Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

હવે ખાંડ કડવી બનવાના એંધાણ

ડુંગળી, તેલ, દુધ, કઠોળ પેટ્રોલ બાદ

નવી દિલ્હી, તા.૨૬: ગુજરાતમાં લંબાયેલા ચોમાસાને પગલે શેરડીને પિલાણમાં મોડું થતાં ખાંડના ઉત્પાદન પર તેની અસર પડી છે. ચોમાસાના કારણે શેરડીના પાકને અસર થતાં રાજયમાં ૨૦૧૯-૨૦માં ખાંડનું ઉત્પાદન ૧૫થી૨૦ ટકા જેટલું ઓછું થાય તેવો અંદાજ છે. ગુજરાતની ૧૫ ખાંડ બનાવતી મિલો ૧૫ ડિસેમ્બર સુધીમાં માત્ર ૧.૫૨ લાખ ટન ખાંડ બનાવી શકી છે, પાછલા વર્ષે આ સમય દરમિયાન તે આંકડો ૩.૧૦ લાખ ટન હતો.

ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશન મુજબ, શેરડીના પિલાણમાં મોડું થવા પાછળનું મુખ્ય કારણ ચોમાસા બાદ પણ થયેલો વરસાદ જવાબદાર છે. જેની અસર તેના ઉત્પાદન પર થઈ છે. ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ સુગર ફેકટરી્સના પૂર્વ ચેરમેન માનસિંહ પટેલે કહ્યું, સામાન્ય રીતે શેરડીનું પિલાણ ઓકટોબરમાં શરૂ થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું લંબાતા તે કામ નવેમ્બરમાં શરૂ થયું.

વરસાદના કારણે શેરડીના પિલાણ ઉપરાંત પાકમાં પણ  ઘટાડો થયો. આ વર્ષે શેરડીનું ઉત્પાદન ઓછું રહેવાનો અંદાજ છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૮-૧૯માં ખાંડનું ૧૦.૯૦ લાખ ટન ઉત્પાદન થયું હતું. જે ૨૦૧૯-૨૦માં ૧૫-૨૦ ટકા જેટલું ઘટીને ૯-૯.૫ લાખ ટન રહેવાનો અંદાજ છે. પાછલા વર્ષે ગુજરાતની મિલોએ ૧૦૦ લાખ ટન શેરડીનું પિલાણ કર્યું હતું.

ચોમાસું લંબાતા ભારતભરમાં ખાંડના ઉત્પાદન પર ઘણી અસર થઈ છે. ISMAના અંદાજ મુજબ ભારતમાં ૧૫ ડિસેમ્બર સુધીમાં ૪૫.૮૧ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે જે પાછલા વર્ષે થયેલા ૭૦.૫૪ લાખ ટનની સરખામણીએ ૩૫ ટકા જેટલું ઓછું છે.

(3:53 pm IST)