Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

૮૦૦ બીલીયન ડોલરની ગ્રોસરી માર્કેટને હચમચાવવાની એમેઝોનની તૈયારી

સીએટલમાં પહેલો કેશીયર વગરનો ગ્રોસરીસ્ટોર ચાલુ કર્યો : ૧૦૪૦૦ ચોરસ ફુટમાં ફેલાયેલો છે સ્ટોર

ન્યુયોર્ક તા. ૨૭ : ઓનલાઇન માર્કેટની જાયન્ટ કંપની એમેઝોને પોતાની પહેલી કેશીયરલેસ સુપર માર્કેટ મંગળવારે ખોલી છે. જ્યાં ગ્રાહકો દુધ, ઇંડા અને અન્ય ઘર વપરાશની વસ્તુઓ લઇને પોતાનું પાકીટ ખોલ્યા વગર, લાઇનમાં ઉભા રહ્યા વગર બહાર નીકળી શકશે. એમેઝોન ૮૦૦ બીલીયન ડોલરની ગ્રોસરી માર્કેટને હચમચાવવા બાબતે ગંભીર છે તે અંગેનો આ એક સંકેત છે.

એમેઝોનના હોમ ટાઉન સીએટલમાં મંગળવારે ખુલેલા આ નવા સ્ટોરમાં ગ્રાહકોએ પ્રવેશ કરતી વખતે પોતાનો સ્માર્ટ ફોન સ્કેન કરાવવાનો રહેશે. સ્ટોરના કેમેરા અને સેન્સર્સ તમે ખાનામાંથી કઇ વસ્તુઓ લીધી તે ટ્રેક કરતા રહેશે. સ્ટોર છોડયા પછી બીલની રકમ તમારા એમેઝોન એકાઉન્ટમાંથી કપાઇ જશે. સ્ટોર ખુલ્યાની થોડી ક્ષણો પછી સ્ટોરની મુલાકાત લઇને ૧૫ ડોલરના પાસ્તા, ચોકલેટ અને અન્ય ગ્રોસરી આઇટમો ખરીદનાર સીએટલની આર્ટ કુનીયુકીએ કહ્યું કોઇ પણ વસ્તુ થેલીમાં મુકીને ચાલતા થવાની સગવડ મને ગમી.

એમેઝોન ગ્રો ગ્રોસરી નામે ઓળખાતો આ નવો સ્ટોર ૧૦૪૦ ચોરસ ફુટમાં બનેલો છે, જે સામાન્ય સાઇઝના સ્ટોર કરતા પાંચ ગણો મોટો છે અને ગ્રોસરીની જાતજાતની વસ્તુઓ ઉપરાંત અહીં સોડા અને સેન્ડવીચ જેવી ખાણી-પીણીની વસ્તુઓ જથ્થાબંધ મળી શકે છે.

એક જ ફોન સ્કેન કરીને કુટુંબ પણ ખરીદી કરી શકે છે. કોઇપણ વસ્તુ લઇને તે સ્ટોર છોડે તેનું બીલ એ વ્યકિતના નામે જશે જેણે તેમણે પ્રવેશ માટે સાઇન કર્યા હશે. એમેઝોને જો કે ચેતવણી પણ આપી હતી કે કોઇ અજાણી વ્યકિતને મદદરૂપ થવા માટે ગ્રાહકે વસ્તુ પોતાના હાથે તેને ન આપવી નહીંતર તેનું બીલ પણ મદદકર્તા ગ્રાહકમાં જઇ શકે છે.

(3:59 pm IST)