Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

તાંઝાનિયાથી કચ્છના મુન્દ્રા આવતાં ઈઝરાયલી જહાજ ઉપર ઈરાનનો મિસાઈલ હુમલો

આંતરરાષ્ટ્રીય હલચલ, બે મિસાઈલ છોડાયા બાદ જહાજ નાસવામાં સફળ રહી મુન્દ્રા પહોંચ્યું, તમામ ક્રુ મેમ્બર સલામત, ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ::: આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન અને ઈઝરાઈલ વચ્ચે વણસતા સબંધો દરમ્યાન સમુદ્રી જહાજ ઉપર થયેલ મિસાઈલ હુમલાની ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચકચાર સર્જી સૌને ચોંકાવી દીધા છે. આફ્રિકાના તાંઝાનિયાથી ભારતમાં મુન્દ્રા પોર્ટ ઉપર આવી રહેલા કન્ટેનર ભરેલા એમ.એસ.સી. લોરી નામના માલવાહક વ્યાપારી જહાજ ઉપર હુમલાની આ ઘટના બની હતી. મધદરિયે દારેસલામ નજીક ગુરુવારની રાત થી શુક્રવારની સવાર દરમ્યાન હુમલાની આ ઘટના બની હતી. આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રયુટર્સના સમાચાર અનુસાર ઈરાન દ્વારા ઈઝરાયલી સમુદ્રી જહાજ ઉપર બે મિસાઈલ છોડી હુમલો થયા બાદ જહાજની સમુદ્રની સપાટી ઉપર નુકસાન થયું હતું. જોકે મશીન રૂમમાં વધુ નુકસાન ન હોઈ જહાજ નાસી છૂટવામાં સફળ રહ્યું હતું. હુમલાની આ ઘટના અંગે ઈઝરાયલી સમાચાર પત્ર વાયનેટે પણ માહિતી આપી છે અને કન્ટેનર ભરેલું લોરી નામનું આ જહાજ ત્યાંની એક્સ ટી કંપનીની માલિકીનું હોવાનું જણાવ્યું છે. જોકે, મધદરિયે જહાજ ઉપર મિસાઈલ હુમલાના આ બનાવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચકચાર અને ચર્ચા સાથે ઘેરા પ્રત્યાઘાત સર્જ્યા છે. આંતરરાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. દરમ્યાન મુન્દ્રા પોર્ટ ઉપર પહોંચેલા ઈઝરાયલી જહાજ ઉપર બનેલ મિસાઈલ હુમલાના આ બનાવ વિશે જાણકારી મેળવવા ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ બની છે. આજે મુન્દ્રા પોર્ટ ઉપર આ જહાજ ના કેપ્ટન અને ક્રુ મેમ્બર્સ ની ભારતીય એજન્સીઓએ પૂછપરછ શરૂ કરી છે.

(11:27 am IST)