Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

એનપીઆર ઉપર સરકારનો એજન્ડા ઘાતક : પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ

એનપીઆર પર પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમનો ભાજપ પર પ્રહાર : વિડિયોમાં એનઆરસી અંગે ઉલ્લેખ નથી : પી ચિદમ્બરમ

નવી દિલ્હી,તા. ૨૬ : રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટ્રર અને એનસીઆર પર ધાંધલ ધમાલ વચ્ચે પાર્ટી પક્ષ રાખવા અને સરકારને ઘેરવા માટે પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે અનેક ટ્વિટ કર્યા છે. ચિદમ્બરમેે ભાજપના કોંગ્રેસના એનપીઆર સંબંધિત ૨૦૧૦ના વિડિયો શેયર કરવા પર વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસે સામાન્ય રેજિડેન્ટ્સની વાત કરી હતી અને તેમાં નાગરિકતાનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. કોંગ્રેસ સાંસદે એનસીઆરના વિરોધમાં થઇ રહેલા હિંસક પ્રદર્શનો પર પોલીસની સખ્ત કાર્યવાહી અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. ચિદમ્બરમે ૨૦૧૦માં કોંગ્રેસના એક વિડિયોને ભાજપ દ્વારા શેયર કરવા અંગે ટ્વિટ કર્યું હતું. હું ખુશ છું કે ૨૦૧૦માં કોંગ્રેસના એનપીઆર લોંચ કરનાર વિડિયોને ભાજપે શેયર કર્યો છે.

            કૃપા કરીને આ વિડિયોને તમામ લોકો ધ્યાનથી સાંભળે. અમે દેશના સામાન્ય નાગરિકો (યુજઅલ રેજિડેન્ટ્સ)ની વાત કરી રહ્યા છે. દેશમાં રહેતા નિવાસીઓ પર અમારુ પ્રભુત્વ છે અને આમા કોઇપણ વાતમાં નાગરિકતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તમામ સામાન્ય નાગરિકોને આમા કોઇ જાતિ, ધર્મ, જન્મ સહિત તમામ પર કોઇ ભેદભાવ વિના સામેલ કરવામાં આવ્યો છે. એનપીઆર માત્ર ૨૦૧૧ની વસતી ગણતરીના આધારે હતી જેમાં એનઆરસીનો કોઇ ઉલ્લેખ કરાયો નથી. ભાજપ પર એનપીઆરને લઇ પ્રહાર કરતા કોંગ્રેસ સાંસદે કહ્યું હતું કે, આ ખુબ ખતરનાક છે.

તેમણે કહ્યું હતું કે, ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારનો એજન્ડા ખુબ જ ઘાતક છે અને એટલા માટે જ સરકારે હાલમાં તેને મંજુરી આપી છે. આ એનપીઆર પોતાના મૂળરુપથી ખુબ જ ખતરનાક અને ૨૦૧૦ના એનપીઆર તત્વ અને સંદર્ભ બંનેની દ્રષ્ટિએ ખુબ જ અલગ છે.

(7:59 pm IST)