Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

દિલ્હીમાં ધીમું ઝેર થેલિયમ ખવડાવીને સાસરિયાની હત્યા

તાનાશાહ સદામ હુસૈનના પ્રકરણમાંથી પ્રેરણા લીધી :જમવામાં થેલિયમ મિક્સ કરી ખવડાવતાં સાસુ-સાળીનાં મોત, પત્ની અને સસરાની તબિયત ખૂબ જ ગંભીર છે

નવી દિલ્હી, તા. ૨૬ : થેલિયમ એક એવી ઝેરીલી નરમ ધાતુ જેનાથી ધીમું મોત મળે છે. ઇરાકના પૂર્વ તાનાશાહ સદ્દામ હુસૈનની ગુપ્ત પોલીસે કેટલીય વખત તેનો ઉપયોગ તેમના વિરોધીઓ માટે કરી હંમેશા માટે સૂવાડી દીધા. કંઇક આવા જ રસ્તે દિલ્હીનો વરૂણ અરોરા ચાલી રહ્યો હતો. પોલીસના મતે તેણે તેના સાસરીવાળાના જમવામાં થેલિયમ મિક્સ કરીને ખવડાવી દીધું. સાસુ અને સાળીનું મોત થઇ ચૂકયું છે જ્યારે પત્ની અને સસરાની તબિયત ખૂબ જ ગંભીર છે. દિલ્હીમાં આ પ્રકારનો પહેલો આવો કેસ છે. વરૂણે ચોંકાવનારો ખુલાસો કર્યો કે તેણે ઇરાકના પૂર્વ તાનાશાહ સદ્દામ હુસૈનમાંથી મોતને ઘાટ ઉતારવાની આ પ્રેરણા મેળવી.

રૂણની પત્ની દિવ્યાના પિતા દેવેન્દ્ર શર્માનું કહેવું છે કે ૩૧મી જાન્યુઆરી ૨૦૨૧ના રોજ અચાનકથી વરૂણ ઘરે માછલી બનાવીને લાવ્યો. જ્યારે વરૂણ એક વર્ષથી દિવ્યાને ઘર સુધી છોડવા પણ નહોતો આવતો. તે અડધા રસ્તે છોડીને જતો રહેતો. પરંતુ તે દિવસે અચાનક તે આવ્યો. મારી નાની દીકરી પ્રિયંકા બહાર હતી પછી અમે બધાએ એની રાહ જોઇ, બાદમાં બધાએ માછલી ખાધી. ખાધા બાદ ૩ ફેબ્રુઆરીના રોજ નાની દીકરી પ્રિયંકાની તબિયત ખરાબ થઇ ગઇ અને તેનું ૧૫ ફેબ્રુઆરીએ મોત થઇ ગયું. ત્યારબાદ દિવ્યાની માતાની તબિયત ખરાબ થઇ. સારવાર દરમ્યાન ૨૧મી માર્ચના રોજ તેમનું પણ મોત થયું. જ્યારે તેમની દીકરી દિવ્યા અને તેની માતાનો ટેસ્ટ કરાવ્યો તો ખબર પડી કે તેમની બોડીમાં થેલિયમ ઝેર છે. દિવ્યાની તબિયત ખરાબ થતા તેને પણ દાખલ કરાઇ. હાલ દિવ્યાની તબિયત ખૂબ જ નાજુક છે. દિવ્યાના પિતાનું કહેવું છે કે ૧૦ દિવસ પહેલાં મારા પણ વાળ ખરી ગયા અને પાંસળીઓમાં દુખાવો થવા લાગ્યો. ત્યારે મારું ચેકઅપ કરાવ્યું તો ઝેર મારી બોડીમાં પણ મળ્યું. વરૂણની પત્નીને તેની માતાની ચઢામણી હતી અને તેના કારણે ઘરમાં ઝઘડા થતા એવું જમાઇનું માનવું હતું. દિવ્યાને પહેલું બાળક આઇવીએફથી જન્મયું હતું. ત્યારબાદ ૨૦૨૦માં તે ફરી પ્રેગનન્ટ થઇ, એ અરસામાં વરૂણના પિતાનું મોત થતાં વરૂણને એવું થયું કે મારા પિતા જ મારું બાળક બનીને આવશે. આ સમયગાળા દરમ્યાન ડૉકટરે એવું કહ્યું કે આ ડિલિવરીમાં માતા અથવા તો બાળક બેમાંથી એક જ બચશે. તો વરૂણને બાળક જોઇતું હતું પરંતુ દિવ્યાએ ગર્ભપાત કરાવી નાંખતા બંને વચ્ચે ખટરાગ થતી હતી તેવું દિવ્યાના સગાનું કહેવું છે.

થેલિયમ એક એવું કેમિકલ એલિમેન્ટ છે જે કુદરતમાં મુક્તપણે મળતું નથી. આ ખૂબ જ ઝેરીલું હોય છે. આઇસોલેટ કરવા પર આ ગ્રે કલરનું દેખાય છે પરંતુ હવાના સંપર્કમાં આવતા જ રંગહીન થઇ જાય છે. ઓગળી જતા થેલિયમ સોલ્ટસમાં કોઇ સ્વાત હોતો નથી અને ના તો કોઇ ગંધ હોય છે. આથી ઝેર તરીકે તેનો ખૂબ ઉપયોગ થાય છે. પહેલાં ઉંદર અને કીડી-મકોડા મારવાની દવાઓમાં થેલિયમ આવતો હતો. તેના ઉપયોગ પર કેટલાંય દેશોમાં પ્રતિબંધ છે. આ એક એવું કેમિકલ છે જે સ્કિનના સંપર્કમાં આવતા જ ફેલાવા લાગે છે. થેલિયમ એક એવું સ્લો પોઇઝન છે જે ધીમે-ધીમે તમને મોતના મુખમાં ધકેલી દે છે. થેલિયમના સંપર્કમાં આવ્યાના શરૂઆતના ૪૮ કલાકમાં ઉલટી, ડાયરિયા, માથું ભમવું જેવા લક્ષણ મહેસૂસ થાય છે. થોડાંક દિવસમાં આ નર્વસ સિસ્ટમને ડેમેજ કરવાનું શરૂ કરી દે છે. ધીમે-ધીમે માંસપેશીઓ બેકાર થઇ જાય છે, યાદદાસ્ત જતી રહે છે અને આખરે માણસ કોમામાં જતો રહે છે. થેલિયમના ઝેરથી મોત થવામાં ત્રણ સપ્તાહનો સમય લાગી શકે છે.

જર્નલ ઓફ ક્લિનિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક રિસર્ચમાં છપાયેલા એક રિસર્ચ પ્રમાણે શરીરમાં થેલિયમ ગયાના ૬ કલાકની અંદર સારવાર શરૂ થવી જોઇએ જેથી કરીને તે શરીરમાં ભળી ના જાય. થેલિયમનો એન્ટીડોટ પર્શિયન બ્લૂ છે. આ સિવાય ડાયાલિસિસ પણ એક વિકલ્પ છે. કેટલીક દવાઓ જેનાથી કિડનીથી થેલિયમ બહાર નીકળવાની ક્ષમતા વધી જાય, તે પણ અપાય છે. જે લોકો આનાથી બચી જાય છે તેના વાળ સંપૂર્ણપણે ખરી જાય છે.

થેલિયમ દ્વારા રાજકીય હત્યાઓને ઇરાકના પૂર્વ તાનાશાહ સદ્દામ હુસૈને ખૂબ વધાર્યું હતું. તેમની સિક્રેટ પોલીસ 'મુખબરાતલ્લ એ ૨૦મી સદીના અંતના કેટલાંક દાયકાઓમાં થેલિયમનો જોરદાર ઉપયોગ કર્યો. સલવા બહરાની, અબ્દુલ્લા અલી મજીદી જેહાદપકેટલાંય એવા નામ છે જેની હત્યા સદ્દામે આ ઝેરથી કરાવી. જોન એમ્સલે નામના એક કેમિસ્ટે પોતાના પુસ્તક ધ એલિમેન્ટ ઓફ મર્ડરમાં થેલિયમથી કરાયેલી હત્યાઓનો ઉલ્લેખ કર્યો છે. તેમના મતે ફ્રાન્સે ૧૯૬૦ના દાયકામાં એક ગુરિલ્લા નેતાને પણ આ રીતે માર્યો હતો. ક્યુબાના પૂર્વ રાષ્ટ્રપતિ ફિદેલ કાસ્ત્રોને મારવાની કોશિશમાં અમેરિકાએ પણ એક વખત ઉપયોગ કર્યાની શંકા છે.

(12:00 am IST)