Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

પાકિસ્‍તાનમાં પોલીયો નાબુદી માટે પાકિસ્‍તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારત પાસે મદદ માંગી

નવી દિલ્હી: દુનિયાભરમાં પોતાની કરતૂતો માટે બદનામ પાકિસ્તાન હવે પોતાની ઓકાત પર આવી ગયું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની અધ્યક્ષતામાં થયેલી એક બેઠકમાં એ નિર્ણય લેવાયો છે કે તેઓ ભારત પાસેથી પોલિયો માર્કરની ખરીદી કરશે. પોલિયો નાબુદીની કોશિશોમાં લાગેલા પાકિસ્તાનની ઈમરાન ખાન સકારે ભારત પાસે આ અંગે મદદ માગી છે. એ જાણવું ખુબ રસપ્રદ છે કે ભારતને અનેક મોરચે પછાડવામાં લાગેલા પાકિસ્તાને હવે યુ ટર્ન લેવો પડ્યો છે અને ભારતની જરૂર પડી છે.

ભારતે પોતાના જ રાજ્ય જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબુદ કરી જેને પાકિસ્તાને જબરદસ્તીથી પોતાની પ્રતિષ્ઠા અને માનવાધિકારો સાથે જોડીને ભારત વિરુદ્ધ હંગામો મચાવવાની કોશિશ કરી. જ્યારે તે ભારતનું કશું બગાડી શક્યું નહીં તો ગુસ્સે ભરાઈને તેણે ભારત સાથે 9 ઓગસ્ટથી દરેક પ્રકારના વેપાર પર પ્રતિબંધ લાગી રાખ્યો છે. જો કે જનતાના દબાણમાં આવીને સપ્ટેમ્બર મહિનામાં જ દવાઓના વેપાર પરથી પ્રતિબંધ હટાવવો પડ્યો અને હવે પોલિયો માર્કરની આયાતમાં પણ છૂટ આપવી પડી.

ઘૂંટણિયે પડવાનું કારણ શું?

પાકિસ્તાન પહેલા પોતાના પરમ મિત્ર એવા ચીન પાસેથી પોલિયો માર્કર ખરીદતું હતું. પરંતુ તેની ક્વોલિટી એકદમ ખરાબ જોતા તેણે હવે ભારતની મદદ લેવી પડી છે. બાળકોને પોલિયોના ટીપા બાદ માર્કરથી તેમની આંગળીઓ પર નિશાન કરવામાં આવે છે. પરંતુ પાકિસ્તાનમાં પોલિયોના કેસ વધતા જાય છે. અધિકારીઓએ તેનો આરોપ ચીનથી મંગાવવામાં આવેલી નકલી ફિંગર માર્કર પર લગાવ્યો છે.

પાકિસ્તાનમાં પોલિયો નાબુદી કાર્યક્રમ એ હદે બદનામ થઈ ગયો છે કે આ વર્ષે એપ્રિલમાં ખેબર પખ્તૂનવાનમાં 3 પોલિયો કર્મચારીઓની હત્યા થઈ ગઈ. કારણ કે સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવ્યો હતો કે તેના વેક્સીનેશન દ્વારા બાળકોને ઝેર આપવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાનમાં પોલિયોની બીમારી યથાવત

પાકિસ્તાન દુનિયાના એ 3 દેશોમાં સામેલ છે જ્યાં હજુ પણ પોલિયો છે. પાકિસ્તાન ઉપરાંત આ 3 દેશોમાં અફઘાનિસ્તાન અને નાઈજિરિયા સામેલ છે. જો કે આ બીમારી સામે પોલિયોના ટીકાકરણ દ્વારા લડત અપાઈ રહી છે. પરંતુ આ વર્ષે જે પ્રકારે કેસ વધી રહ્યાં છે તે જોતા સ્વાસ્થ્ય અધિકારીઓ માટે ચિંતાનું કારણ ઊભું થયું છે.

'ચીનની માર્કર ક્વોલિટી ખરાબ'

WHO એટલે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ફક્ત ભારત અને ચીનને પોલિયો માર્કરના ઉત્પાદન માટે અધિકૃત કર્યા છે. આવામાં ચીનની માર્કર ગુણવત્તા ઉતરતી કક્ષાની જોતા પાકિસ્તાન પાસે હવે ભારત પાસેથી આયાત કરવા સિવાય કોઈ રસ્તો નથી. કાશ્મીર મુદ્દે ભારત સાથે દરેક પ્રકારના સંબંધ ખતમ કરનારા પાકિસ્તાને આજે ઘૂંટણિયે પડવાનો વારો આવ્યો છે.

(5:28 pm IST)