Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

પાકિસ્તાની ગોળીબારીમાં જૂનિયર કમિશન ઓફિસર (જેસીઓ) શહીદ થયાઃ એક સ્થાનિક મહિલાનું મોત

૫ ઓગસ્ટથી અત્યાર સુધી પાકિસ્તાન ૯૫૦ વાર સિઝફાયર તોડી ચૂકયું છે

શ્રીનગર,તા.૨૬: પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદને લઇને એલઓસી સુધી સિઝફાયર ઉલ્લંદ્યન કર્યું છે. મંગળવાર રાત્રે પાકિસ્તાની સેનાએ કઠુઆમાં ભારે ગોળીબારી કરી હતી અને બુધવારે એલઓસી પર ઉરીમાં ટેન્કોથી અને મોર્ટાર હુમલા કર્યા હતા. પાકિસ્તાની સેના એલઓસીની આસપાસ રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહી છે. તેના ગોળીબારમાં રામપુર સેકટરમાં ભારતીય સેનાના એક જેસીઓ શહીદ થયા હતા. આ સિવાય એક સ્થાનિક મહિલાનું પણ મોત નીપજયું છે.

પાકિસ્તાની સેના તરફથી ઉરીના હાજીપીર વિસ્તારમાં સવારે ૧૧.૩૦ વાગ્યેથી ગોળીબારી શરુ કરવામાં આવી હતી. ભારતીય સેના દ્વારા તેનો જડબેસલાક જવાબ આપવામાં આવ્યો હતો, જેમાં ભારતીય સેના દ્વારા તેના કેટલાક મહત્વના બંકરો તોડી પાડવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ ૩૭૦ હટાવ્યા પછી પાકિસ્તાન સતત આ રીતના કૃત્યો કરી રહ્યું છે. પાકિસ્તાની સેના દ્વારા સરહદ પર શાંતિભંગના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટ મુજબ પાંચ ઓગસ્ટ પછી અત્યાર સુધી પાકિસ્તાન એલઓસી પર ૯૫૦ વાર સિઝફાયર તોડી ચૂકી છે.

(10:16 am IST)