Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

બ્રાઝિલમાં ફેલાયેલો કોરોના વાયરસનો નવો પ્રકાર હવે અમેરિકા પહોંચ્યો

આ કોવિડ-૧૯ વેકિસનને પણ આંશિકરૂપે હરાવી શકે છેઃ કોરોનાના આ નવા સ્ટ્રેનને P1 નામ આપવામાં આવ્યું છે

વોશિંગ્ટન, તા.૨૭: કોરોના વાયરસના કારણે દુનિયામાં સૌથી અસરગ્રસ્ત એવા અમેરિકામાં હવે બ્રાઝિલમાં ફેલાયેલો કોરોના વાયરસનો નવો પ્રકાર પહોંચી ગયો છે. બ્રાઝિલનો સુપર કોવિડ સ્ટ્રેન પ્રથમ વખત અમેરિકા પહોંચતા ડર વધી ગયો છે. કોરોના વાયરસના આ નવા સ્ટ્રેન વિશે આશંકા વ્યકત કરવામાં આવી છે કે આ કોવિડ-૧૯ વેકિસનને પણ આંશિકરૂપે હરાવી શકે છે. કોરોનાના આ નવા સ્ટ્રેનને P1 નામ આપવામાં આવ્યું છે અને તેનો પહેલો કેસ અમેરિકાના મિન્નેસોટામાં મળી આવ્યો છે.

બ્રાઝિલના કોરોના વાયરસના સ્ટ્રેન વિશે વિશેષજ્ઞોનું કહેવું છે કે આ સામાન્ય કોરોના વાયરસ કરતા ૫૦ ટકા વધુ સંક્રામક છે. અમેરિકાના Minnesotaના દર્દીમાં જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા. ત્યારબાદ જયારે તપાસ કરવામાં આવી ત્યારે તે કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું. તેમણે જણાવ્યું કે તેઓ હાલમાં જ બ્રાઝિલ ગયા હતા અને તેઓને એવું જણાવવામાં આવ્યું છે કે પોતાની જાતને અલગ રાખે.

કોરોના વાયરસનો આ નવો પ્રકાર બ્રાઝિલના એક રાજય Amazonasથી દુનિયાભરમાં ફેલાવાનો શરૂ થયો. વૈજ્ઞાનિકોને આશંકા છે કે આ સુપર કોવિડ વાયરસ ગત વર્ષે જુલાઈ મહિનાથી બ્રાઝિલમાં ફેલાઈ રહ્યો છે. આ સુપર કોવિડના નવા રૂપથી આ વિસ્તારોમાં કોરોનાથી થતા મોતનો ખતરો વધી રહ્યો છે. ખાસ કરીને તે વિસ્તારો કે જયાં હેલ્થની સર્વિસ ખૂબ નબળી છે અને ખૂબ ઓછા લોકો સુધી હેલ્થની સુવિધાઓ પહોંચી છે.

બ્રાઝિલમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ૮૩ લાખ કેસ નોંધાયા છે. જયારે આશરે ૨ લાખથી વધુના કોરોનાથી બ્રાઝિલમાં મોત થયા છે. કોરોનાથી થતા મોતના મામલે બ્રાઝિલ માત્ર અમેરિકાથી પાછળ છે. બ્રાઝિલમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યાં એવી હાલત છે કે ઓકિસજન ખરીદવા માટે લાંબી લાઈનો લાગી રહી છે.

(10:19 am IST)