Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

મોંઘવારીમાં પીસાતો મધ્યમવર્ગઃ રાહતલક્ષી પગલાની જરૂર

દેશની અડધી વસ્તી મધ્યમવર્ગનીઃ આવક નીચી અને સીમિત જ્યારે ખર્ચા વધતા જાય છે : મોદી સરકારે હવે જાગવું જરૂરીઃ રાહતલક્ષી પગલા લેવા જોઇએ

નવી દિલ્હી તા. ૨૬ : ગુજરાતની ચૂંટણીના વિજય પછી દિલ્હીમાં પોતાનાં વકતવ્યમાં વડા પ્રધાને એક સૂચક વાત કરી કે હવે મધ્યમ વર્ગને રાહતો આપવાનો સમય આવી ગયો છે. જે મુદ્દો દેશના ૬૦-૬૫ કરોડ મધ્યમ વર્ગના માનવીઓનાં મનમાં હતો તેને વાચા આપીને વડા પ્રધાને રોગનું સાચું નિદાન કર્યું લાગે છે. જો આ ચિંતા વહેલી કરાઈ હોત તો ચૂંટણીનું પરિણામ અલગ જ હોત! હવે એ વાત સમજાઈ છે કે, વીસ ટકા વ્હાઇટ કોલર વર્કર્સ સિવાયના બધા જ એંસી ટકા મધ્યમ વર્ગનાં કુટુંબોની એક બાજુ આવક નીચી તથા સીમિત છે તો બીજી બાજુ મોંઘવારીના માર નીચે તેમનાં કુટુંબનો ખર્ચ બેસુમાર વધતો જાય છે અને આમ બંને બાજુથી પિસાતા દેશની અડધી વસતી જેટલા આ વર્ગનું હવે પૂરતું ધ્યાન આપવાની જરૂર છે.

૧૯૯૧માં વૈશ્વિકીકરણનો હેતુ એ હતો કે દેશમાં બધા નાગરિકો સુખી-સમૃદ્ઘ બને તથા દેશ ઝડપથી વિકસિત બને પણ આજે ૨૭ વર્ષ વીતી ગયાં પછી પણ આપણે લોકોમાં સુખ-સમૃદ્ઘિ લાવી શકયાં નથી. તે સમયે પણ ૧૯૯૧માં ૩ કરોડ લોકો ઇન્કમટેકસ ભરતાં હતાં અને આજે પણ હમણાં આંકડા પડયા તે પ્રમાણે એટલાં જ લોકો જ ઇન્કમટેકસ ભરે છે, હા, ફરક એટલો પડયો છે કે પૈસાદારો-ઉદ્યોગપતિઓનાં રિટર્ન મોટાં થયાં છે અને મધ્યમ વર્ગ ઠેરનો ઠેર છે. આ એક જ આંકડો દર્શાવે છે કે, દેશના મધ્યમ વર્ગ તથા સાથે સાથે ગરીબ વર્ગ માટે હવે જબરજસ્ત કાર્યક્રમો તેમની આવક વધે તે માટે જરૂરી છે.

ભલે દેશમાં ફુગાવાનો-મોંઘવારીનો આંક સાવ નીચો ઊતરી ગયેલો દેખાતો હોય પણ હકીકત તો એ જ છે કે, વેપારીઓ દ્વારા બેફામ ભાવો વધતા જ જાય છે તથા તેને સરકાર પણ રોકી શકતી નથી. કન્ઝયુમર ચીજો, ઘરગથ્થુ ચીજો, ખાવા-પીવાની ચીજો, જીવનજરૂરી ચીજો, સામાજિક સેવાઓ જેવી કે શિક્ષણ, આરોગ્ય, ગેસ, વીજળી, ટ્રાન્સપોર્ટની સગવડોએ સૌ હવે મધ્યમ વર્ગની પહોંચની બહાર નીકળી ગઈ છે. કહેવું તો કોને કહેવું એ પ્રશ્ન છે! ૧૯૯૧માં સુધારા શરૂ કરાયા ત્યારે ૫૧ રૂપિયે મળતો રાંધણગેસનો બાટલો આજે પંદર ગણો મોંઘો રૂ. ૭૫૦એ મળે છે. એ જ રીતે પેટ્રોલ - ડીઝલ દસ ગણાં મોંઘાં થઈ ગયાં છે. વીજળીના ભાવોમાં ફયૂઅલચાર્જ, મીટરભાડું, સરકારી કર વગેરે વીજવપરાશ કરતાં વધુ છે. ઘણા ગરીબોએ તો આ સગવડો ભોગવી પણ નહીં હોય, જયારે પૈસાદારોને ભાવોની પડી નથી, પરંતુ વચ્ચેનો મધ્યમ વર્ગ આમાં પિસાઈ રહ્યો છે, ઉપરથી તે સમયે બચતો પર ૧૩-૧૪ ટકા વાર્ષિક વ્યાજ મળતું હતું તે હવે અડધું ઘટીને ૭-૮ ટકા થઈ ગયું છે અને ઉપરથી ટીડીએસ કપાઈ જાય છે. આમાં મધ્યમ વર્ગના સિનિયર સિટીઝનો, વિધવાઓ, પેન્શનરોની દશા બહુ ખરાબ થઈ ગઈ છે. ઘરો ભાંગવાનાં અને માતા-પિતાને વૃદ્ઘાશ્રમમાં મોકલવાનું આ પણ એક કારણ છે. આમ મધ્યમ વર્ગનાં લોકો ધીરેધીરે ગરીબીમાં ધકેલાઈ રહ્યાં છે. આપણા ખેડૂતો જે મધ્યમ વર્ગમાં ગણી શકાય તે બધા જ આજે ગરીબીરેખાની નીચે આવી ગયાં છે. કરોડો ખેતમજૂરોની પણ આ જ દશા છે, એટલે તેમના માટે મનરેગા જેવી રોજગારીની યોજનાઓ તથા શહેરોમાં બાંધકામનાં મજૂરો માટે અન્નપૂર્ણા જેવી રૂ. ૧૦માં ભોજનની યોજનાઓ ચલાવવી પડે છે. આ છે આજે મધ્યમ વર્ગની દશા!

મધ્યમ વર્ગને નડતા મુખ્ય પ્રશ્નો છે પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ અને વીજળીના ઊંચા ભાવો તથા તેના પર લેવાતા કમરતોડ સરકારી ટેકસ, જે કોઈ નેતા ઘટાડવા માગતા નથી. ગુજરાતમાં નર્મદાનાં પાણીથી રેલમછેલ થવાને બદલે આજે રાજકોટ, જામનગર, અમદાવાદ જેવાં શહેરમાં પણ મધ્યમ વર્ગને પાણીના ધાંધિયા છે. ગામડાંની તો વાત જ કયાં કરવી. શિક્ષણમાં સેલ્ફ ફાઇનાન્સ તથા આરોગ્યમાં કોર્પોરેટ હોસ્પિટલોએ મધ્યમ વર્ગનો દાટ વાળ્યો છે. આ બંનેના કોમર્શિયલાઇઝેશનને રોકવા કોઈ સરકાર કેમ તૈયાર નથી તે જ સમજાતું નથી. પ્રોપર્ટીના ભાવો એટલા આસમાને ચડાવાયા છે કે ૫૦ -૬૦ ચો. વારનું નાનકડું એક બેડરૂમનું મકાન પણ હવે મધ્યમ વર્ગની પહોંચની બહાર નીકળી ગયું છે, એટલે સરકારે હવે એફોર્ડેબલ હાઉસિંગની કેપિટલ સબસિડીવાળી યોજના લાવવી પડી છે. કોલેજોમાં લાખોની ફી તથા ડોનેશનો મધ્યમ વર્ગીય કુટુંબ કયાંથી આપી શકે? આ કેમ રોકાતું નથી?

મધ્યમ વર્ગને રાહત આપવા માટે ઉપરોકત બધા વિષયો પર કેન્દ્ર અને રાજય સરકારોએ પગલાં લેવાં જોઈએ. નાનાં શહેરોના ચહેરા બદલી વધુ રહેવાલાયક બનાવવા જોઈએ. તે માટે તમામ નગરપાલિકાઓ તથા પંચાયતોને નાણાકીય રીતે સક્ષમ બનાવવી જોઈએ. ગુજરાતની નેવુ ટકા પંચાયતો ખોટમાં ચાલે છે. સરકારી ગ્રાન્ટ પર નભે છે. તે લોકોની કઈ સગવડો સંતોષકારક રીતે પૂરી પાડી શકશે? કેન્દ્રીય નાણાં પંચો જે ૧૯૬૨માં ગુજરાતની સ્થાપના સમયે તેનાં નાણાંમાંથી ગુજરાતને ૬ ટકા નાણાં ફાળવતું હતું તે આજે અડધા-માત્ર ત્રણ ટકા જ કેમ થઈ ગયા? રાજયની જિલ્લા આયોજન સમિતિઓને સક્રિય-સક્ષમ બનાવી લોકોની સગવડો ઝડપથી પૂરી પાડવી જોઈએ. રાજયનાં નાણાં પંચોને વધુ ગંભીરતાથી લેવાં પડશે. મધ્યમ વર્ગની આકાંક્ષાઓને પૂરી કરવા તેમના પ્રશ્નો સમજવા પડશે. તેમની આવક અને ખર્ચની સમીક્ષા કરવી પડશે. જીવનજરૂરી ચીજોના ભાવો પર અંકુશ રાખવા પડશે. નાણાપ્રધાને બજેટની નાણાકીય ખાધ ઘટે તેની સાથે સાથે મધ્યમ વર્ગની ખરીદશકિત વધે તેની ચિંતા કરવી પડશે. તો આ બધું રાજનેતાઓ-બ્યૂરોક્રેટ્સ સમજશે તો મધ્યમ વર્ગને બચાવી શકાશે. જોઈએ વડા પ્રધાને દર્શાવેલી ચિંતા શું રંગ લાવે છે!

(9:27 am IST)