Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

ભારતના શિક્ષિત યુવાનોને ગમે તેમ કરીને કેનેડા કેમ જવું છે?

ઘણા રાજયમાં યુવાનો માને છે કે તેમને સરકારી જોબમાં ચાન્સ નહીં મળેઃ ભારતમાં બેરોજગારીનું કડવું સત્યઃ ઉચ્ચ ડિગ્રી ધરાવતા લોકોને પણ દેશમાં સારી જોબની આશા નથીઃ ચોંકાવનારા આંકડા બહાર આવ્યા

નવી દિલ્હી,તા. ૨૭ : શ્રીજન ઉપાધ્યાય બિહારમાં હાઈવે પર આવેલી ખાણી-પીણીની દુકાનોમાં તૈયાર નાસ્તાના પેકેટ સપ્લાય કરતો હતો. કોવિડના કારણે લોકડાઉન લાદવામાં આવ્યા પછી તેના મોટા ભાગના ગ્રાહકો દુકાન બંધ કરીને જતા રહ્યા. તેમાંથી મોટા ભાગના લોકોએ શ્રીજનને બાકી નીકળતા રૂપિયા પણ ચુકવ્યા ન હતા.

૩૧ વર્ષીય શ્રીજન IT ગ્રેજયુએટ છે અને કોરોનામાં તેનો ધંધો સાવ પડી ભાંગ્યો છે. તાજેતરમાં તે પંજાબમાં એક કન્સલ્ટન્ટને મળવા ગયો. કન્સલ્ટન્ટે તેને કેનેડાના વર્ક વિઝા અપાવવાનું વચન આપ્યું છે. શ્રીજન પોતાની સાથે પોતાના પડોશીને પણ પંજાબ લઈ ગયો હતો જે કોમર્સ ડિગ્રી ધરાવે છે પણ કયાંય નોકરી મળતી નથી. શ્રીજનના પડોશીને પણ કેનેડાના વિઝા જોઈએ છે.

ઉપાધ્યાય કહે છે કે, 'અહીં અમને જોબ નથી મળતી. જયારે સરકારી નોકરીની જાહેરાત આવે ત્યારે લાગવગિયાઓને નોકરી મળી જાય છે અથવા પેપર ફૂટે છે. મને વિશ્વાસ છે કે મને કેનેડામાં જોબ મળી જશે, ભલે પછી શરૂઆતમાં ગમે તે કામ કરવું પડે.'

છેલ્લા છ વર્ષમાંથી પાંચ વર્ષમાં ભારતમાં બેરોજગારીનો દર વિશ્વના બેરોજગારી દર કરતા વધુ રહ્યો છે. મુંબઈ સ્થિત સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE) અને ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO)ના આંકડા દર્શાવે છે કે રોગચાળાના સમયમાં બેરોજગારીમાં ભારે ઉછાળો આવ્યો છે.

એપ્રિલમાં ભારતમાં બેરોજગારીનો દર ૨૩.૫ ટકાની ટોચ પર હતો. ત્યાર બાદ ગયા મહિને બેરોજગારીનો દર ઘટીને ૭.૯ ટકા થયો હતો તેમ CMIE જણાવે છે.

કેનેડામાં ડિસેમ્બરમાં બેરોજગારીનો દર ૫.૯ ટકા હતો જે ઘણા મહિનામાં સૌથી નીચે હતો. OECD જૂથ, જેમાં મોટા ભાગે ધનિક દેશો આવે છે, તેમાં ઓકટોબરમાં સળંગ છઠ્ઠા મહિને બેરોજગારી દ્યટી હતી. અમેરિકા જેવા દેશમાં આર્થિક પ્રવૃત્ત્િ।માં વેગ આવ્યા પછી મજૂરોની ભારે અછત પ્રવર્તે છે.

ભારતમાં જે આર્થિક ગ્રોથ થાય છે તેમાં રોજગારીનું સર્જન અગાઉ કરતા ઘટી ગયું છે. એટલે કે ભારતમાં જોબલેસ ઇકોનોમિક ગ્રોથ જોવા મળ્યો છે.

CMIEના મેનેજિંગ ડિરેકટર મહેશ વ્યાસ કહે છે કે, 'બેરોજગારીના આંકડા જે દર્શાવે છે તેના કરતા પણ સ્થિતિ વધુ ગંભીર છે. બેરોજગારી દરમાં તો જે લોકો રોજગારી માંગે છે અને કામ નથી મળતું તે આંકડા જ જોવા મળે છે. હકીકતમાં રોજગારી માંગતા લોકોનો વર્ગ જ ઘટી રહ્યો છે.'

નિષ્ણાતોનું કહેવું છે કે ભારતના યુવાનોમાં રોજગારી અંગે નિરાશા પ્રવર્તે છે અને વડાપ્રધાન મોદી માટે આ સૌથી મોટી નિષ્ફળતા છે. મોદીએ કરોડો રોજગારી પેદા કરવાનું વચન આપ્યું હતું જે હજુ સાકાર થયું નથી.

ફેબ્રુઆરી અને માર્ચમાં પંજાબ અને ઉત્ત્।ર પ્રદેશમાં ચૂંટણી  આવી રહી છે ત્યારે મોદીના હરીફો આ મુદ્દો ઉછાળી રહ્યા છે. આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી  અરવિંદ કેજરીવાલે તાજે તરમાં એક ભાષણમાં કહ્યું હતું કે, રોજગારીની તક ન હોવાના કારણે દરેક યુવાનને કેનેડા જવું છે. વાલીઓ પણ પોતાના બાળકોને ગમે તેમ કરીને કેનેડા મોકલવા માંગે છે.

બેરોજગારીનો મુદ્દો રાજકીય રીતે એટલો સંવેદનશીલ બન્યો છે કે રાજય સરકારો સ્થાનિક લોકોને નોકરી પર રાખવા ભાર મુકી રહી છે. પંજાબના પડોશી રાજય હરિયાણામાં ઘણી IT અને ઓટોમોબાઈલ કંપનીઓ આવેલી છે. તેમણે સ્થાનિક લોકો માટે જોબ અનામત રાખવાનો નિર્ણય લીધો છે. પંજાબમાં પણ રાજકીય પક્ષો વચન આપવા લાગ્યા છે કે તેઓ સત્ત્।ા પર આવશે તો સ્થાનિક લોકોને રોજગારી આપવાનો કાયદો ઘડશે.

૨૦૧૮ અને ૨૦૨૧ વચ્ચે ભારતમાં મંદીનો સૌથી લાંબો ગાળો ચાલ્યો હતો, જે દરમિયાન બેરોજગારીનો દર ૭.૨ ટકા સુધી પહોંચ્યો હતો. તે દરમિયાન વૈશ્વિક બેરોજગારીનો દર ૫.૭ ટકા હતો. બેરોજગારીના મામલે ૧૯૯૧ પછી ભારતમાં સૌથી ખરાબ સ્થિતિ છે.

અર્થશાસ્ત્રીઓ કહે છે કે ભારત જેવા દેશમાં દર વર્ષે ૧.૨ કરોડ લોકો રોજગારીની વયે પહોંચે છે. આવી સ્થિતિમાં રોજગારીની તક ન વધે તો સમસ્યા પેદા થઈ શકે છે.

વર્કફોર્સમાં જેટલા ટકાનો વધારો થાય તેટલા જ પ્રમાણમાં GDPમાં વધારો થવો જોઈએ, પરંતુ ભારતમાં તે વધવાના બદલે સંકોચાય છે. એટલે કે રોજગારીમાં એક ટકા વધારો કરવો હોય તો અર્થતંત્રે ૧૦ ટકાના દરે ગ્રોથ કરવો પડે.

પંજાબમાં યુવાનોને કેનેડા પહોંચાડવાનું કામ કરતા એક કન્સલ્ટન્ટે જણાવ્યું કે તેની પાસે રોજના ૪૦ કલાયન્ટ આવે છે. તેઓ કહે છે કે, 'અમે છેલ્લા ચાર વર્ષથી આ કામ કરીએ છીએ. હું પોતે કેનેડા જઈ આવ્યો છું. આ વર્ષે પણ જાઈશ અને આગામી વર્ષે પણ જઈશ. રાજકારણીઓ માત્ર સરકારી જોબ આપવાની વાતો કરે છે, પણ જોબ મળતી નથી.'

(10:36 am IST)