Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ભારતમાં કુલ ૧૩૮ અબજપતિ : મુકેશ અંબાણી સૌથી અમીર ભારતીય

આર્થિક નરમીની વચ્ચે વર્ષ ૨૦૧૯માં ભારતમાં દર મહિને ત્રણ નવા અબજપતિ બન્યા છે અને તેમને મેળવી અબજપતિઓની કુલ સંખ્યા ૧૩૮ સુધી પહોંચી ગઈ છે

નવી દિલ્હી, તા.૨૭: દેશ દુનિયામાં ચાલુ આર્થિક નરમીની વચ્ચે વર્ષ ૨૦૧૯માં ભારતમાં દર મહિને ત્રણ નવા અબજપતિ બન્યા છે અને તેમને મેળવી અબજપતિઓની કુલ સંખ્યા ૧૩૮ સુધી પહોંચી ગઈ છે. જે ચીન અને અમેરિકા બાદ સૌથી વધુ છે. રિલાયન્સ ગ્રૃપના પ્રમુખ મુકેશ અંબાણી દેશના સૌથી અમીર વ્યકિત છે. તેમની કુલ નેટવર્થ ૬૭ અબજ ડોલર છે. જયારે તેઓ વિશ્વના ટોપ ૧૦ અમીર વ્યકિતઓમાં નવમા સ્થાને છે. આ યાદીમાં જો ભારતથી બહાર રહેતા ભારતીય મૂળના અબજપતિઓને પણ જોડી દેવામાં આવે તો આ સંખ્યા ૧૭૦ સુધી પહોંચી જશે.

હરુન ગ્લોબલ રિચ લિસ્ટ ૨૦૨૦ મુજબ ૭૯૯ અબજપતિઓની સંખ્યાની સાથે ચીન યાદીમાં પહેલા સ્થાને છે અને ૬૨૬ અબજપતિઓ સાથે અમેરિકા બીજા નંબર પર છે. એક અબજ ડોલરથી વધુની નેટવર્થ ધરાવતા વ્યકિતઓની ગણતરીના આધારે આ યાદી બનાવવામાં આવી છે. આ હિસાબે દુનિયામાં કુલ ૨૮૧૭ અબજપતિ છે. એમેઝોનના ડોટ કોમના જેફ બેજોસ દુનિયાના સૌથી અમીર વ્યકિત બની ગયા છે. તેમની નેટવર્થ ૧૪૦ અબજ ડોલર છે. જે બાદ ૧૦૭ અબજ ડોલરની નેટવર્થ સાથે એલએમવીએચના બર્નાર્ડ ઓરનોલ્ડ બીજા અને ૧૦૬ અબજની નેટવર્થ સાથે માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ ત્રીજા સ્થાને છે.

આ વર્ષે યાદીમાં ૪૮૦ અબજપતિ ઉમેરાયા છે. દેશમાં સૌથી વધુ ૫૦ અબજપતિ મુંબઈમાં, ૩૦ અબજપતિ દિલ્હીમાં, ૧૭ અબજપતિ બેંગ્લોરમાં અને ૧૨ અબજપતિ અમદાવાદમાં છે. દેશમાં ૨૭ અબજ ડોલરની નેટવર્થ સાથે એસ.પી હિંદુજા પરિવાર બીજા સ્થાને છે. ૧૭ અબજ ડોલરની નેટવર્થ સાથે ગૌતમ અદાણી ત્રીજા સ્થાને છે. કોટક બેંકના ઉદય કોટકની કુલ નેટવર્થ ૧૫ અબજ ડોલર છે અને તેઓ યાદીમાં છઠ્ઠા સ્થાને છે. જયારે તેઓ દુનિયામાં ખુદના દમ પર સંપત્તિ બનાવનાર સૌથી અમીર વ્યકિત છે.

૨૦૧૯માં મુકેશ અંબાણીની કલાકની કમાણી રૂ.૭ કરોડ

 નવી દિલ્હી, તા.૨૭: હુરૂન ગ્લોબલ રિચ લિસ્ટ ૨૦૨૦ ની નવમી એડિશનમાં એવું જણાવાયું છે કે ભારતમાં ૨૦૧૯ના વર્ષમાં દર મહિને ત્રણ અમીરોનો ઉમેરો થયો હતો, આ રીતે આ વર્ષમાં કુલ ૧૩૮ અમીરો બન્યા હતા અને આને જ પરિણામે ભારતને વિશ્વમાં ત્રીજો અમીર દેશ બનવામાં મદદ મળી હતી. ૧૩૮ ની યાદીમાં ૬૭ બિલિયનની નેટવર્થ સાથે મુકેશ અંબાણી નવમાં ક્રમે રહ્યાં હતા. ૨૦૧૯ માં મુકેશ અંબાણી દર કલાકે ૭ કરોડની કમાણી કરતા હતા. ભારતીય મૂળના વિદેશી અમીરોની ગણતરી કરીએ તો ભારતીય અમીરોની સંખ્યા ૧૭૦ જેટલી થવા જાય છે. હુરૂન ગ્લોબલ રિચ લિસ્ટમાં વિશ્વભરના ૧ બિલિયન કે તેનાથી વધારે ડોલરની નેટવર્થ ધરાવતા ૨૮૧૭ લોકોને સામેલ કરાયા છે. રિપોર્ટ અનુસાર અમેરિકા કરતા ચીનમાં સૌથી વધારે અમીરો છે. ચીનમાં ૭૯૯ તો અમેરિકામાં ૬૨૬ અમીરો છે. દેશમાં મુંબઈમાં ૫૦, નવી દિલ્હીમાં ૩૦, બેંગ્લુરૂમાં ૧૭ અને અમદાવાદમાં ૧૨ અબજોપતિઓ રહે છે. ૧૪૦ બિલિયન ડોલરની નેટવર્થ સાથે એમેઝોનના સીઈઓ જેફ બેજોસ પહેલા ક્રમે છે.હુરૂન ગ્લોબલ રિચ લિસ્ટ ૨૦૨૦ અનુસાર, કોટક હવે વિશ્વના રિચેસ્ટ સેલ્ફ મેડ બેન્કર બન્યાં છે. ૧, ૦૪,૩૦૦ કરોડ (૧૫ બિલિયન ડોલર) ની નેટવર્થ સાથે કોટક મહિન્દ્રાએ વિશ્વના ૧૦૦ અમીરોમાં ૯૧ મું સ્થાન સ્થાન હાંસલ કર્યું છે. ૧૦૦ ની યાદીમાં કોટક પહેલા ફકત ૩ ભારતીયો આગળ છે. ૬૭ બિલિયન ડોલરની નેટવર્થ સાથે મુકેશ અંબાણી ૯મા ક્રમે, ૧૭ બિલિયન ડોલરની નેટવર્થ સાથે ગૌતમ અદાણી અને શિવ નાદર ૬૮મા ક્રમે છે. ૨૦૧૯ના વર્ષમાં વિશ્વમાં ૪૮૦ અબજોપતિઓ ઉમેરાયા હતા જેમાંથી ૩૪ તો ભારતીયો હતા. હુરૂન રિપોર્ટ ઈન્ડીયાના મેનેજિંગ ડિરેકટર અનાસ રહેમાન જુનૈદે કહ્યું કે ભારતીય અમીરો મંદીની ટક્કર ઝીલી રહ્યાં છે. આર્થિક મંદીની ભારત પર કોઈ અસર પડી નથી. ૨૦૧૯ નું વર્ષ સ્ટોક માર્કેટ માટે પણ સારું રહ્યું હતું.

(11:30 am IST)