Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખરા અર્થમાં કર્યુ છે ચરિતાર્થ

જન્મ ભલે બર્માના રંગૂનમાં થયો પણ બાળપણ અને કારકિર્દીનું ખરૂ નિર્માણ રાજકોટમાં જ થયું : . ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં જી.એસ. તરીકે ચૂંટાયા અને એબીવીપીમાં પણ સક્રિય બન્યા . નાનપણથી જ સંઘની વિચારધારાથી પ્રભાવીત થઇ સંઘમાં જોડાયા . ૧૯ વર્ષની વયે કટોકટી વેળાએ મીશા હેઠળ જેલવાસ પણ ભોગવ્યો છે . ૨૪ વર્ષની વયે ભાજપમાં જોડાયા . ૧૯૮૭માં સોૈ પ્રથમ વખત રાજકોટના વોર્ડ નં. ૧માં કોર્પોરેટર બન્યા . હવે સતત બીજી વખત મુખ્યમંત્રીનો તાજ ધારણ કર્યો : વિજયભાઇની ઉંચાઇ ૫.૬ ઇંચ અને વજન ૬૫ કિલો આસપાસ જ હોય છે...પરંતુ તેમની રાજકિય ઉંચાઇ અને વજન ખુબ વધ્યા છે

વાપી : ગુજરાતના મુખ્યમંત્રીનો તાજ ફરી વિજયભાઇ રૂપાણીના શીરે આવ્યો છે. ત્યારે આ વેળાએ તેમની યશસ્વી કારકીર્દીની એક ઝલક જોઇએ તો...

જન્મભૂમિ રંગૂન... કર્મભૂમિ રાજકોટ... અને હવે ગુજરાતના નાથ બનતા કાર્યક્ષેત્ર બન્યુ ગુજરાત... ર જી ઓગસ્ટ ૧૯પ૬ ના રોજ આજનું મ્યાનમાર અને તે સમયના બર્માના રંગુન ખાતે જન્મ.... પિતાનું નામ રમણીકલાલ અને માતાનું નામ માયાબેન...

બર્મામાં સર્જાયેલ રાજકીય અસ્થિરતા ને પગલે રમણીકભાઇ સપરિવાર ૧૯૬૦ માં રાજકોટ આવી વસ્યા... ત્યારે વિજયભાઇની ઉમર હતી માત્ર ૪ વર્ષ, એટલે વિજયભાઇનો ઉછેર, બાળપણ અને કારર્કીદીનું ખરુ  નિર્માણ તો રાજકોટ જ ગણાય.

બાળપણથી જ શાંત સ્વભાવના વિજયભાઇએ અભ્યાસ આગળ  ધપાવ્યો, રાજકોટની ધર્મેન્દ્રસિંહજી  કોલેજમાં અભ્યાસ દરમ્યાન તેઓ જી. એસ. તરીકે ચૂંટાઇ વિદ્યાર્થી પ્રવૃતિઓને વેગ આપ્યો. એબીવીપી માં પણ સક્રિય બન્યા.

વિજયભાઇ નાનપણ થી જ સંઘની વિચારધારાથી પ્રભાવિત હતા, કહેવાય છેકે તેઓ ૧૯૭૧ માં સંઘમાં જોડાયા... કાર્યશૈલી ને પગલે સંઘના હોદેદારો તેમના માં વિશ્વાસ મુકી મહત્વની કામગીરી સોંપતા ગયા. માત્ર ૧૯ વર્ષની નાની  વયે કટોકટી દરમ્યાન તેઓ લોક આંદોલનો સાથે જોડાતા તેમને મીશા હેઠળ ભાવનગર અને ભુજ ૧૧ મહિના જેટલો જેલવાસ પણ ભોગવ્યો.

ત્યારબાદ વર્ષો સુધી સંઘના પ્રચારક તરીકે સુપેરે કામગીરી બજાવી ર૪ વર્ષની વયે વિજયભાઇ ભાજપમાં જોડાયા અને અહીંથી તેમની ખરા અર્થમાં રાજકીય સફર શરૂ થઇ. ૧૯૮૭ માં તેઓ સૌ પ્રથમ વખત રાજકોટ વોર્ડ નંબર-૧ માં ચૂંટણી લડી કોર્પોરેટર બન્યા. એટલુ જ નહિ ડ્રેનેજ  કમીટીનું સુકાન સંભાળ્યું.

સમયની સાથે સાથે વિજયભાઇ પણ   આગળ ધપતા જ ગયા, સ્ટેન્ડીંગ કમીટીમાં ચેરમેન, રાજકોટ શહેર ભાજપના મહામંત્રી તો ૧૯૯૬-૧૯૯૭ માં રાજકોટનું મેયર પદ શોભાવ્યુ. ૧૯૯૮ માં તેઓ ભાજપના મહાસચિવ બન્યા. આ પદ તેમણે એક, બે વાર, નહિ ચાર વખત શોભાવ્યુ સાથે સાથે અન્ય જીલ્લાઓના પ્રભારી પણ રહ્યા.

કાર્યકર હોય કે હોય હોદેદાર... દરેક પાસેથી કામ લેવાની આવડત ને પગલે ૧૯૯૮ માં મુખ્યમંત્રીશ્રી કેશુભાઇ પટેલની સરકારમાં તેઓ સંકલ્પ પત્ર અમલી કરણ સમિતિના ચેરમેન બન્યા. આગળ જતા વર્ષ ર૦૦૬ માં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇની સરકારમાં ટુરીઝમ કોર્પોરેશનના તેઓ ચેરમેન પણ બન્યા.

સાકરની જેમ સૌની સાથે હળી મળી જતા વિજયભાઇ નરેન્દ્રભાઇનો ભરોસો જીતતા ગયા. ર૦૦૬ ના વર્ષમાં તેમની રાજયસભામા તેમની પસંદગી થઇ અને ર૦૧ર સુધી તેમણે એક સફળ સાંસદની ભૂમિકા ભજવી.

નરેન્દ્રભાઇએ ર૦૧૩ ના વર્ષમાં વિજયભાઇને મ્યુન્સીપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ બનાવ્યા. અહીં તેમણે પોતાનો જૂનો અનુભવ કામે લગાડી રાજયની મ્યુન્સીપલ પાર્ટીને વિકાસનો વેગ આપ્યો.

ઓકટોબર ર૦૧૪ માં વિજયભાઇએ રાજકોટ વિધાનસભા મત ક્ષેત્રની ચૂંટણીમાં ઝંપલાવી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા... માત્ર નરેન્દ્રભાઇ જ નહિ અમિતભાઇના પણ વિશ્વાસુ મનાતા વિજયભાઇને પરિવહન, પાણી, પુરવઠા, શ્રમ તેમજ રોજગાર વિભાગના મંત્રીની મહત્વની જવાબદારી સુપેરે પાર પાડી.

ઉત્તમ વિઝન ધરાવતા નરેન્દ્રભાઇએ જાણે આગોતરુ જ આયોજન કર્યુ... ફેબ્રુઆરી ર૦૧૬ માં ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે વિજયભાઇને બેસાડયા... આમ તો વિજયભાઇની ઉંચાઇ પ.૬ ઇંચ છે,  અને તેમનું વજન ૬પ કિલોની આજુ-બાજુજ રહે છે પરંતુ તેમની રાજકીય ઉંચાઇ અને વજન સતત વધતુ જ ગયું.

થોડા સમય  પછી જ રાજયના રાજકીય આલમમાં આવ્યો બદલાવ સ્થિતીને કાબુમાં લેવા મુખ્યમંત્રી બદલવાની જરૂર પડતા વિજયભાઇ રૂપાણીનું નામ મોખરે આવ્યુ... લાંબી ચર્ચા વિચારણાને અંતે ૭ મી ઓગસ્ટ ર૦૧૬ ના રોજ ગુજરાતના સોળમાં મુખ્યમંત્રી તરીકે વિજયભાઇ રૂપાણીની થઇ વરણી....

મુખ્યમંત્રીપદનો તાજ તો પહેર્યો પણ ભારે સંઘર્ષ કરવો પડયો... સતત અગ્નિ પરીક્ષાઓમાંથી થયા પસાર... તમામ વિપરીત સ્થિતિઓમાં પણ વિધાનસભા ર૦૧૭ ની ચૂંટણીમાં પક્ષ ફરી સરકાર રચી શકે તે સ્થિતિમાં જીત અપાવી અને આજે એટલે કે ર૬ મી ડીસેમ્બર ર૦૧૭ ના રોજ શ્રી વિજયભાઇ ફરી એક વાર ગુજરાતની ગાદી પર બેસવા જઇ રહ્યા છે, આ વેળાએ તેમને ખુબ ખુબ અભિનંદન...

ગુજરાત વિધાનસભા ચૂંટણી ર૦૧૭ના પરિણામો બાદ ભાજપ હાઇકમાન્ડે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અનેન ાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલનું રાજીનામુ લીધા બાદ ફરી વાર તેમના ઉપર જ પસંદગી ઉતારી છે અને આજે ગાંધીનગરમાં સચીવાલય ગ્રાઉન્ડમાં ભવ્યતિભવ્ય તેમની શપથ વિધી યોજાઇ રહી છે.

આ સ્થિતિમાં ગુજરાત રાજયની સ્થાપના બાદ અત્યાર સુધીના તમામ મુખ્યમંત્રીઓના શાસન કાળની એક ઝલક જોઇએ તો...

ખરેખર તો વિધાનસભાની ટર્મ પાંચ વર્ષની હોય છે એટલે મુખ્યમંત્રીનો શાસનકાળ પણ પાંચ વર્ષનો હોય, પરંતુ દર વખતે મુખ્યમંત્રી પદ પાંચ વર્ષ ભોગવી શકાય એવું ઓછુ બન્યું છે. કોઇક એક જ વખત મુખ્યમંત્રી બન્યું છે તો કોઇ બે વખત... તો કોઇ ત્રણ વખત... તો કોઇ નસીબદાર ચાર-ચાર વખત મુખ્યમંત્રી બની શકયા છે.

એટલું જ નહિ પ૭ વર્ષના રાજકીય ઇતિહાસમાં રાજનૈતિકી અસ્થિરતાને પગલે પાંચ વખત રાષ્ટ્રપતિ શાસન પણ લાદવું પડયું હતું. ૧ લી મે ૧૯૬૦ના રોજ મહારાષ્ટ્રમાંથી વિભાજન થઇ ગુજરાત રાજય આવ્યું... ત્યારથી લઇ આજ દિન સુધી રાજયને મળેલ મુખ્યમંત્રીઓ અને તેમના શાસનની તવારીખની એક ઝલક જોઇએ તો...

ગુજરાતની સ્થાપના દિનથી ગુજરાત વિધાનસભાના પ્રથમ મુખ્યમંત્રી પદે જીવરાજભાઇ મહેતા એ ૧ લી મે ૧૯૬૦ થી ૧૯મી સપ્ટેમ્બર-૧૯૬૩ સુધી એટલે કે ૧ર૩૮ દિવસ કાર્યભાર સંભાળ્યો. જીવરાજભાઇ કોંગ્રેસ પક્ષના હતા, ત્યારબાદ ૧૯મી સપ્ટેમ્બર-૧૯૬૩ થી લઇ ૧૯મી સપ્ટેથી  ૧૯૬પ સુધી એટલે કે ૭૩૩ દિવસ બળવંતરાય મહેતાએ કાર્યભાર સંભાળ્યો તેઓ પણ કોંગ્રેસ પક્ષમાંથી જ હતા.

આગળ જતા બદલાવનો દોર આગળ ધપતો ગયો ૧૯ મી સપ્ટેમ્બર ૧૯૬પ થી ૧ર મી મે ૧૯૭૧ સુધી એટલે કે ર૦૬ર દિવસ સુધી હિતેન્દ્રભાઇ દેસાઇએ શાસનની ધુરા સંભાળી. હિતેન્દ્રભાઇ પણ કોંગ્રેસમાંથી જ આવતા હતા. પરંતુ આ દરમ્યાન રાજકીય અસ્થિરતાને પગલે ૧૩ મી મે ૧૯૭૧ થી ૧૭ મી માર્ચ ૧૯૭ર સુધી રાષ્ટ્રપતિ શાસન રહયું.

ગુજરાત રાજકીય આલમની સ્થિતી સુધરતા રાષ્ટ્રપતિ શાસન હટયુ, અને કોંગ્રેસના જ એવા ઘનશ્યામભાઇ ઓઝાએ ૧૭ મી માર્ચ ૧૯૭ર થી ૧૭ મી જુલાઇ ૧૯૭૩ સુધી એટલે કે ૪૮૮ દિવસ મુખ્યમંત્રી પદે રહ્યા. ત્યારબાદ ચીમનભાઇ પટેલ આવ્યા તેમણે ૧૭મી જુલાઇ ૧૯૭૩ થી ૯ મી ફેબ્રુઆરી ૧૯૭૪ એટલે કે ર૦૭ દિવસ શાસન કર્યું.

ફરી પાછું ૯ મી ફેબ્રુઆરી ૧૯૭૪ થી ૧૮ મી જુન ૧૯૭પ સુધી રાષ્ટ્રપતિ શાસન રહ્યું... સમીકરણો બદલાયા. જનતા મોરચો મેદાનમાં આવ્યો. તેમના બાબુભાઇ જે. પટેલે ૧૮મી જુન ૧૯૭પ થી ૧ર મી માર્ચ ૧૯૭૬ એટલે કે ર૧૧ દિવસ મુખ્યમંત્રી પદ શોભાવ્યું.

પરંતુ ફરી રાજકીય અસ્થિરતા ને પગલે ૧રમી માર્ચ ૧૯૭૬ થી ર૪ મી ડિસેમ્બર ૧૯૭૬ સુધી રાષ્ટ્રપતિ શાસનની ફરજ પડી. ફરી કોંગ્રેસ બળવાન થઇ મેદાનમાં આવ્યું. માધવસિંહ સોલંકી એ ર૪મી ડિસેમ્બર ૧૯૭૬ થી ૧૦ મી એપ્રિલ ૧૯૭૭ એટલે કે માત્ર ૧૦૮ દિવસ પદનો તાજ શોભાવ્યો.

ત્યારબાદ જનતા પાર્ટીનો ચમકારો જોવા મળ્યો. તેમના બાબુભાઇ પટેલે ૧૧મી એપ્રિલ ૧૯૭૭ થી ૧૭ મી ફેબ્રુઆરી ૧૯૮૦ સુધી એટલે કે ૧૦૪ર દિવસ શાસન ખેંચ્યુ. ફરી પાછું ૧૭મી ફેબ્રુઆરી ૧૯૮૦ થી ૬ઠ્ઠી જુન ૧૯૮૦ સુધી રાજય રાષ્ટ્રપતિ શાસન હેઠળ આવ્યું.

જો કે આ દોર દરમ્યાન માધવસિંહ સોલંકી સ્ટ્રોંગ બન્યા. અને તેમણે ૭ મી જુન ૧૯૮૦ થી ૬ જુલાઇ ૧૯૮પ સુધી એટલે કે ૧૮પ૬ દિવસ રાજય ને સ્થિર સરકાર આપી. ત્યારબાદ પણ સરકાર તો કોંગ્રેસની જ રહી પરંતુ આવ્યા આદિવાસી નેતા અમરસિંહ ચૌધરી... તેમણે ૬ જુલાઇ ૧૯૮પ થી ૯ મી ડિસેમ્બર ૧૯૮૯ સુધી એટલે કે ૧૬૧૮ દિવસ મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો.

ફરી એક વાર માધવસિંહ સોલંકી મેદાનમાં આવ્યા... પરંતુ તેમણે માત્ર ૮પ દિવસ એટલે કે ૧૦ મી ડિસેમ્બર ૧૯૮૯ થી ૩જી માર્ચ ૧૯૯૦ સુધી મુખ્યમંત્રી પદનો તાજ શોભાવ્યો.

રાજકીય સમિકરણમાં ફરી આવ્યો બદલાવ... જનતા દળ અને ભાજપ થયા એક સાથે... અને ચીમનભાઇ પટેલ બન્યા મુખ્યમંત્રી... તેમણે ૪ થી માર્ચ ૧૯૯૦ થી ૧૭ મી ફેબ્રુઆરી ૧૯૯૪ સુધી એટલે કે ૧૬પર દિવસ રાજ કર્યું.

પરંતુ ફરી કોંગ્રેસે જોર લગાવ્યું... છબીલદાસ મહેતા એ શાસનની ઘુરા સંભાળી... ૧૭મી ફેબ્રુઆરી ૧૯૯૪ થી ૧૩ મી માર્ચ ૧૯૯પ એટલે કે ૩૯૧ દિવસ મુખ્યમંત્રી તરીકે કામગીરી સંભાળી... પરંતુ હવે ભાજપ ગાઠે તેમ ના હતું. ભાજપે સરકાર બનાવી કેશુભાઇ પટેલ બન્યા મુખ્યમંત્રી. તેમણે ૧૪ મી માર્ચ ૧૯૯પ થી ર૧મી ઓકટોબર ૧૯૯પ સુધી એટલે કે રર૧ દિવસ રાજ કર્યું.

આ દરમ્યાન જાણે કચ્છનું જોર વધ્યું હોય તેમ ભાજપ માંથી જ સુરેશભાઇ મહેતા મેદાનમાં આવ્યા અને તેમણે ર૧મી ઓકટોબર ૧૯૯પ થી ૧૯ મી સપ્ટેમ્બર ૧૯૯૬ એટલે કે ૩૩૪ દિવસ મુખ્યમંત્રી પદે રહ્યા. ફરી એક વાર રાષ્ટ્રીય અસ્થિરતા ઉભી થઇ જેને પગલે ૧૯મી સપ્ટેમ્ર ૧૯૯૬ થી ર૩મી ઓકટોબર ૧૯૯૬ સુધી રાજય ફરી રાષ્ટ્રપતિ શાસન હેઠળ રહ્યું.

શંકરસિંહ બાપુ બન્યા દબંગ...રચી રાજપાની સરકાર અને તેમણે ર૩ મી ઓકટોબર ૧૯૯૬ થી ર૭મી ઓકટોબર ૧૯૯૭ એટલે કે ૩૭૦ દિવસ ટકોરાબંધ સરકાર ચલાવી. રાજપામાંથી જ આવ્યા દિલીપભાઇ પરીખ તેમણે ર૮મી ઓકટોબર ૧૯૯૭ થી ૪થી માર્ચ ૧૯૯૮ સુધી એટલે કે માત્ર ૧ર૮ દિવસ શાસન કર્યું.

આગળ જતા ફરી એક વાર ભારતીય જનતા પાર્ટી મજબુત બની ને સામે આવી...કેશુભાઇ પટેલે ૪થી માર્ચ ૧૯૯૮ થી ૬ઠ્ઠી ઓકટોબર ર૦૦૧ એટલે કે ૧૩૧ર દિવસ મુખ્યમંત્રી તરીકે શાસન કર્યું. અત્રે ઉલ્લેખનીય છે કે કેશુભાઇ પટેલ બે વખત મુખ્યમંત્રી બન્યા પરંતુ તેઓ સળંગ પાંચ વર્ષ પુરા ના કરી શકયા.

આ દરમ્યાન ગુજરાતના રાજકીય આલમના ઇતિહાસમાં આવ્યો એક મોટો વળાંક...ભાજપ હાઇકમાન્ડે મુખ્યમંત્રી તરીકે કેશુભાઇ પટેલના સ્થાને નરેન્દ્રભાઇ મોદીને બેસાડયા... બસ ત્યાર પછી નરેન્દ્રભાઇએ પાછું વળીને જોયું નથી....

આંતરિક ખેંચતાણ...મતભેદ... વિરોધ...ઘર્ષણ...સ્થિતીઓ બદલાતી ગઇ અને નરેન્દ્રભાઇ એક પછી એક અવરોધો દૂર કરતા ગયા... બીજી બાજુ સમય આગળ ધપતો જ ગયો... એક પછી એક વિધાનસભાની ચુંટણીઓ આવતી ગઇ પરંતુ ભાજપ જામી ગયું...

નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રી તરીકે ૭મી ઓકટોબર ર૦૦૧ થી રર મી મે ર૦૧૪ સુધી સળંગ ૪૬૦૦ દિવસ શાસનની ધુરા સંભાળી વિક્રમ સજર્યો... એવો વિક્રમ સજર્યો કે આગામી સમયમાં કોઇ તોડી શકશે કે કેમ એ સવાલ ઉભો થયો...

મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી બન્યા પ્રધાન મંત્રી...જેને પગલે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું અને મુખ્યમંત્રીનો તાજ પહેરાવ્યો આનંદીબેન પટેલને... રરમી મે ર૦૧૪ થી આનંદીબેને ઘુરા સંભાળી... પરંતુ કમનસીબે ઓ.બી.સી. આંદોલન અને અનામત આંદોલનની આગ ફાટી નીકળતા સ્થિતીને કાબુમાં લેવા ભાજપ હાઇકમાન્ડે મુખ્યમંત્રીનો ચહેરો બદલાવાની જરૂર પડી...આનંદીબેને રર મી મે ર૦૧૪ થી ૭ મી ઓગસ્ટ ર૦૧૬ એટલે કે ૮૦૮ દિવસ શાસનની ધુરા સંભાળી...

ભાજપ હાઇકમાન્ડના આદેશ અનુસાર નવા મુખ્યમંત્રી પદનો તાજ વિજયભાઇ રૂપાણીના શીરે આવ્યો... તેમણે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ સાથે તાલ-મેલ બેસાડી આંદોલનો કાબુમાં લેવા તેમજ પાટીદારોને સમજાવવા અથાગ પ્રયત્નો કર્યા...પરંતુ સ્થિતી કાબુમાં આવવા ને બદલે બગડતી ગઇ... જો કે પછી તો પાસના આગેવાનો ખુલ્લે આમ મેદાનમાં આવી કોંગ્રેસને ટેકો આપી ભાજપને પાડી દેવા તમામ તાકાત લગાડી...

આવી સ્થિતિમાં પણ વિજયભાઇ રૂપાણીએ ધીરજ અને ગંભીરતાથી કામ લઇ વિધાનસભા ચુંટણી ર૦૧૭માં પોતે પણ જીત્યા અને પક્ષને પણ ૯૯ બેઠકો અપાવી. પક્ષના આદેશ અનુસાર વિજયભાઇએ મુખ્યમંત્રી પદેથી ર૧ મી ડિસેમ્બરના રોજ કુલ પ૦ર દિવસ મુખ્યમંત્રી પદે શાસન કરી રાજીનામું આપ્યું.

અને આજે એટલે કે ર૬મી ડિસેમ્બર ર૦૧૭ના રોજ તેઓ ફરી પાછા મુખ્યમંત્રી પદે શપથ લઇ રહ્યા છે.

આવો આપણે ગુજરાત રાજયના સ્થાપના દિનથી આજ દિન સુધીના ગુજરાતના મુખ્યમંત્રીઓ અને તેમના કાર્યકાળની એક ઝલક જોઇએ...

મુખ્યમંત્રી તરીકે વિજયભાઇ રૂપાણીએ પ૦ર દિવસ શાસનની ધુરા સંભાળ્યા બાદ ફરી સત્તા ઉપર

રાજયમાં મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ ૪૬ ૧૦ દિવસ શાસન કરવાનો વિક્રમ આજે પણ નરેન્દ્રભાઇ મોદીના નામે જ... !

સૌથી ઓછા માત્ર ૧ર૮ દિવસ શાસનનો રેકોર્ડ દિલીપભાઇ પરીખના નામે

પ૭મા વર્ષમાં ગુજરાતમાં પાંચ વખત આવ્યું હતું રાષ્ટ્રપતિ શાસન

મુખ્યમંત્રી જીવરાજ મહેતાથી લઇ.. વિજયભાઇ રૂપાણી સુધીની સફર

 

ગુજરાતના મુખ્ય મંત્રીનો તાજ ફરી વિજયભાઇ રૂપાણી  શિરેઃ નાયબ મુખ્યમંત્રી પદે નિતીનભાઇ પટેલના

(11:44 am IST)