Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

મહારાષ્ટ્રઃ મજૂરી ન કપાય એ માટે ૩૦,૦૦૦ મહિલાઓએ ગર્ભાશય કઢાવ્યું

મજૂરીના પૈસા ન કપાય એ માટે ગર્ભાશય કઢાવી રહી છે

મુંબઇ,તા.૨૬: મહારાષ્ટ્રમાં શેરડીના ખેતરોમાં મજૂરી કરી ગુજરાન ચલાવતી મજૂર મહિલાઓમાં ગર્ભાશય દૂર કરવાના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે, જેની પર મહારાષ્ટ્ર સરકારના મંત્રી નિતિન રાવતે સીએમ ઉદ્ઘવ ઠાકરેને પત્ર લખી આ મામલે હસ્તક્ષેપ કરવાની માંગણી કરી છે. અહીંની મજૂર મહિલાઓ કામના દિવસોમાં રજા ન પડે અને મજૂરીના પૈસા ન કપાય એ માટે ગર્ભાશય કઢાવી રહી છે.

નિતિન રાઉતે તેમના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, મધ્ય મહારાષ્ટ્રના મરાઠવાડામાં શેરડીના ખેતરોમાં મોટી સંખ્યામાં મહિલા મજૂરો કામ કરે છે અને રજસ્વલા ના દિવસો દરમિયાન મોટા પ્રમાણમાં મહિલાઓ કામ નથી કરી શકતી. કામમાં ગેરહાજર રહેવાનો અર્થ મજૂરી ન મળવી. જેથી મજૂરી બચાવવા માટે આ મહિલાઓ પોતાના ગર્ભાશય કઢાવી કરી રહી છે, આથી રજસ્વલા ન થાય અને કામના દિવસો ન પડે.

કોંગ્રેસ નેતા રાઉતનું કહેવું છે કે આવી મજૂર મહિલાઓની સંખ્યા આશરે ૩૦ હજાર છે. તેમના મુજબ શેરડીની સિઝન છ માસની હોય છે. જો સમયગાળા દરમિયાન ફેકટરીઓ દર મહિને ચાર દિવસની મજૂરી આપવા માટે રાજી થાય તો આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય એમ છે.

કોંગ્રેસ નેતાએ તેમના પત્રમાં ઠાકરેને અપીલ કરી હતી કે તેઓ માનવતાના આધારે મરાઠવાડા વિસ્તારની આ મજૂર મહિલાઓની સમસ્યાના ઉકેલ માટે સંબંધિત વિભાગને જરુરી આદેશ આપે. નિતિન રાઉત પાસે PWD, આદિવાસી મામલા, મહિલા અને બાળ વિકાસ, કપડા, રાહત અને પુનર્વાસ વિભાગ છે.

(10:16 am IST)