Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

'બુલેટ' બ્રાન્ડ રોયલ એનફિલ્ડ હવે મહિલાઓ અને યુવા પેઢી માટે ગ્લેમરવાળા-નાના બાઇક લાવશે

સીટ નીચી હશેઃ કિંમત પણ ઓછી હશેઃ બાઇક હળવી હશે

નવી દિલ્હી ત. ર૬ :.. પ્રતિકાત્મક 'બુલેટ' બ્રાન્ડ માટે જાણીતી રોયલ એનફિલ્ડ યુવા ગ્રાહકોને તેમજ મહિલાઓને પોતાની બ્રાન્ડ તરફ આકર્ષવા માટે ખુબ જ હળવાં બાઇક બનાવવાની યોજના પર કામ કરી રહી છે, જેથી બાઇક પર બેસવા માટે વધારે ઊંચું નહીં થવુ પડે અને સાનુકુળતા પણ વધશે. રોયલ એનફિલ્ડ બ્રાન્ડ અત્યાર સુધી તો 'પૌરુષત્વ' સાથે સંકળાયેલી છે. કંપની હળવા બાઇક બનાવશે તો તેની કિંમત પણ વર્તમાન બાઇક  કરતાં ઘણી ઓછી રહેવાની  શકયતા છે.

રોયલ એનફિલ્ડ નવી બાઇકનું વજન બુલેટ કરતાં ઘણું ઓછું રાકશે અને તેની સીટ પણ નીચી હશે. આ બાઇકની સ્ટાઇલ રોડસ્ટર જેવી હશે. આ બાઇક ર૦ર૦ના પ્રથમ કવાર્ટરમાં લોન્ચ થવાની છે ત્યારે કંપનીએ આંતરિક સ્તરે તેનું નામ જીઆઇસી રાખ્યું છે અને તેનું વેચાણ 'એકસ્પ્લોરર' બ્રાન્ડ હેઠળ કરે તેવી ધારણા છે.

મહિલાઓ એ યુવા વર્ગ પાસેથી મહત્વનો ફીડબેક મેળવ્યા બાદ કંપનીએ આ મોડલ વિકસાવ્યું છે. મહિલાઓ અને આજની યુવા પેઢીને વધારે આરામદાયક બાઇક ગમે છે. કંપની આ મોડલ દ્વારા રોયલ એનફિલ્ડ સાથે જોડાયેલી  'પૌરુષત્વ' ની પરંપરાગત છબી પણ દુર કરવા માંગે છે. એમ કંપનીની હિલચાલથી પરિચિત ઘણા એકિઝકયુટીવ્સે જણાવ્યું હતું. 'ભવિષ્યની પ્રોડકટ અંગે અમે ટિપ્પણી કરી શકતા નથી પરંતુ અમે તમામ વર્ગને સગવડતા મળે તે દિશામાં કામ કરતા રહીએ છીએ.' એમ રોયલ એનફિલ્ડના પ્રવકતાએ જણાવ્યું હતું.

હરીફ કંપનીઓએ ઘણી સ્પોટર્સ બાઇક લોન્ચ કરી હોવાથી રોયલ એનફિલ્ડે ઘણું નુકસાન વેઠયું છે અને તેનું એકસ્પ્લોરર મોડલ આ ખોટ સરભર કરવાની દિશામાં એક પ્રયાસ છે. એમ ઉદ્યોગજગતના નિષ્ણાતો જણાવે છે.

રોયલ એનફિલ્ડ ર૦ર૦ના પ્રત્યેક કવાર્ટરમાં ઓછામાં ઓછી એક નવી બાઇક લોન્ચ કરવા માંગે છે એન જીઆઇસી પણ આ યોજનાનો ભાગ છે. જીઆઇસી બાદ કંપની ન્યુ જનરેશન થંડરબર્ડ લોન્ચ કરશે.

ભારતમાં ઇસ્યુ થયેલા કુલ ડ્રાઇવીંગ લાઇસન્સની સંખ્યા ૧૬.૧૧ કરોડ છે, જેમાંથી દસમા ભાગના લાઇસન્સ મહિલા ડ્રાઇવર્સને ઇસ્યુ થયેલા છે. રોયલ એનફિલ્ડના વર્તમાન વોલ્યુમમાં મહિલા ખરીદદારોનો હિસ્સો-૭-૮ ટકા છે. ગોવામાં સૌથી વધુ મહિલા ડ્રાઇવર્સ છે કારણ કે, મહિલાઓને ઇસ્યુ થયેલા કુલ ડ્રાઇવીંગ લાયસન્સમાંથી ર૩ ટકા હિસ્સો ગોવાનો છે.

(11:36 am IST)