Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

કાશ્મીર-હિમાચલના અનેક ભાગમાં ફરી હિમ વર્ષા

લેહમાં માઇનસ ૧૭.૮ ડિગ્રી તાપમાન નોંધાયું : ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીના ચમકારા વચ્ચે રાજસ્થાનમાં કેટલાક વિસ્તારોમાં ઠંડી વધી જતા જનજીવન પર અસર

નવી દિલ્હી,તા. ૨૬: જમ્મુકાશ્મીર અને હિમાચલપ્રદેશના ઉંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષા જારી રહી છે. જેથી આ બંને રાજ્યોમાં બરફની ચાદર વચ્ચે જનજીવન પર પ્રતિકુળ અસર થઇ છે. મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન માઇનસમાં પહોંચી ગયુ છે. ધુમ્મસ અને ઠંડીના કારણે ટ્રેન અને વિમાની સેવા પર પ્રતિકુળ અસર થઇ છે.સમગ્મર ઉત્તર ભારત કાતિલ ઠંડીના સકંજામાં છે. દિલ્હીમાં પારો પાંચથી નીચે પહોંચી ગયો છે. જમ્મુ કાશ્મીરમાં તાપમાન માઇનસમાં પહોંચી જતા પાઇપોમાં બરફ જામી ગઇ છે. લઘુતમ તાપમાનમાં સતત ઘટાડો થઇ રહ્યોછે. ગુલમર્ગ ખાતે પારો માઇનસ નવ થયો છે. પહેલગામમાં પારો માઇનસ ૧૧ રહ્યો છે. 

પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં સવારમાં ધુમ્મસની ચાદર જોવા મળી રહી. કેટલાક મેદાની ભાગોમાં પણ પારો શુન્ય સુધી પહોંચી ગયો છે. હાલમાં કેટલીક જગ્યાએ બરફના કારણે રસ્તાને બંધ કરવાની ફરજ પડી હતી. જો કે ઉચાણવાળા વિસ્તારમાં હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા જારી રહી છે. જેથી ઠંડીમાં એકાએક વધારો થયો છે. કાશ્મીર ડિવીઝનમાં લોકોની હાલત કફોડી બનેલી છે. લડાખ પ્રદેશમાં સૌથી વધારે ઠંડી નોંધાઇ છે.

પહલગામ અને ગુલમર્ગ ખાતે તાપમાન માઇનસમાં છે. સ્કી રિસોર્ટ તરીકે લોકપ્રિય ગુલમર્ગમાં પારો માઇનસમાં છે. જ્યારે વાર્ષિક અમરનાથ યાત્રા માટે બેઝ કેમ્પ ગણાતા પહલગામમાં પારો માઇનસમાં છે. ભારે હિમવર્ષાના કારણે કેટલાક રસ્તાને બંધ કરી દેવાની ફરજ પડી છે. ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. જમ્મુ -શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ અને મુગલ રોડને બંધ કરી દેવાની ફરજ પડી છે. જો કે હવે રાજમાર્ગને ખોલી દેવામાં આવતા લોકોને રાહત થઇ છે.   ઉત્તરીય કાશ્મીરના બારામુલા જિલ્લા સ્થિત તંગમાર્ગમાં સતત હિમવર્ષા થઇ છે.મેદાની ભાગોમાં હિમવર્ષા થઇ છે. વરસાદના કારણે રાત્રી તાપમાનમાં ઘટાડો થયો છે. રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં પારો બેથી પાંચ ડિગ્રી રહ્યો છે.

(3:37 pm IST)