Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

રજનીકાંતે અંતે રાજકારણમાં ઝંપલાવ્યુઃ ૩૧મીએ જાહેરાત

હું રાજકારણમાં નવો નથી, પરંતુ થોડો મોડો જરૂરથી છું : મારી એન્ટ્રી જીતની બરોબર છે : ભાજપ સાથે હાથ મિલાવવાનો ખેલ કે પછી જયલલીતાનું સ્થાન પૂરવા નવા પક્ષ તરફ પ્રયાણ?

ચેન્નાઈઃ તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના સુપરસ્ટાર રજનીકાંત વર્ષના અંતિમ દિવસથી રાજકીય સફર શરૂ કરી શકે છે. રજનીકાંતે પોતે જ ફરી એકવખત રાજકારણમાં સક્રિય થવાની વાત કરી છે. દક્ષિણ ભારતમાં થલાઈવા તરીકે જાણીતા રજનીકાંતે પોતે જ રાજકારણમાં આવવાની વાત કરી છે. પોતાના પ્રશંસકો સાથે મુલાકાત કરતાં રજનીકાંતે કહ્યું કે તેઓ રાજકારણમાં નવા નથી પરંતુ મોડું જરૂરથી થઈ ગયું છે. સાથે જ રજનીકાંતે વર્ષના અંતિમ દિવસે રાજકારણમાં એન્ટ્રીનું એલાન કરી શકે છે તેમ પણ જણાવ્યું છે.

તમિલ ફિલ્મના સુપરસ્ટાર રજનીકાંત મંગળવારથી છ દિવસ માટે ચેન્નાઈમાં પોતાના પ્રશંસકોને મળશે.

મંગળવારે મુલાકાત દરમિયાન રજનીકાંતે કહ્યું કે, ૩૧ ડિસેમ્બરે રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી શકુ છું.

સાથે જ થલાઈવાએ પોતાના પ્રશંસકોને સંબોધતાં જણાવ્યું કે, હું રાજકારણમાં નવો નથી, પરંતુ થોડો મોડો જરૂરથી છું. મારી એન્ટ્રી જીતની બરોબર છે.

 રજનીકાંત પોતાના ફેન્સને રાદ્યવેન્દ્ર કલ્યાણા મંડપમ હેઠળ મળી રહ્યાં છે.

૧૮ જિલ્લાથી આવેલાં લગભગ ૧૦૦૦થી વધુ લોકો તમિલ સુપરસ્ટારને મળવા પહોંચ્યા છે.

છ દિવસ સુધી ચાલનારી આ મુલાકાતનું સત્ર સવારે ૭ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી ચાલશે. આ દરમિયાન તેઓ ચેન્નાઈ તેમજ કાંચીપુરમ સહિત ૧૮ જિલ્લાઓના પ્રશંસકોને મળશે.

રજનીકાંતે મે માસમાં પોતાના પ્રશંસકો સાથે મુલાકાત કરી હતી અને પોતાના રાજકારણમાં આવવાના સંકેતો આપ્યાં હતા.

રજનીકાંતે પોતાના પ્રશંસકોની ભીડને સંબોધિત કરતાં ત્યારે કહ્યું હતું કે, રાજકારણમાં સારા નેતા છે, પરંતુ વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર છે. હાલનો સમય રાજકારણમાં આવવાનો ઉપયુકત સમય નથી. જો ઈશ્વરની ઈચ્છા હશે તો હું રાજકારણમાં આવીશે.

બે દશકાથી રાજકારણમાં પ્રવેશવાની ચાલતી હતી અટકળો

રજનીકાંત લગભગ ચાર દશકાથી તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં છવાયેલાં છે. તેમના પ્રશંસકોની સારી મોટી એવી ફેન્સ કલલ પણ છે.

છેલ્લાં બે દશકાથી તેઓ રાજકારણમાં આવશે તે અંગે ભારે ચર્ચા થઈ રહી છે. પરંતુ ગત વર્ષે ડિસેમ્બરમાં તમિલનાડુના તત્કાલીન સીએમ જે.જયલલિતાના નિધન બાદથી તેમના રાજકારણમાં પ્રવેશની અટકળો વધુ તેજ થઈ છે.

ભાજપે રજનીકાંતને પાર્ટીમાં સામેલ થવાની ઓફર પણ આપી હતી પરંતુ તેઓએ ઓફરનો સ્વીકાર કર્યો ન હતો.

વર્ષ ૧૯૯૬માં રજનીકાંતના એક નિવેદને ભારે ચર્ચા ઊભી કરી હતી. રજનીકાંતે કહ્યું હતું કે, જો જયલલિતાને ફરી મત આપવામાં આવ્યો તો તમિલનાડુને ભગવાન પણ બચાવી નહીં શકે.

-રજનીકાંતના આ નિવેદન બાદ AIADMKની કારમી હાર થઈ હતી. અને થલાઈવાને તેમના પ્રશંસકોએ રાજકારણમાં આવવાની અપીલ શરૂ કરી દીધી હતી.

(12:42 pm IST)