Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

પર્સનલ ઈન્કમટેક્ષ રેટ-સ્લેબ બદલવા તૈયારી

બજેટ ૨૦૨૦માં કોઈપણ મુકિત (એકઝમ્પશન) વગર એક સમાન ટેક્ષ રેટ રાખવા, વધુ આવકવાળા માટે નવા સ્લેબ, પર્સનલ આઈટીમાં ઘટાડાની જાહેરાત થશેઃ લોકોના હાથમાં વધુ પૈસા રહે તેવા પગલા ભરશે સરકારઃ હાલ નફા-નુકસાન ઉપર વિચારે છે નાણા મંત્રાલય

નવી દિલ્હી, તા. ૨૬ :. ભારતીય અર્થતંત્ર ગંભીર નરમાઈનો સામનો કરી રહ્યું છે ત્યારે આગામી બજેટમાં સરકાર માંગને ઉત્તેજન આપવા અને વૃદ્ધિદર ફરી ઉંચકવા માટે પગલા લે તેવી શકયતા છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે બજેટમાં કોઈ પણ મુકિત (એકઝમ્પશન) વગર એક સમાન ટેકસદર, ઉંચી આવક મેળવનાર માટે નવા સ્લેબ, કોર્પોરેટ ટેકસની જેમ પર્સનલ ઈન્કમટેક્ષમાં પણ ઘટાડો સહિતની દરખાસ્તો વિચારણા હેઠળ છે.

નાણા મંત્રાલય આ સૂચનોની તરફેણમાં અને તેની વિરૂદ્ધમાં દલીલો મુકશે અને ત્યાર પછી સર્વોચ્ચ સ્તરે નિર્ણય લેવામાં આવશે. ફેબ્રુઆરીમાં બજેટ રજૂ થવાનું છે.

સૂત્રે કહ્યું કે, 'તમામ વિકલ્પ વિચારણા હેઠળ છે. તેની પાછળના ખર્ચ અને અર્થતંત્રને થતા ફાયદાની સમીક્ષા કરવામાં આવશે.'

આવકવેરા ઘટાડવામાં ન આવે તો તેના બદલામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના દ્વારા લોકોના હાથમાં સીધા નાણા આપવાનો વિકલ્પ છે અથવા ઈન્ફ્રાસ્ટ્રકચર પર ખર્ચ વધારી શકાય છે. આ સ્ટ્રકચરમાં કોઈ પણ ફેરફાર થાય તો માત્ર ત્રણ કરોડ લોકોને ફાયદો થશે જે ઈન્કમટેકસ ચૂકવે છે. તેમા સરકારી તિજોરી પર જે બોજ આવશે તેને સરભર કરવા કુલ કન્ઝમ્પશન માંગ પણ વધવી જોઈએ. બીજી તરફ ઈન્ફ્રાસ્ટ્રકચર પર ખર્ચ વધારવામાં આવે તો અનેક ગણો ફાયદો મળી શકે છે. સરકારે કોર્પોરેટ ટેકસમાં કાપ દ્વારા પહેલેથી રૂ. ૧.૪૫ લાખ કરોડ પરત આપ્યા છે, પરંતુ તેને ડાયરેકટ ટેકસ સુધારા તરીકે જોવામાં આવે છે જેનાથી રોકાણને આકર્ષી શકાશે.

હવે પર્સનલ ઈન્કમટેકસમાં પણ કાપ મુકવાની માંગણી થઈ છે કારણ કે ગયા બજેટમાં તેમા કોઈ રાહત મળી ન હતી. તેનાથી ઉંધુ, જે લોકો ઉંચી આવક ધરાવતા હતા તેમના પર સરચાર્જના કારણે ટેકસ બોજ વધ્યો છે. ડાયરેકટ ટેકસની સમીક્ષા માટે રચાયેલી સમિતિએ રૂ. ૧૦ લાખ સુધીની આવક માટે ૧૦ ટકાનો ઈન્કમટેકસ રેટ રાખવાની ભલામણ કરી છે. રૂ. ૧૦ લાખથી રૂ. ૨૦ લાખની આવક માટે ૨૦ ટકા, રૂ. ૨૦ લાખથી બે કરોડ રૂપિયા સુધી ૩૦ ટકા તથા બે કરોડથી વધારે આવક પર ૩૫ ટકા ટેકસની દરખાસ્ત છે. તેણે હાલની આવકવેરા મુકિત મર્યાદામાં કોઈ ફેરફારનું સૂચન કર્યુ નથી. ટાસ્ક ફોર્સે અપર લિમિટની આવક પર સરચાર્જ દૂર કરવાનું પણ સૂચન કર્યુ છે. હાલમાં રૂ. ૨.૫ લાખ સુધીની આવક કરમુકત છે. રૂ. ૨.૫ લાખથી રૂ. ૫ લાખ સુધી ૫ ટકા ટેકસ છે. રૂ. ૫-૧૦ લાખની આવક પર ૨૦ ટકા, રૂ. ૧૦ લાખથી વધુ વાર્ષિક આવક પર ૩૦ ટકા ટેકસ લાગે છે. આ સ્લેબ ઘણા વર્ષથી બદલાયા નથી. જો કે સરકારે રિબેટ દ્વારા નીચી આવક ધરાવનારાઓને રાહત આપી છે. રૂ. ૫૦ લાખથી વધુ આવક પર ૧૦થી ૩૭ ટકા સુધી સરચાર્જ લાગુ પડે છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિના ચેરમેન બિબેક દેબરોયે એક સમાન ટેકસ રેટની ભલામણ કરી છે, પરંતુ તેની સામે કેટલાક વાંધા ઉઠાવાયા છે. કોઈ પણ ટેકસ રાહત આપવામાં ન આવે અને ટેકસના દર સપાટ કરી દેવાય તો ટેકસ રાહત માટે જે ફરજિયાત બચત કરવામાં આવતી હતી તે ઘટી જશે. આ ઉપરાંત આગળ જતા ટેકસમુકિત ફરીથી આવી જવાનું પણ જોખમ છે.

હાલમાં આવકવેરો ભરનારાઓની સંખ્યા ઘણી નાની હોવાથી ઈન્કમ ટેકસમાં કોઈ રાહત આપવામાં આવે તો પણ કન્ઝમ્પશનને જોઈએ તેવું ઉત્તેજન નહીં આપી શકાય. પરંતુ તેની સામે સરકારની આવકમાં નોંધપાત્ર ઘટાડો થશે. ભૂતપૂર્વ ચીફ ઈકોનોમિક એડવાઈઝર અરવિંદ સુબ્રમણ્યમે વપરાશને ઉત્તેજન આપવા માટે આવકવેરામાં કામ મુકવાના બદલે યુનિવર્સલ બેઝિક ઈન્કમની તરફેણ કરી હતી. તેમણે કહ્યું હતુ કે આવક વેરો ઘટાડવાની પુરતી અસર નહીં પાડી શકાય. પર્સનલ ઈન્કમ ટેકસમાં ઘટાડો કરવાની માંગણી ઉદ્યોગ સહિતના વિવિધ ક્ષેત્રમાંથી કરવામાં આવી છે.

(10:09 am IST)