Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

નોબલ પૂરસ્કાર વિજેતા અભિજીત બેનર્જી કહે છે

દબાણમાં છે બેન્કિંગ સેકટર, મદદ કરવાની સ્થિતિમાં નથી સરકાર

નવી દિલ્હી, તા.૨૭: નોબલ પૂરસ્કારથી સન્માનિત અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીએ રવિવારે કહ્યું કે દેશમાં બેન્કિંગ ક્ષેત્ર દબાણમાં છે અને સરકાર પ્રોત્સાહન પેકેજ આપીને આ સંકટથી બહાર નીકાળવાની સ્થિતિમાં નથી. જયપુર સાહિત્ય મહોત્સવ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં બેનર્જીએ કહ્યું કે, ઓટો સેકટરમાં માંગમાં દ્યટાડોથી પણ જાણવા મળે છે કે લોકોમાં અર્થવ્યવસ્થાને લઇને વિશ્વાસની કમી છે.

તેઓએ કહ્યું કે, નાણાકીય ક્ષેત્ર હાલ સૌથી મોટુ દબાણમાં છે, બેન્કિંગ ક્ષેત્ર દબાણમાં છે અને આ ચિંતાની વાત છે. ખરેખર તો સરકાર પ્રોત્સાહન પેકેજ આપી તેને સંકટથી બહાર લાવવાની સ્થિતિમાં નથી. અભિજીત બેનર્જીએ કહ્યું કે, આપણે એમ પણ જાણીએ છીએ કે અર્થવ્યવસ્થામાં માંગમાં દ્યટાડાને કારણે કાર અને ટુ વ્હિલર વાહનોનું વેચાણ નથી થઇ રહ્યું. આ તમામ સંકેત છે કે લોકોને અર્થવ્યવસ્થામાં તીવ્ર વૃદ્ઘિ થવાના અનુમાન પર વિશ્વાસ નથી, તેથી તેઓ ખર્ચ પણ કરી રહ્યા નથી.

'ગુડ ઇકોનોમિકસ ફોર હાર્ડ ટાઇમ'ના લેખકે એમ પણ કહ્યું કે, અર્થવ્યવસ્થામાં મંદીનો દેશમાં ગરીબી ઉન્મૂલન પર પ્રતિકૂળ અસર પડશે, કેમકે શહેરી અને ગરીબી ક્ષેત્ર એકબીજા સાથે જોડાયેલા છે. તેઓએ કહ્યું કે ગરીબી ઉન્મૂલન એ આધાર પર થાય છે કે, શહેરી ક્ષેત્ર ઓછા કૌશલ્ય વાલા રોજગારનું સર્જન કરે છે અને ગ્રામ વિસ્તારના લોકોને એવા રોજગાર મળે છે કે, જેનાથી પૈસા પાછા ગામમાં આવે છે.

ભારતીય-અમેરિકી અર્થશાસ્ત્રીએ આગળ કહ્યું કે, આ પ્રકારે શહેરી ક્ષેત્રથી વૃદ્ઘિ ગ્રામીણ ક્ષેત્રમાં જાય છે અને જો શહેરી ક્ષેત્રમાં મંદી આવે છે તો ગ્રામ વિસ્તાર પર તેની અસર પડે છે. એમ પૂછવા પર કે જો લોકોને આંકડાઓ પર વિશ્વાસ નથી તો આર્થિક નીતિઓ કેવી રીતે કામ કરશે. ત્યારે તેઓએ કહ્યું કે, સરકારે આ મુદ્દાને લઇને ચિંતિત થવું જોઇએ. તેના કારણે વિદેશી રોકાણકારો પણ હેરાન છે.

અભિજીત બેનર્જીએ કહ્યું કે, તેઓને નથી ખબર કે તેઓ કયાં જઇ રહ્યા છે. મારો અર્થ છે કે આ વાસ્તવિક મુદ્દા છે અને સરકારે તેના પર ધ્યાન આપવું જોઇએ. જો તેઓ રોકાણને આકર્ષિત કરવા માટે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સામેલ થવા માંગે છે, ત્યારે લોકોને સાચા આંકડા ઉપલબ્ધ કરાવવા જરૂરી છે.

મુંબઇમાં જન્મેલા અભિજીત બેનર્જીએ કોલકાતા યુનિવર્સિટી અને જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓએ હાવર્ડ યુનિવર્સિટીથી પીએચડીની ડિગ્રી મેળવી અને હાલ એમઆઇટી (MIT)માં પ્રોફેસર છે. ગત વર્ષે ઓકટોબરમાં પ્રોફેસર અભિજીત બેનર્જી, પત્ની એસ્થર ડુફલો અને માઇકલ ક્રેમરને સંયુકત રુપે અર્થવ્યવસ્થાના નોબલ પૂરસ્કાર (Nobel Prize) થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પહેલા અર્થશાસ્ત્રમાં નોબલ પૂરસ્કારથી સન્માનિત અભિજીત બેનર્જીએ JNU કેમ્પસમાં થયેલા હુમલા પર કહ્યું હતું કે, જેએનયુ (JNU) હુમલામાં એ દિવસોની ગુંજ સંભળાય છે, જયારે જર્મની હિટલરના નાઝીવાદ તરફ આગળ વધી રહ્યું હતું. તેઓએ કહ્યું કે એ દરેક વ્યકિત તેના પર ચિંતિત થવું જોઇએ, જે વિદેશમાં દેશની છબી વિશે વિચારે છે. તેઓએ જેએનયુના રજિસ્ટ્રારના એ નિવેદનનો પણ વિરોધ કર્યો, જેમા હિંસા માટે ફી વધારવાનો વિરોધ કરનારા લોકોને જવાબદાર ઠેરાવ્યા હતા.

(11:40 am IST)