Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ક્રિકેટના બાદશાહ સચિન કોરોનાની ઝપટે

ટવીટ કરી જાણ કરી, ઘરના બીજા સભ્યોના ટેસ્ટ નેગેટીવ, હોમ કવોરેન્ટાઇન થયા

મુંબઇઃ ભારતના મહાન બેટસમેન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને કોરોના થઇ ગયો છે. સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર કોરોનો પોઝિટિવ થયાની માહિતી આપી છે.  સચિને થોડાંક દિવસ પહેલાં જ રસી મૂકાવી હતી.

કોરોના પોઝિટિવ આવ્યા બાદ સચિન તેંડુલકરે કહ્યું  કે તેમણે પોતાને હોમ કવારન્ટીન કરી દીધા છે. આ સિવાય તેઓ આ મહામારી સંબંધિત તમામ જરૂરી પ્રોટોકોલ અને ડૉકટરની સલાહ પર અમલ કરી રહ્યા છે.

કોરોનાની આંચથી સચિન તેંડુલકરનો પરિવાર સુરક્ષિત છે. સચિનના કોરોના પોઝિટિવ આવ્યા બાદ આખા પરિવારનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.સચિને ટ્વીટમાં લખ્યું કે હું સતત ટેસ્ટ કરાવતો આવ્યો છું અને કોરોનાથી બચવા માટે તમામ પગલાં ઉઠાવ્યા. જો કે નજીવા લક્ષણ બાદ આજે હું કોરોના પોઝિટવ આવ્યો છું. ઘરના અન્ય સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સચિને આગળ લખ્યું કે મેં પોતાને ઘરમાં જ કવારન્ટીન કરી લીધો છે. ડૉકટરના નિર્દેશોનું પાલન કરી રહ્યો છું. હું એ તમામ સ્વાસ્થ્ય કર્મીઓનો આભાર માનવા માંગું છું કે જેમણે મને સાથ આપ્યો. તમે તમામ લોકો તમારું ધ્યાન રાખો.

આપને જણાવી દઇએ કે સચિન તાજેતરમાં રાયપુરમાં આયોજીત થયેલ રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝમાં રમ્યા હતા. તેઓ ઇન્ડિયા લીજેન્ડસના કેપ્ટન હતા. તેમની કેપ્ટનશીપમાં ઇન્ડિયી લીજેન્ડસ ચેમ્પિયન બન્યું. મેચની પહેલાં દરેક ખેલાડીઓનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. સચિને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

(3:38 pm IST)