Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

માથેરાનની ટોય ટ્રેન ફરી દોડતી થશે

ચોમાસા બાદ અમન લોજ-માથેરાન વચ્ચે પહેલી વખત ટ્રાયલ લેવામાં આવી જે સફળ રહી

મુંબઈ : સેન્ટ્રલ રેલવે (સીઆર)એ અમન લૉજ સુધીની ટૉય ટ્રેન-સર્વિસ ચાલુ થવાની રાહ જોઈ રહેલા માથેરાનના સ્થાનિકોને નવા વર્ષની ભેટ આપી છે. આ વર્ષે ચોમાસા દરમ્યાન વ્યાપકપણે નુકસાન પહોંચ્યા બાદ ટોય ટ્રેન-સર્વિસ બંધ કરવામાં આવી હતી. ત્યાર બાદ બુધવારે પ્રથમ વખત ત્રણ કિલોમીટર લાંબા પટ્ટા પર સેન્ટ્રલ રેલવેએ ટ્રાયલ હાથ ધરી હતી.

સેન્ટ્રલ રેલવેએ જણાવ્યું હતું કે ટ્રેનપ્ર સર્વિસ ૨૦૨૦ના પ્રથમ સપ્તાહના અંત સુધીમાં શરૂ થવાની અપેક્ષા છે. સેન્ટ્રલ રેલવેના પ્રવકતાના જણાવ્યા મુજબ 'ગઈ કાલે (બુધવારે) સવારે ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી અને જો બધું સમુંસૂતરુ પાર પડ્યું તો અમે ટૂંક સમયમાં જ સર્વિસ શરૂ કરીશું. અત્યારે અમે ટ્રાયલનાં પરિણામોની રાહ જોઈ રહ્યાં છીએ.

ટ્રેનપ્રસર્વિસ શરૂ થવાની માગણી કરી રહેલા સ્થાનિકો માટે અમન લોજપ્ર માથેરાન લાઇન દસ્તુરી પોઇન્ટથી આગળ કોઈ પણ પ્રકારના પરિવહનની ગેરહાજરીમાં ચાલીને જવા સિવાયનો વિકલ્પ પૂરો પાડે છે. દસ્તુરી પોઇન્ટ અમન લોજ સ્ટેશનથી ૫૦૦ મીટર દૂરછે. આ ઉપરાંત પ્રવાસીઓ પણ ટોય

ટ્રેનમાં સવારી કરતી વખતે ફરીથી પર્વતીય વિસ્તારના મનોરમ્ય દ્રશ્યો નિહાળી શકશે.

આ દરમ્યાન, નેરલ-માથેરાનના સમગ્ર પટ્ટા પરનુ કાર્ય પણ સાથે જ શરૂ કરી દેવાયુ છે અને એ આવતા ચોમાસા પહેલા સંપન્ન થવાની અપેક્ષા હોવાનુ સેન્ટ્રલ રેલવેએ જણાવ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે ૧૯૦૭માં પીરભોઇઝના પારિવારીક સાહસ સ્વરૂપે માથેરાન હિલ રેલવેનુ બાંધકામ થયુ હતુ. અને હવે એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ  સાઇટસના ટેન્ટેટિવ લિસ્ટમાં સ્થાન ધરાવે છે. ૨૦૧૯ના પ્રારંભિક ગાળામાં આ લાઇનનું સમારકામ કરવામાં આવ્યુ, એના ગણ્યાગાઠ્યા મહિનાઓમાં જ ચોમાસા દરમ્યાન એને ભારે નુકશાન પહોચ્યુ હતુ.

(3:38 pm IST)