Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

તમિળનાડુમાં ખેડૂતે બનાવ્યું નરેન્દ્ર મોદીનું મંદિર

કલ્યાણકારી યોજનાઓથી પ્રેરાઈને બનાવેલા આ મંદિરમાં વડા પ્રધાનની મૂર્તિ તેમ જ ગાંધીજી, કામરાજ, અમિત શાહ, એમજીઆર અને જયલલિતાની છબીઓ પણ છે

તિરુચિરાપલ્લી,તા.૨૬:  તમિળનાડુના આ શહેરની નજીકના એરાકુડી ગામમાં ૫૦ વર્ષની ઉંમરના પી. સંકર નામના ખેડૂતે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના સહિતની કલ્યાણકારી યોજનાઓથી પ્રભાવિત થઈને પોતાના ખેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મંદિર બનાવ્યું છે.

સંકરે તિરુચિરાપલ્લીથી ૬૩ કિલોમીટર દૂર આવેલા આ ગામમાં પોતાના ખેતરમાં ગયા અઠવાડિયે આ મંદિરનું ઉધ્દ્યાટન કર્યું હતું. તેનું આ શાંતિમય ગામ બહુ નાનું છે. સંકર એમાં દરરોજ આરતી કરે છે.

મંદિરની દીવાલ ૮ ફૂટ ઊંચી છે. મંદિરના પ્રવેશદ્વારમાં સુંદર રંગોળી બનાવવામાં આવી છે અને મંદિરમાં વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચશ્માંવાળા અને સ્મિત સાથેના ચહેરાવાળી મૂર્તિ છે. એમાં મોદીના કપાળ પર તિલક કરવામાં આવ્યો છે. મૂર્તિમાં મોદીને પિન્ક કુર્તા તથા બ્લુ શાલથી સજ્જ કરાયા છે તેમ જ તેમને ફૂલ-હાર પણ અર્પણ કરવામાં આવ્યા છે. મૂર્તિની બન્ને બાજુએ દીવા રાખવામાં આવ્યા છે.

મોદીની આ મંદિર બનાવવા પાછળ સંકરે ૧.૨૦ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

મંદિર બનાવવાની શરૂઆત આઠ મહિના પહેલાં કરવામાં આવી  હતી. સંકરે મુલાકાતમાં કહ્યું હતું કે 'અમુક અડચણોને કારણે હું જલદીથી આ મંદિર નહોતો બનાવી શકયો.'

આ મંદિર બનાવવા માટેની પ્રેરણા કેવી રીતે મળી? એવું પૂછાતાં સંકરે પીટીઆઇને કહ્યું હતું કે 'કેન્દ્ર સરકારના કલ્યાણકારી પગલાંઓથી મને ફાયદો થયો છે અને આ પગલાં લેવા બદલ મને વડા પ્રધાન મોદી ખૂબ પ્રિય છે.'

મને ખેડૂતો માટેની પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ૨,૦૦૦ રૂપિયા મળ્યા છે તેમ જ મને પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના હેઠળ ગેસ તથા ઇન્ડિવિજયૂઅલ હાઉસહોલ્ડ લેટ્રિન સ્કિમ હેઠળ ટોઇલેટની સવલતનો લાભ પણ મળ્યો છે. મને મોદીજીનું વ્યકિતત્વ બેહદ પ્રિય છે. હું દ્યણા સમયથી તેમનો ચાહક છું.'

સંકર તેના ગામનો જાણીતો ખેડૂત છે અને ભાજપ સહિતના કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી.

ભાજપના તિરુચિરાપલ્લી ઝોનના પક્ષ-કાર્યકર એલ. કાન્નને પીટીઆઇ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે 'સંકર અમારા પક્ષનો મેમ્બર નથી. મેં મારા પક્ષના અહીંના હોદ્દેદારોને આ મંદિર જોવા મોકલ્યા હતા. અમે સંકરને ભાજપમાં જોડાઈને લોકોના કલ્યાણ માટે કાર્ય કરવાની વિનંતી કરી છે. સંકરને અમારી ઓફર ગમી છે અને અય્યા (અંગ્રેજીમાં જેમ 'સર'ની પદવી અપાય એમ તમિળ ભાષામાં 'અય્યા'નામનો માનાર્થી શબ્દ વપરાય છે) તેને ખૂબ પ્રિય છે એટલે તે અમારી ઓફર સ્વીકારવા રાજી છે.'

મોદીને રૂબરૂ મળવાની સંકરની ઇચ્છા છે.

સંકરના આ મંદિરમાં મહાત્મા ગાંધી તેમ જ કોંગ્રેસના ભૂતપૂર્વ અગ્રણી નેતા કે. કામરાજ, એઆઇએડીએમકેના સ્વ. એમ. જી. રામચંદ્રન અને જે. જયલલિતા તેમ જ ગૃહ પ્રધાન અમિત શાહ અને તમિળનાડુના મુખ્ય પ્રધાન કે. પાલાનીસ્વામીની છબીઓ ગોઠવવામાં આવી છે.

(10:11 am IST)