Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

ક્રુડ સસ્તુ થતાં મોંઘવારીમાં રાહતની સંભાવના

ક્રુડના ભાવ આ મહિને ૧૬ ટકા તુટયા : હજુ વધુ ઘટવાના એંધાણ : પેટ્રોલ ડીઝલ સતત સસ્તા થઇ રહયા છે

નવી દિલ્હી તા ૨૭  : બજારમાં ક્રુડના ભાવો ઘટવાના કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો સતત ઘટી રહયા છે, જેના લીધે આગામી દિવસોમાં દેશના ગ્રાહકોને મોંધવારીમાં રાહત મળી શકે છે.

ચીનમાં કોરોના વાયરસના પ્રકોપના કારણે ગયા અઠવાડીયે આંતરરાષ્ટ્રીય બજારમાં બેંચમાર્ક બ્રેંટ ક્રુડના ભાવ લગભગ પ-ડોલર પ્રતિ બેરલ તુટીને લગભગ સાતઅઠવાડીયાના નીચલા સ્તરે પહોંચી ગયા હતા, જયારે ક્રુડની ખપત સામે સપ્લાયમાં વધારો થવાથી આગામી દિવસોમાં ભાવમાં વધુ ઘટાડો થઇ શકે છે.

ભારત પોતાના વપરાશનું લગભગ ૮૪ ટકા ક્રુડ આયાત કરે છે એટલે, દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ ઉપર આધાર રાખે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવમાં થયેલ વર્તમાન ઘટાડાને કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ૧૫ દિવસમાં ર રૂપિયાથી પણ વધારે ઘટયા છે.

ઉર્જા વિશેષજ્ઞ નરેન્દ્ર તનેજાનું કહેવું છે કે, ક્રુડના ભાવમાં આગામી દિવસોમાં વધુ ઘટાડાની શકયતાઓ છે, જેના લીધે ખાદ્ય વસ્તુઓની મોંઘવારી પર કાબુ આવી શકે છે. ખાદ્યચીજોના ભાવમાં મોંઘવારી દરમાં સતત વધારો નોંધાયો હતો. ડીસેમ્બરમાં દેશમાં છુટક મોંઘવારી દર ૭.૩૫ ટકા નોંધાયો હતો. જે લગભગ સાડા પાંચ વર્ષમાં સોથી ઉંચો છે. આ પહેલા જુલાઇ-૨૦૧૪માં છુટક મોંઘવારી દર ૭.૩૯ ટકા નોંધાયો હતો.

તનેજાએ કહયું કે, ચીનમાં કોરોના વાયરસના પ્રકોપના કારણે ત્યાં મંદીનું વાતાવરણ ઉભુ થવાથી ક્રુડનો વપરાશ ઘટી શકે છે. ચીન દુનિયામાં ક્રુડનો મુખ્ય આયાત કરનારો દેશ છે. ચીનની આયાત ઘટવાથી ક્રુડના ભાવો પર દબાણ બનેલું રહેશે.

(10:19 am IST)