Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

૨૦૦ કરોડના છેતરપિંડી કેસમાં જેકલીનને મળ્‍યા જામીન

૫૦ હજારના બોન્‍ડ પર વચગાળાના જામીન

નવી દિલ્‍હી તા. ૨૬ : ૨૦૦ કરોડની છેતરપિંડી કેસમાં જેકલીન ફર્નાન્‍ડીઝનું નામ ખરાબ રીતે ફસાયું છે. આ મામલામાં જેકલીનની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. આટલું જ નહીં, મામલાના તળિયે જવા માટે અભિનેત્રીની સ્‍ટાઈલિશ લિપાક્ષી સુધી તપાસનો દોર પહોંચ્‍યો હતો. આ તમામ પૂછપરછ બાદ એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટે એવો પણ દાવો કર્યો હતો કે જેકલીનનું સુકેશ ચંદ્રશેકર સાથે કનેક્‍શન છે, ત્‍યારબાદ અભિનેત્રીને પટિયાલા હાઉસ કોર્ટે સમન્‍સ પાઠવ્‍યું હતું. જેકલીન સવારે લગભગ ૧૦ વાગે પટિયાલા હાઉસ કોર્ટ પહોંચી અને હવે તે કોર્ટમાંથી બહાર નીકળી ગઈ છે.
જેકલીનના વકીલે તેના માટે પટિયાલા હાઉસ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. તે જ સમયે, એડિશનલ સેશન્‍સ જજ શૈલેન્‍દ્ર મલિકે પણ જેકલીનની જામીન અરજી પર ED પાસેથી જવાબ માંગ્‍યો છે. ત્‍યાં સુધી તેના નિયમિત જામીન કોર્ટમાં પેન્‍ડિંગ છે. જેકલીનના વકીલની વિનંતી પર કોર્ટે જેકલીનને ૫૦,૦૦૦ રૂપિયાની જામીન પર વચગાળાના જામીન આપ્‍યા હતા.
ભૂતકાળમાં દિલ્‍હીમાં ઈકોનોમિક ઓફેન્‍સ વિંગે જેકલીનની લાંબા સમય સુધી પૂછપરછ કરી હતી. આ પૂછપરછ લગભગ ૧૫ કલાક સુધી ચાલી હતી, જેમાં જેકલીનને ઘણા ગંભીર પ્રશ્નોનો સામનો કરવો પડ્‍યો હતો. આ બધાની વચ્‍ચે, EDએ તેની ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં જેકલીન પણ ૨૦૦ કરોડની રિકવરી કેસમાં આરોપી હોવાનું જાણવા મળ્‍યું છે. અનેક સાક્ષીઓ અને પુરાવાઓને આધાર બનાવવામાં આવ્‍યા છે.
જેકલીન ફર્નાન્‍ડિઝે સ્‍વીકાર્યું હતું કે તેણે ઠગ સુકેશ પાસેથી ઘણી મોંઘી ગિફટ્‍સ લીધી હતી. જેકલીન સિવાય આ કેસમાં નોહ ફતેહી અને નિક્કી તંબોલી સહિત વધુ અભિનેત્રીઓ સામેલ છે. બંને અભિનેત્રીઓની પણ પૂછપરછ કરવામાં આવી છે. ૨૦૦ કરોડ રૂપિયાની ખંડણીનો આરોપી સુકેશ ચંદ્રશેખર હાલ દિલ્‍હીની જેલમાં બંધ છે અને તેની સામે ૧૦થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે.

 

(3:41 pm IST)