Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

જાલોરના કરડામાં કાર ચાલકે છ છાત્રોને કચડ્યાં, પનાં મોત

રાજસ્થાનના જાલોરની કંપારી આવી જાય એવી ઘટના : શાળામાંથી છુટેલા બાળકો પગપાળા ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે નશામાં ધૂત કાર ચાલકે તેમને અડફેટે લીધા

નવી દિલ્હી, તા. ૨૬ : રાજસ્થાનના જાલોરમાં કંપારી આવી જાય તેવી ઘટના નોંધાઈ છે. અહીંયા એક કાર ચાલકે વાહન ૧૦૦ની સ્પીડે હંકારીને એકસાથે શાળાના છ છાત્રોને કચડી નાંખ્યા. અકસ્માતમાં ૫ બાળકોએ જીવ ગુમાવ્યો છે.

જાલોરના કરડા ગ્રામ્ય વિસ્તારમાં બુધવારે સાંજના સુમારે શાળામાંથી છુટેલા બાળકો પગપાળા ઘર તરફ જઈ રહ્યા હતા. તેઓને એક દારૂના નશામાં ધૂત કાર ચાલકે અડફેટમાં લઈ લીધા હતા. તમામ બાળકો રોડથી દૂર ચાલીને જઈ રહ્યા હતા, તેમ છતાં માતેલા સાંઢ સમી કારએ તમામને કચડી નાંખ્યા હતા.

પોલીસ તપાસમાં ઈનોવા કારમાં કરવાડાના સુરેશ અને અશોક કુમાર સવાર હોવાનું જાણવા મળ્યુ છે. કારને નશામાં ધૂત સુરેશ હંકારી રહ્યો હતો. પોલીસે તેને પકડી પાડ્યો છે. જ્યારે અશોક નાસી છુટ્યો છે. બંને દારૂના નશામાં ચકચૂર હતા, તેમજ મોટા અવાજે મ્યુઝિકની સાથે કારને સુરેશ ૧૦૦ની સ્પીડમાં દોડાવી રહ્યો હતો. અકસ્માતમાં ભાઈ-બહેન સહિત ૫ બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે એક છાત્રાની હાલત ગંભીર છે.

આ બાળકો દાંતવાડાની શાળામાં ધો.૯ અને ૧૦માં અભ્યાસ કરતા હતાનું પોલીસે જણાવ્યુ હતુ. સમગ્ર ઘટનાને નજરે જોનારા લોકોએ જણાવ્યુ કે બેફામ ગતિએ દોડી રહેલી કારએ પહેલાં બે ચક્કર લગાવ્યા હતા અને ત્રીજીવારના ચક્કરમાં રોડથી દૂર ચાલી રહેલા છ બાળકોને અડફેટમાં લઈ લીધા હતા.

(12:00 am IST)