Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

વધુને વધુ ગ્રાહકો માસિક રિચાર્જ તરફ વળ્યા

મોબાઇલ ટેરિફમાં વધારો થતાઃ પ્રિપેઈડ બિલ ૪૦ ટકા જેટલા મોંઘા થઇ ગયા

મુંબઇ તા. ૨૬: તાજેતરમાં તમામ મોબાઇલ કંપનીઓએ  તેમના દરમાં વધારો કર્યો બાદ ગ્રાહકોએ હવે પ્રિ-પેઇડ બિલમાં દર મહિને સરેરાંશ ૪૦ ટકા વધારે ખર્ચ કરવો પડે છે. તેના કારણે વધુને વધુ ગ્રાહકો માસિક રિચાર્જ તરફ વળ્યાં છે. અત્યાર સુધી તેઓ લાંબા ગાળાના પ્લાન વધુ પસંદ કરતા હતા તેમ ઉદ્યોગના એકિઝકયુટીવ જણાવે છે.  માસિક રિચાર્જ ગ્રાહકોને સરવાળે વધુ મોંઘા પડે છે. જ્યારે ટેલીકોમ કંપનીઓને તેમા વધુ ફાયદો મળે છે. તેના કારણે સબસ્કાઈબર્સને પોતાની તરફ ખેંચવા માટે જુદી જુદી હરીફો સક્રિય બનશે તેમ નિષ્ણાંતો કહે છે. તેના કારણે જ ભારતી એરટેલ અને રિલાયન્સ જિયોને ૧૨ મહિનાના રિચાર્જ પર ભારે ડિસ્કાઉન્ટ આપવાનુ શરૂ કર્યુ છે.

 

ભારતી એરટેલના મુંબઇ સ્થિત એક વિતરકે કહ્યુ કે 'જે ગ્રાહક અગાઉ ૮૪ દિવસ માટે રૂ.૩૦૦નો પ્લાન ખરીદતા હતા તે હવે એક મહિનાનો પ્લાન ખરીદે છે કારણ કે હવે તેને ૮૪ દિવસ માટે રૂ. ૫૦૦ થી વધુ આપવા પોસાય તેમ નથી. 'ભારત જેવા પ્રાઇસ  સેન્સિટીવ માર્કેટમાં ગ્રાહકોને નવા ટેરિફની અસર સમજતા  કેટલાક મહિના લાગી જશે.

 

વિતરકે જણાવ્યુ કે 'ગ્રાહકો જાણે છે કે બલ્ક પ્લાનની સરખામણીમાં માસિક પ્લાન મોંઘા પડે છે. તેમ છતા તેઓ માસિક પ્લાન ખરીદે છે. કારણ કે તેમની આટલી જ બચત છે. ' ટેરિફમાં વધારાના કારણે ગ્રાહકોની ખર્ચ કરવાની આદત પણ બદલાઇ છે. વોડાફોનના સ્ટોર મેનેજર રવિ દેસવાલે જણાવ્યુ કે 'હવે ઉબર  કેબનો ડ્રાઇવર તેની જીપીએસ ડિવાઇને  જ રિચાર્જ કરાવશે જેથી ટેકસી ચલાવી શકાય. તે  કદાચ પર્સનલ ફોનને રિચાર્જ નહી કરાવે.'

તમામ પ્રાઇવેટ ઓપરેટર્સનું નેતૃત્વ કરતી સેલ્યુલર ઓપરેટર્સ  એશોસિએશન  ઓફ ઈન્ડિયા (સીઓએઆઇ)ના ડિરેકટર જનરલ રાજન મેથ્યુઝે  જણાવ્યુ કે એક દાયકા અગાઉ ભારતીય ગ્રાહકો તેમની વાર્ષિક આવકનો ૬ ટકા હિસ્સો મોબાઇલ બિલ પાછળ ખર્ચતા હતા. હવે આ પ્રમાણ એક ટકા કરતા પણ ઓછુ છે. (૧૭.૩)

(11:20 am IST)