Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

યુપીમાં દેશના પ્રથમ ગીધ સંરક્ષણ અને પ્રજનન કેન્દ્રને મંજૂરી

પ્રોજેકટ માટે કરાયા રૂ. ૧૫ કરોડ મંજૂર : ગોરખપુર જીલ્લામાં પાંચ એકરમાં બનશે કેન્દ્ર

લખનઉઃ ગીધ પર્યાવરણ માટે કેટલા જરૂર છે તેનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે ગીધોનું એક ઝુંડ એક મરેલા સાંઢને ૩૦ મીનીટમાં સાફ કરી નાખે છે. છેલ્લા બે દાયકામાં યુપીમાં ગીધોની સંખ્યા ઝડપભેર ઘટી રહે છે. ગીધો લુપ્તપ્રાય થઇ ગયા છે. પણ હવે તેની સંખ્યા વધારવા માટે યુપી સરકારે કમર કસી છે. ગોરખપુરના ફરેંદા વિસ્તારના ભારી-બેંસ ગામમાં પાંચ એકરમાં 'જટાયુ ગીધ સંરક્ષણ અને પ્રજનન કેન્દ્ર'ની સ્થાપના થઇ રહી છે. તેના માટે મંજૂરી મળી ગઇ છે. ૧૫ વર્ષના આ પ્રોજેકટ પર લગભગ ૧૫ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ગીધના સંરક્ષણ માટે આ પહેલુ કેન્દ્ર થશે.

કુદરતના સફાઇ કર્મચારી ગણાતા ગીધોની સંખ્યા રાજ્યમાં સતત ઘટી રહી છે. યુપી વન વિભાગ અનુસાર, ૨૦૧૨માં રાજ્યમાં ફકત ૨૦૭૦ ગીધો હતા જે ૨૦૧૭માં ઘટીને માત્ર ૧૩૫૦ જ રહ્યા હતા. રાજ્યમાં જોવા મળતી ગીધની નવ પ્રજાતિઓમાંથી ત્રણ મુખ્ય પ્રજાતિ લોંગ બિલ્ડ વલ્ચર એટલે કે લાંબી ચાંચ વાળા ગીધ, વ્હાઇટ બેંકડ વલ્ચર એટલે કે સફેદ ચાંચવાળા ગીધ અને રાજ ગીધ લુપ્ત થવાના આરે છે.

આ કેન્દ્ર લુપ્તપ્રાય ગીધોના સંવર્ધન અને સંરક્ષણની દિશામાં કામ કરશે. ખાસ કરીને આ કેન્દ્રમાં કિંગ વલ્ચર પર કામ થશે. મંજૂરી મળી ગઇ છે. એટલે ટૂંક સમયમાં જ તેના પર કામ શરૂ કરવમાં આવશે. એવું ગોરખપુર વન વિભાગના ડીવીઝનલ વન અધિકારી અવિનાશકુમારે જણાવ્યું છે.

(2:55 pm IST)