Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

ઉત્તર પ્રદેશના કુશીનગર જીલ્લામાં દેશની પહેલી કિન્નર યુનિવર્સિટી

લખનૌ,તા.૨૬: ભગવાન બુધ્ધના નિર્વાણસ્થળ કુશીનગરમાં દેશની પહેલી કિન્નર યુનિવર્સિટીનું ખાતમુહુર્ત કરાયું છે. અહીં દેશ- દુનિયાના કોઇ પણ કિન્નર વિદ્યાર્થીઓને પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણ મફત મળશે. ૨૦૦ કરોડના ખર્ચે ૫૦ એકરમાં બનનાર આ યુનિવર્સિટીમાં કિન્નર સમાજના લોકો જોડાઇ રહ્યા છે. આ યુનિવર્સિટીમાં કિન્નર શિક્ષા સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત થનાર આ યુનિવર્સિઠીમાં કિન્નર સમાજના લોકો પ્રાથમિક થી માંડીને ઉચ્ચ શિક્ષક મેળવી શકશે.

ટ્રસ્ટના પ્રમુખ ડો. કૃષ્ણ મોહન મિશ્રએ જણાવ્યું કે આ યુનિવર્સિટી બનાવવામાં કિન્નર સમાજના મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠી, શબનમ માસી સહિત ઘણા લોકોએ અમને મદદનું આશ્વાસન આપ્યું છે ત્યાર પછી જ મે આ પગલું ભર્યું છે.પહેલા તબક્કામાં પ્રાથમિક વિદ્યાલયથી શરૂઆત થશેે ત્યાર પછી તબક્કાવાર વિકાસ કરીને હાઇસ્કુલ, ઇન્ટર કોલેજ અને પછી યુનિવર્સિટી ચાલુ થશે. સીબીએસઇ બોર્ડની પેટર્ન મુજબ તેનું સંચાલન થશે. આગામી સત્રથી તેમાં અભ્યાસ ચાલુ થઇ જશે.

ડો. મિશ્રએ કહ્યું 'અમે બે બાળક શોધી લીધા છે જેમને સૌથી પહેલા એડમીશન આપવામાં આવશે. હજુ તો શિલાન્યાસ થયો છે. જાન્યુઆરીથી મકાનનું બાંધકામ શરૂ થઇ જશે. ત્યાર પછી એડમિશન પ્રક્રિયા ચાલુ થશે'.

તેમણે જણાવ્યું કે આમાં પહેલા ધોરણથી પીએચડી સુધીના અભ્યાસની વ્યવસ્થા હશે. તે ભારતની એક માત્ર એવી સંસ્થા હશે જેમાં આ સમાજના લોકો ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે. કેન્દ્ર સરકારે પણ મદદ કરવાનું આશ્વસાન આપ્યું છે.

ડો. મિશ્રએ કહ્યું, ' મે નારી વિમર્શ અને કિન્નર વિમર્શ પર રિસર્ચ કર્યું છે. ત્યાર બાદ મેં કઇક અલગ કરવાનું નક્કી કર્યું મારા ધ્યાનમાં આવ્યું કે કિન્નર સમાજના લોકો નાચી ગાઇને પોતાનું ગુજરાન ચલાવે છે પણ શિક્ષણની મુખ્યધારાથી વંચિત છે. શિક્ષણના અધિકાર હેઠળ ઓબીસી,એસસી, એસટી બધા માટે અભ્યાસની વ્યવસ્થા છે. પણ કિન્નર સમાજના લોકો ભટકી રહ્યા છે. તેમને શિક્ષણની મુખ્ય ધારા સાથે જોડવા માટે મે લક્ષ્મી ત્રિપાઠી, વર્ષા અને કેટલાક સાંસદોમાં સામે મારી વાત મુકી તો બધાએ મને સહકાર આપ્યો.

ડો.મિશ્રએ જણાવ્યા પ્રમાણે ૨૦૧૧ની વસ્તી ગણત્રી પ્રમાણે દેશમાં લગભગ અઢી લાખ કિન્નરો છે.  જે નાના બાળકોને લોકો છોડી જાય છે. તેમને અહીં શિક્ષણ અપાશે. જે મોટા છે તેમના અભ્યાસની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આના માટે ટોલ ફ્રી નંબરની વ્યવસ્થા કરવામાં આવશેે. ભારત જ નહીં, દુનિયાના કોઇ પણ દેશના કિન્નર અહીં એડમીશન લઇ શકે છે. આના માટે વિચાર વિમર્શ કરવા અને યુનોને પણ પત્ર લખ્યો છે.

(3:39 pm IST)