Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

કોરોના મહામારી પર બિલ ગેટ્સએ આપ્યું મોટું નિવેદન : કહ્યું - 2022 સુધીમાં દુનિયામાં સ્થિતિ સામાન્ય થઇ જશે

કોરોના મહામારી એક અવિશ્વસનીય ત્રાસદી હતી.જોકે, સારી વાત એ છે કે આપણને કોરોનાની વેક્સીન મળી ગઇ છે.

નવી દિલ્હી : દુનિયાના તમામ દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છે અને સૌ કોઈ ઈચ્છે છે કે જલદીથી જલદી આ મહામારીમાંથી છૂટકારો મળે. તેની વચ્ચે અમેરિકાના જાણીતા ઉદ્યોગપતિ અને માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સે મોટું  નિવેદન આપ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે 2022 સુધીમાં દુનિયામાં સ્થિતિ સામાન્ય થઇ જશે.

કોરોના મહામારીને લઇ માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સનું આ નિવેદન ખાસ્સનું અગત્યનું માનવામાં આવી રહ્યું છે. એક ઈન્ટરવ્યૂમાં બિલ ગેટ્સે કહ્યું કે કોરોનાની જે રસી આવી છે, તેનાથી 2022ના અંત સુધીમાં દુનિયામાં સ્થિતિ સામાન્ય થઇ જશે. કોરોના મહામારી એક અવિશ્વસનીય ત્રાસદી હતી.જોકે, સારી વાત એ છે કે આપણને કોરોનાની વેક્સીન મળી ગઇ છે.

બિલ ગેટ્સનું આ નિવેદન એટલા માટે પણ અગત્યનું છે કારણ કે તેઓ કોરોનાની રસીને લઇ શરૂઆતથી જ વૈજ્ઞાનિકોના સંપર્કમાં છે અને સાથે જ તેમનાં ફાઉન્ડેશને વેક્સીન માટે ફન્ડિંગ પણ કર્યું છે.

ચીનના વુહાન શહેરથી નિકળેલા કોરોના વાયરસે પાછલા 1 વર્ષમાં દુનિયાભરમાં વિનાશ કર્યો છે. આ મહામારીના કારણે લગભગ 27 લાખ લોકોના મોત થયા છે. તો આ મહામારીના કારણે દુનિયાભરની અર્થવ્યવસ્થાઓ પર ખરાબ અસર પડી છે. જેને કારણે લોકોને બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે.

એક અનુમાન અનુસાર, દુનિયાભરમાં 12 કરોડથી વધારે લોકો કોરોના મહામારીના સકંજામાં આવ્યા છે. જેમાંથી 25 લાખથી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. તો કોરોના મહામારીથી પ્રભાવિત દેશોમાં અમેરિકા પહેલા નંબર પર, જ્યારે બ્રાઝિલ બીજા અને ભારત ત્રીજા નંબર પર રહ્યું છે.

ભારતમાં 1 કરોડથી વધારે લોકો કોરોના મહામારીનો શિકાર થયા છે. જેમાંથી દોઢ લાખ લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા છે. જોકે, ભારતમાં કોરોનાને રોકવા માટે 2 વેક્સીન કોવિશીલ્ડ અને કોવેક્સીનને મંજૂરી મળી ગઇ છે. ભારતમાં હાલમાં કોરોના વેક્સીનેશનનું કામ ચાલી રહ્યું છે.

(12:27 am IST)