Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

કોરોના ગાંડોતૂર...૧૬૧ દિવસ બાદ ૬૨૦૦૦થી વધુ કેસ નોંધાયા

કોરોનાની બીજી લહેરનો કહેરઃ ૨૪ કલાકમાં ૬૨૨૫૮ નવા કેસઃ ૨૯૧ લોકોના મોતઃ છેલ્લે ૧૬ ઓકટોબર ૨૦૨૦ના રોજ ૬૨૨૧૨ કેસ નોંધાયા હતા : કુલ મૃત્યુઆંક ૧૬૧૨૪૦: કુલ કેસ ૧૧૯૦૮૯૧૦ થયાઃ એકટીવ કેસ ૪૫૨૬૪૭: મહારાષ્ટ્રમાં એક દિ'માં ૧૧૨ના મોતઃ ૩૬૯૦૨ નવા કેસ

નવી દિલ્હી, તા. ૨૭ :. જીવલેણ કોરોના સંક્રમણની બીજી લહેરે કાળોકેર મચાવ્યો છે. દેશભરમાં ફરી એક વખત કોરોનાના કેસો રોકેટગતિએ વધી રહ્યા છે. ૧૬૧ દિવસ બાદ રેકોર્ડબ્રેક પહેલીવાર ૬૨૦૦૦થી વધુ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૬૨૨૫૮ નવા કેસ નોંધાયા છે અને ૨૯૧ના મોત થયા છે. જો કે ૩૦૩૮૬ લોકો સાજા થયા છે. આ પહેલા ૧૬ એપ્રિલ ૨૦૨૦ના રોજ ૬૨૨૧૨ કેસ નોંધાયા હતા.

આ સાથે દેશમાં કુલ કેસ ૧ કરોડ ૧૯ લાખ ૮ હજાર ૯૧૦ થયા છે. ૧ કરોડ ૧૨ લાખ ૯૫ હજાર લોકો સાજા થયા છે. કુલ એકટીવ કેસ ૪ લાખ ૫૨ હજાર ૬૪૭ છે. અત્યાર સુધીમાં કુલ મોત ૧૬૧૨૪૦ છે. અત્યાર સુધીમાં કુલ ૫ કરોડ ૮૧ લાખ ૯ હજાર ૭૭૩ને કોરોનાનો ડોઝ અપાયો છે.

કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. ૨૪ કલાકમાં ૩૬૯૦૨ કેસ આવ્યા છે અને ૧૧૨ લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ ૨૬ લાખ ૩૭ હજાર ૭૩૫ કેસ નોંધાયા છે અને ૫૩૯૦૭ લોકોના મોત થયા છે. હાલ ૨.૮૨ લાખ લોકોનો ઈલાજ ચાલી રહ્યો છે.

કોરોનાનો આફ્રીકી સ્ટ્રેન ચિંતાનો વિષય બન્યો છે. તેના સતત કેસ સામે આવી રહ્યા છે. યુપીમાં આ સ્ટ્રેન મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

(11:47 am IST)