Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

પોલીસ સક્રીય હોત તો કેટલાયના જીવો બચી જાતઃ સુપ્રીમ કાળઝાળ

દિલ્હી હિંસા અંગે સર્વોચ્ચ અદાલતની કડક ટીપ્પણી

નવીદિલ્હીઃ શાહીન બાગનો રસ્તો ખોલવાને લઈને બુધવારે સુપ્રીમમાં સુનાવણી યોજાયેલ. દરમિયાન સુપ્રીમે દિલ્હીમાં થયેલ હિંસા ઉપર ગંભીર અને કડક ટિપ્પણી કરતા જણાવેલ કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે દિલ્હી પોલીસમાં સ્વતંત્રતા અને પ્રોફેશનલીઝમ ન હોવાના કારણે કેટલાયના જીવો ગયા છે. આપણે અમેરિકા અને યુકેની પોલીસ પાસેથી શીખવું જોઈએ કે અપરાધ થતા તેઓ કાર્યવાહી કરે છે, આદેશની રાહ જોતા નથી.

જસ્ટીસ કૌલે જણાવેલ કે જે થયુ તે દુર્ભાગ્યપૂર્ણ છે. જસ્ટીસ જોસેફે પોલીસની નિષ્ક્રીયતા પર જણાવેલ કે હું કહેવા માંગીશ અને જો હું એમ નહીં કરૂ તો મારા કર્તવ્ય પ્રતિ બેઈમાની હશે. હિંસા રોકવામાં દિલ્હી પોલીસ તરફથી સ્વતંત્રતા અને પ્રોફેશનલીઝમની કમી રહેલ.

જયારે સોલીસીટર જનરલ તુષાર મહેતાએ આ અંગે આપતિ વ્યકત કરતા જણાવેલ કે દિલહીના વર્તમાન માહોલમાં આ પ્રકારની ટીપ્પણી ન કરવી જોઈએ. પોલીસને નિરઉત્સાહ ન કરવી જોઈએ. જસ્ટીસ જોસેફે જણાવેલ કે મોતનો આંકડો ૧૩ થયો છે ત્યારે એક વકીલે આંકડો ૨૦ થયાનું ચાલુ કોર્ટે જણાવેલ. જસ્ટીસ જોસેફે વધુમાં જણાવેલ કે સમસ્યા પ્રોફેશ્નલીઝમની છે. જો તેમ ન થાત તો સ્થિતિ આટલી ન બગડી હોત. જો પોલીસ સમયસર સક્રીય થાત તો કેટલાય જીવ બચી શકયા હોત. પોલીસને નિર્ણય લેવાની સ્વતંત્રતા અંગે સુપ્રીમના દિશા નિર્દેશો કયારેય લાગુ જ નથી કરાયા. ભારતીય પોલીસે યુકે- અમેરિકાની પોલીસ પાસેથી શીખવું જોઈએ, જે ઉચ્ચ અધિકારીઓના આદેશની રાહ જોયા વિના ગુના વિરૂધ્ધ કાર્યવાહી કરે છે. જો યુકે- અમેરિકામાં કોઈ ભડકાઉ ભાષણ કરે છે. તો પોલીસ તુરંત કાર્યવાહી કરે છે.

(1:11 pm IST)