન પર ગુજારો કરી રહ્યા હતા. તેઓ તેમના ભાઈના કહેવા પર 1960માં ભારત પાછા ફર્યા હતા. બંનેએ મળીને મુંબઈમાં ગાડીઓના સ્પેરપાર્ટ્સનો બિઝનેસ શરૂ કર્યો હતો. ભાઈના મૃત્યુ બાદ બિઝનેસ સંપૂર્ણપણે ઠપ થઈ ગયો. એટલું જ નહિ, તેમના બંને પુત્રે તેમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા.

   પોસ્ટમાં રાજા સિંહના હવાલાથી લખવામાં આવ્યું છે કે, ‘મેં મારા બંને પુત્રને વિદેશમાં ભણાવવા માટે ખૂબ મહેનત કરી હતી. બાળકો માટે લોન પણ લીધી હતી. તેઓ આજે બ્રિટન અને અમેરિકામાં છે અને પોતાની ફિરંગી પત્નીઓ સાથે સેટલ છે. તેમની પાસે તેમના પિતા માટે સમય નથી, જે રાજધાનીના રસ્તે રઝળી રહ્યો છે.’

   રાજા સિંહને ભીખ માગવી નહોતી. આથી તેમણે વિઝા ઓફિસ બહાર ફોર્મ ભરવામાં લોકોની મદદ કરવાનું શરૂ કર્યું. આ રીતે તેઓ બે વારનું ભોજન કરી શકતા હતા. રાજા સિંહ કહે છે કે, ‘હું લોકોને ફોર્મ ભરીને તેમની મદદ કરું છું. બદલામાં મને ઝીરોથી 100 રૂપિયા સુધી મળે છે.’

    જ્યારે રાજાસિંહે પાસે કોઈ કામ નહોતું ત્યારે તેઓ લંગરમાં ખાવાનું ખાતા હતા. આ પોસ્ટને 21 એપ્રિલે પોસ્ટ કરવામાં આવી હતી, જેની પર લોકોએ આ બેઘર વ્યક્તિની મદદ માટે અપીલ કરી હતી. આ પોસ્ટને હજારો લોકોએ શેયર કરી હતી. હવે રાજા સિંહ એક વૃદ્ધાશ્રમમાં રહે છે. તેઓ સારી રીતે જાણે છે કે, લોકો હવે તેમના જીવન વિશે જાણવા લાગ્યા છે. જ્યારે જ્યારે આવા કિસ્સા સામે આવે છે ત્યારે ત્યારે માનવતામાં ફરીથી વિશ્વાસ બેસે છે.

(9:08 am IST)