Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

સરકારની પેટાસમિતિએ વળતરની ફોર્મ્યુલા ઘડી

મેડિકલ ડિવાઇસની ખામીને કારણે દર્દીને નુકસાન થશે તો મળશે વળતર

નવી દિલ્હી તા. ર૬ :.. મેડિકલ ડીવાઇસીસની ખામીને કારણે દર્દીને નુકસાન  પહોંચશે તો પ્રોડકટ બનાવનારા ભારતીય ઉત્પાદકો અને આયાતકારો જવાબદારીમાંથી છટકી નહીં શકે. સરકારે બનાવેલી નવ નિષ્ણાતોની પેટા સમિતિએ બુધવારે બેઠક કરી વળતર માટેની કાનુની રીતે બંધનકર્તા ફોર્મ્યુલા અંગે નિર્ણય લીધો છે. જેનો વર્તમાન ડ્રગ્સ એન્ડ કોસ્મેટિકસ (ડી એન્ડ સી) એકટમાં સમાવેશ કરાશે.

દર્દી પર મેડિકલ ડીવાઇસના ઉપયોગથી ગંભીર પ્રતિકુળ અસર બાબતે ભારતમાં અત્યારે કોઇ કાનુની જોગવાઇ નથી. કિલનિકલ ટ્રાયલમાં કંઇ ખોટું થાય ત્યારે અત્યારનો કાયદો માત્ર વળતરની વાત કરે છે. જહોન્સન એન્ડ જહોન્સના ખામીયુકત હિપ ઇમ્પ્લાન્ટ કેસને પગલે નિષ્ણાતોની પેટા સમિતિએ વળતરના પ્રમાણની ગણતરી કરવા ફોર્મ્યુલા તૈયાર કરી છે. જહોન્સન એન્ડ જહોન્સન કેસમાં કેટલાક દર્દીને પ્રોડકટની ખામીના કારણે ફરી સર્જરીની જરૂર પડી હતી. જયારે કેટલાક દર્દીને કોર્ટની દરમિયાનગીરી પછી ચાલુ વર્ષે વળતર મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સરકારે કંપનીને ગયા વર્ષે નવેમ્બરમાં વળતર ચુકવવાનો આદેશ આપ્યો હતો.

મેડીકલ ડીવાઇસના આવા કિસ્સામાં દર્દીઓને ન્યાય મળે એ માટે સરકારે જાન્યુઆરીમાં હેલ્થ સર્વિસીસના ભુતપુર્વ ડિરેકટર જનરલ ડો. બી. ડી. અથાનીની અધ્યક્ષતામાં સમિતિ બનાવી હતી. જેને ભવિષ્યના કેસ માટે વળતરની ફોર્મ્યુલા તૈયાર કરવાનું કામ સોંપાયું હતું.

(11:23 am IST)