Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

રાત્રી કર્ફ્યૂ, આંશિક લોકડાઉનથી નહીં પણ વેક્સિનેશનથી કોરોનાની બીજી લહેર પર લાવી શકાય લગામઃ ડો.હર્ષવર્ધન

કોવેક્સિન અને કોવિશીલ્ડ બન્ને વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત અને પ્રતિરોધક

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે નાઈટ કર્ફ્યૂ અને આંશિક લોકડાઉન અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોના વાયરસને રોકવા માટે નાઇટ કર્ફ્યુ અને શનિવાર-રવિવારે લગાવવામાં આવતા કર્ફ્યુ વધુ અસરદાર નહીં. તેમનું માનવું છે કે, વેક્સિનેશનથી કોરોનાની બીજી લહેર પર લગામ લગાવી શકાય છે.

 દેશમાં હાલના દિવસોમાં કોરોનાના ચિંતાજનક આંકડા સામે આવી રહ્યા છે. શુક્રવારે કોરોનાના અંદાજિત 60 હજાર નવા દર્દી મળ્યા છે.

ટાઇમ્સ ગ્રુપના એક કૉનક્લેવમાં હર્ષવર્ધને કહ્યું કે, ફિઝિકલ ડિસ્ટેન્સિંગથી વાયરસને પ્રસારને રોકી શકાય છે, પરંતુ આંશિક લૉકડાઉન જેમ કે નાઇટ કર્ફ્યુ અને અઠવાડિયાના અંતમાં લગાવવામાં આવતા લૉકડાઉનની વધુ અસર નથી થતી. તેમણે વધુમાં કહ્યું કે, સરકાર રસીકરણ અભિયાનને ઝડપી કરવા પર વિચાર કરી રહી છે. રસી માટે ઉંમરની મર્યાદા ઘટાડવામાં આવી રહી છે.

હર્ષવર્ધને એમ પણ કહ્યું કે, સરકાર હવે કોરોના જેવી મહામારીથી લડવા માટે પહેલાના મુકાબલે હવે વધુ સારી રીતે તૈયાર છે. હાલ દેશમાં 6 વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. આ વેક્સિનનું ટ્રાયલ અલગ-અલગ તબક્કામાં છે. તેવામાં આશા દર્શાવાઇ રહી છે કે દેશને જલ્દીથી વધુ વેક્સિન મળી જશે. હાલ ભારતમાં 2 વેક્સિન ઉપલબ્ધ છે.

હર્ષવર્ધને કહ્યું કે, કોવેક્સિન અને કોવિશીલ્ડ બન્ને વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત અને પ્રતિરોધક છે. દેશમાં ઉપયોગમાં લેવાઇ રહેલા આના ડોઝની સુરક્ષાને લઇને હજુ સુધી કોઇ ચિંતાની વાત સામે નથી આવી. હર્ષવર્ધને કહ્યું કે, જ્યાં આવા કેસ સામે આવ્યા છે, તે દેશોની સરકારો દ્વારા આવા મામલાઓની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, ભારતમાં રસીકરણ બાદ આડઅસરના તમામ કેસ દેખરેખ સારી અને મજબૂત રીતે કરવામાં આવી છે.

(10:25 am IST)