Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં આપવામાં આવશે 'ભૂત વિદ્યા'નું શિક્ષણ!

છ મહિનાનો આ સર્ટિફિકેટ કોર્સ નવા વર્ષના જાન્યુઆરી મહિનાથી શરૂ થશે

વારાણસી,તા.૨૬: સાંભળવામાં ભલે 'ભૂત વિદ્યા કોર્સ'થોડું અટપટું લાગે પણ તે બનારસ હિન્દુ યૂનિવર્સિટી (BHU)ના પાઠ્યક્રમમાં શામેલ થવા જઈ રહ્યો છે. આયુર્વેદ ફેકલ્ટીમાં ભૂત વિદ્યા એટલે કે સાયન્સ ઓફ પેરાનોર્મલનું શિક્ષણ આપવામાં આવશે. છ મહિનાનો આ સર્ટિફિકેટ કોર્સ નવા વર્ષના જાન્યુઆરી મહિનાથી શરૂ થશે.

આંતરિયાળ ગામડાઓમાં સામાન્યપણે લોકો સાયકોસોમેટિક એટલે કે માનસિક બીમારીને ભૂત-પ્રેતની અસર માને છે. અંધવિશ્વાસને દૂર કરવા માટે BHUમાં અષ્ટાંગ આયુર્વેદની આઠ શાખાઓમાંથી એક ગૃહ ચિકિત્સા એટલે કે, ભૂત વિદ્યાનો સર્ટિફિકેટ કોર્સ શરૂ થશે. અહીંથી સર્ટિફિકેટ મેળવી વિદ્યાર્થીઓ સમાજમાં પ્રેકિટસ કરી સામાન્ય લોકોના મનમાં ભૂત, ગ્રહ વગેરે વિશે ફેલાયેલી ભ્રમણાઓને દૂર કરવાની સાથે ચિકિત્સા પદ્ઘતિને વિજ્ઞાન સાથે જોડતા આવા દર્દીઓની સારવાર કરશે.

BHUની આયુર્વેદ ફેકલ્ટીના પ્રમુખ પ્રો. યામિની ત્રિપાઠીએ જણાવ્યું કે, સાયન્સ ઓફ પેરાનોર્મલનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરનારી આ પ્રથમ ફેકલ્ટી છે. ફેકલ્ટીમાં ભૂત વિદ્યાનું સ્વતંત્ર યૂનિટ હશે. ભૂત વિદ્યા પર રિસર્ચ કરી ચૂકેલા પ્રો. વીકે દ્વિવેદીના નેતૃત્વમાં તેને સિલેબસ શરૂ કરવામાં આવ્યો છે. જાન્યુઆરીથી તેનું શિક્ષણ શરૂ કરી દેવામાં આવશે.

નવા કોર્સમાં ભૂત વિદ્યાની અવધારણા અને ભૂત વિદ્યા ઉપચારાત્મક પાસુ નામના બે પેપર હશે. ભૂત વિદ્યાની અવધારણામાં પરિભાષા, અનેક અર્થ, ઐતિહાસિક મહત્વ, જનતામાં સામાન્ય સમજણ અને આયુર્વેદમાં ભૂત વિદ્યાની ભૂમિકાના પાઠ ભણાવવામાં આવશે. ઉપચારાત્મક પાસાંમાં ચિકિત્સાના પ્રકાર, ગ્રહની પ્રકૃતિ, ઉપસર્ગની કાયચિકિત્સાના પાઠ હશે.

(10:11 am IST)