Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ભીમા કોરેગાંવ અને મરાઠા આંદોલનના હજારો કેસ પાછા ખેંચાશે : મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણંય

ભીમા કોરેગાવ કેસ સબંધિત 649 મામલામાંથી 348 અને મરાઠા આંદોલનના 548 માંથી 460 કેસ પાછા ખેચશે

મુંબઈ : મહારાષ્ટ્ર સરકારે ભીમા કોરેગાવ અને મરાઠા આંદોલન સાથે જોડાયેલા કેસ સંબંધિત મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી સરકારે ભીમા કોરેગાવ સાથે જોડાયેલા કેસ પાછા ખેંચવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના મંત્રી અનિલ દેશમુખે જાણકારી આપતા જણાવ્યું હતું કે, ભીમા કોરેગાવ કેસ સાથે જોડાયેલા 649 મામલામાં 348 કેસ સરકાર પાછા ખેંચી રહી છે. સાથે મરાઠા આંદોલન સાથે જોડાયેલા 548 કેસમાંથી 460 કેસ સરકારે પાછા ખેંચવાની જાહેરાત કરી છે.

પુણે પોલીસના જણાવ્યા અનુસાર 31 ડિસેમ્બર 2017ના રોજ માઓવાદીઓના સમર્થનમાં પુણેમાં અલ્ગાર પરિષદ સંમેલનમાં ભડકાઉ ભાષણ આપવામાં આવ્યા હતા, ત્યાર બાદ આગલા દિવસે જિલ્લામાં ભીમા કોરેગાવ સ્થિત હિંસા ભડકી હતી. વામપંથી નેતા મિલિંદ એકબોટે અને સંભાજી ભીડે કોરેગાવ ભીમા હિંસાના આરોપી છે.

 પુણે પોલીસે અલ્ગાર પરિષદ મામલે માઓવાદીઓ સાથે સંબંધ ધરાવવાના આરોપમાં ડાબેરી વિચારધારાના સામાજીક કાર્યકર્તા સુધીર ધાવલે, રોના વિલ્સન, સુરેન્દ્ર ગાડલિંગ, મહેશ રાઉત, શોમા સેન, અરુણ ફેરીરા, વરનૉન ગોંઝાલ્વિસ, સુધા ભારદ્વાજ અને વરવર રાવની ધરપકડ કરી હતી. પવારે આ તમામને ખોટું અને બદલાની ભાવનાથી તેમની ધરપકડ કરાઈ હોવાનું જણાવી ચુક્યા છે.

(6:58 pm IST)