Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

ખૂલી પોલ, જેજેપી ભાજપની 'બી' ટીમઃ કોંગ્રેસનો આરોપ

નવી દિલ્હી, તા.૨૬: હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને જનનાયક જનતા પાર્ટી (જેજેપી)નું સમર્થન મળ્યા બાદ સરકાર બનાવવાની તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે. દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં સંયુકત સરકારની જાહેરાત બાદ એ નિશ્યિત થઈ ગયું છે કે, કોંગ્રેસ માટે શકયતાઓનો અંત આવ્યો છે. જેજેપી નેતા દુષ્યંત ચૌટાલાની દરેક શરત માનવા તૈયારી દર્શાવનારી કોંગ્રેસે આ ઘટનાક્રમ બાદ તેને ભાજપની 'બી'ટીમ જણાવી છે.

કોંગ્રેસ પ્રવકતા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે, આખરે 'ઢોલની પોલ'ખુલી ગઈ છે. સુરજેવાલાએ ટ્વીટ કર્યું કે, 'આખરે 'ઢોલની પોલ' ખુલી ગઈ. જેજેપી-લોકદળ ભાજપની 'બી' ટીમ હતા, છે અને કાયમ રહેશે. જયારે ભાજપને સમાજના ભાગલા પાડી સત્તા મેળવવી હોય તો કયારેય રાજકુમાર સૈની અને કયારેક જેજેપી-લોકદળ કઠપૂતળી બની સાથે ઊભા થઈ જશે. જનતા બધાની હકીકત જાણી ગઈ છે અને ઓળખી ગઈ છે.'

ઉલ્લેખનીય છે કે, ભાજપ અને જેજેપીએ મળને હરિયાણામાં નવી સરકાર બનાવવાની જાહેરાત કરી છે. આ સરકારમાં ભાજપના સીએમ અને ડેપ્યુટી સીએમ જેજેપીના હશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે તેની જાહેરાત કરતા કહ્યું કે, ઘણા અપક્ષ ધારાસભ્યોનું પણ ગઠબંધનને સમર્થન પ્રાપ્ત છે. શાહે જેજેપી પ્રમુખ દુષ્યંત ચૌટાલાની હાજરીમાં કહ્યું કે, શનિવારે ભાજપ ધારાસભ્ય દળના નેતાની ચૂંટણી કરાયા બાદ સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવાશે.

આ પહેલા હરિયાણા કોંગ્રેસના દિગ્ગજ અને પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડાએ દુષ્યંતની બધી માંગો પર સંમતિ વ્યકત કરતા કહ્યું હતું કે, તે તો દુષ્યંતના અન્ય સૂચનો પર પણ વિચાર કરવા તૈયાર છે. તેમણે દુષ્યંતના 'કોમન મિનિમમ પ્રોગ્રામ'ની માંગ પર સંમતિ વ્યકત કરતા કહ્યું હતું કે, તેમને તેની સામે કોઈ વાંધો નથી. તેમણે કહ્યું હતું કે, જો દુષ્યંત તેમની સાથે આવશે તો સરકારમાં તેમને પુરું સન્માન અપાશે.

(11:14 am IST)