Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

સીએએ : ઉત્તરપ્રદેશમાં ૧૩૦ તોફાની તત્વોને નોટિસ અપાઈ

૫૦ લાખ રૂપિયા સુધી વસુલાત કરાશે : સંભલ, બિજનૌર, ગોરખપુરમાં હિંસા ભડકાવનાર તત્વોને નોટિસ અપાઈ : યુપીમાં યોગી સરકાર આક્રમક મૂડમાં

લખનૌ, તા. ૨૬ : નાગરિકતા કાનૂનના વિરોધની આડમાં ઉત્તરપ્રદેશમાં હિંસા ભડકાવનાર આરોપીઓ પાસેથી સંપત્તિના નુકસાનની વસુલાતની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ચુકી છે. સમગ્ર ઉત્તરપ્રદેશમાં ૧૩૦ લોકોને નોટિસ આપવામાં આવી છે. આ લોકો પાસેથી નુકસાનરુપે લગભગ ૫૦ લાખ રૂપિયાની વસુલાત કરવામાં આવનાર છે. નોટિસમાં જણાવાયું છે કે, આ પ્રમાણે ન કરવાથી વહીવટીતંત્ર તરફથી તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવી શકે છે. રામપુરમાં સરકારે ૨૮ લોકોને નોટિસ મોકલી છે. આવી જ રીતે સંભલમાં ૨૬, બિજનૌરમાં ૪૩ અને ગોરખપુરમાં ૩૩ લોકોને નોટિસ મોકલવામાં આવી છે. હિંસા દરમિયાન રામપુરમાં લગભગ ૧૪.૮ લાખ રૂપિયાનું સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું જ્યારે સંભલમાં ૧૫ લાખ અને બિજનૌરમાં ૧૯.૭ લાખનું નુકસાન થુયં હતું.

            જો કે, ગોરખપુરમાં અધિકારીઓ હજુ નુકસાન અંગે સર્વે કરી રહ્યા છે. રામપુરના ડજીએમ આંજનેયકુમાર સિંહ કહે છે કે, માત્ર એવા લોકોને જ નોટિસ આપવામાં આવી છે જે વિડિયો ફુટેજમાં પથ્થર ફેંકતા અથવા તો સંપત્તિને નુકસાન પહોંચાડતા જોવામાં આવ્યા છે. તેઓને જવાબ આપવા માટે એક સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે. નગરપાલિકા, પીડબલ્યુડી, પરિવહન સહિત અન્ય વિભાગો પાસેથી પણ નુકસાન અંગે વિસ્તૃત રિપોર્ટ માંગવામાં આવી ચુકી છે. જે ૨૮ લોકોને નોટિસ આપવામાં આવી છે તે પૈકી કેટલાકની ધરપકડ કરવામાં આવી ચુકી છે. રામપુર વહીવટીતંત્ર અનુસાર લગભગ ૧૪.૮૬ લાખ રૂપિયાનું નુકસાન થયું છે. સંભલ ડીએમ અવિનાશ કૃષ્ણ સિંહના જણાવ્યા અનુસાર ૨૬ લોકોને નોટિસ આપવામાં આવી ચુકી છે.

           અહીં લગભગ ૧૫ લાખનું નુકસાન થઇ ચુક્યું છે. આ પૈકી કેટલાક લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે બિજનૌરના ડીએમ રમાકાંત પાંડેયના જણાવ્યા અનુસાર જિલ્લામાં લગભગ ૧૯.૭ લાખ રૂપિયાની સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડાયું છે. આમાથી ૪૩ હિંસા ભડકાવનાર લોકોનો નોટિસ આપવામાં આવી ચુકી છે. ત્યારબાદ સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ગોરખપુરમાં કોતવાલી સર્કલ ઓફિસર વીપી સિંહના જણાવ્યા અનુસાર જેને નોટિસ આપવામાં આવી છે તેમણે ગુરુવાર સુધી પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટેનો આદેશ કરવામાં આવી ચુક્યો છે. જો તેઓ આવું ન કરી શકે તો તો અમે સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરીશું.

(7:59 pm IST)