Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

ભીમાકોરેગાંવ પ્રકરણઃ હવે FBIની મદદ લેશે પોલીસ

પુણે પોલીસ ટૂંક સમયમાં અમેરિકા પહોંચશે : પોલીસેને હાર્ડ ડિસ્કથી ઘણી વિગતો મળી શકે તેવી વકી

પુણે, તા. ૨૬ : ભીમાકોરેગાંવ કેસમાં તપાસ માટે પુણે પોલીસ હવે અમેરિકાની ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (એફબીઆઈ)ની મદદ લેશે. જો કે, પોલીસને આરોપી વરવર રાવના આવાસ પરથી એક હાર્ડ ડિસ્ક મળી હતી. આ હાર્ડ ડિસ્કમાંથી ડેટા રિકવર કરવા માટે પોલીસ એફબીઆઈની મદદ માંગશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વરવર રામ સહિત અન્ય લોકોની વિરુદ્ધ આરોપ છે કે, તેમણે ભીમાકોરેગાંવમાં હિંસા ભડકાવવામાં ભૂમિકા ભજવી છે. માહિતી અનુસાર આ મામલામાં હાર્ડ ડિસ્કથી અનેક વિગતો ખુલી શકે છે. એટલા માટે જ ફોરેન્સિક એક્સપર્ટ અને પોલીસની એક ટીમ ટૂંકમાં જ અમેરિકા માટે રવાના થઇ શકે છે. પુણે પોલીસના કેસ અનુસાર ૩૧મી ડિસેમ્બર ૨૦૧૭એ સીપીઆઈ (માઓવાદી)ના ફંડ દ્વારા એલ્ગાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જે સરકારને હટાવવાનું ષડયંત્રનો એક ભાગ છે.

               એલ્ગાર પોલીસે દાવો કર્યો હતો કે, અહીં આપવામાં આવેલા કથિત ઉશ્કેરણીજનક નિવેદનને પહેલી જાન્યુઆરી ૨૦૧૮ના દિવસે કોરેગાંવ-ભીમાની જાતિવાદી હિંસામાં ભૂમિકા ભજવી હતી. ૬ઠ્ઠી જૂન ૨૦૧૮ બાદથી પોલીસે ૯ નવ એક્ટિવિસ્ટ્સ સુધીર ધાવલે, રોના વિલ્સન, સુરેન્દ્ર ગાડલિંગ, શોમા સેન, મહેલ રાઉત, પી વરવરા રાવ, સુધા ભારદ્વાજ, અરુણ ફરેરા અને વર્નન ગોન્સાલ્વેજને સીપીઆઈ (માઓવાદી) સાથે કથિત સંબંધો રાખવા બદલ ધરપકડ કરી હતી. હવે પુણે પોલીસ તપાસના ભાગરુપે એફબીઆઈની મદદ લેવા માટે ટૂંક સમયમાં જ અમેરિકા પહોંચશે. આ કેસના સંદર્ભમાં પોલીસને એવી આશા છે કે, જે હાર્ડ ડિસ્ક મળી છે તેમાંથી કેસ સંદર્ભે વધુ વિગતો મળી શકે છે જેથી પોલીસ એફબીઆઈની મદદ માટે અમેરિકા પહોંચનાર છે.

(8:05 pm IST)