Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

દેશમાં પ્રથમવાર ચેપગ્રસ્તનો આંકડો ૫૦ હજારને પાર થયો

દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૧૩.૯૦ લાખ : સિક્કિમમાં પ્રથમ મોત, દેશમાં એક અઠવાડિયામાં ત્રણ લાખ ૭ હજાર કેસ નોંધાયા : ૮ લાખથી વધુ સાજા થયા

નવી દિલ્હી, તા. ૨૬ : દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૦ હજાર ૭૨ કેસ મળ્યા છે. ૭૦૩ લોકોના મોત થયા છે. જોકે, સારા સમાચાર એ છે કે શનિવારે ૩૭ હજાર ૧૨૫ સંક્રમિત સાજા પણ થયા છે. આ એક દિવસમાં સાજા થનાર દર્દીઓની સૌથી મોટી સંખ્યા છે. આ પહેલા ૨૩ જુલાઈએ ૩૩ હજાર ૩૨૬ લોકો સાજા થયા છે. અત્યાર સુધી દેશમાં કુલ ૮ લાખ ૮૬ હજારથી વધુ દર્દી સાજા થઈ ચુક્યા છે. અત્યાર સુધી ૧૩.૯૦ લાખ કોરોનાના કેસ આવી ચુક્યા છે. તો આ તરફ સિક્કીમમાં આ બિમારીથી પહેલું મોત થયું છે. છેલ્લા એક સપ્તાહમાં ૩ લાખ ૭ હજાર ૬૨૨ નવા કેસ આવ્યા, પરંતુ આ દરમિયાન ૨ લાખ ૮ હજાર ૬૬૫ દર્દી સાજા પણ થઈ ગયા, જેનાથી સંક્રમિતોની સંખ્યામાં ૯૩ હજાર ૮૬૦નો વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૮ હજાર ૬૬૧ પોઝિટિવ કેસ આવ્યા હતા. ૭૦૫ સંક્રમિતોના મોત થયા છે. અત્યાર સુધી કુલ કેસ ૧૩ લાખ ૮૫ હજાર ૫૨૨ થઈ ગયા છે. જેમાંથી ૪ લાખ ૬૭ હજાર ૮૮૨ દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે ૮ લાખ ૮૫ હજાર ૫૭૭ દર્દી સાજા થઈ ચુક્યા છે.

૩૨ હજાર ૬૩ સંક્રમિતોનું અત્યાર સુધી મોત થયું છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા પ્રમાણે, દેશમાં ૨૫ જુલાઈ સુધી ૧ કરોડ ૬૨ લાખ ૯૧ હજાર ૩૩૧ કોરોના ટેસ્ટ કરાયા છે.જેમાંથી શનિવારે ૪ લાખ ૪૨ હજાર ૨૬૩ ટેસ્ટ કરાયા છે. મહારાષ્ટ્ર પોલીસ ડિપાર્ટમેન્ટમાં અત્યાર સુધી ૮૪૮૩ કોરોના કેસ આવી ચુક્યા છે. જેમાંથી ૧૯૧૯ની સારવાર ચાલી રહી છે, ૬૪૭૧ સાજા થઈ ચુક્યા છે, જ્યારે ૯૩ પોલીસકર્મીઓના કોરોનાના કારણે મોત થયા છે. કર્ણાટકના શિવમોગા જિલ્લામાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને આજે લોકડાઉન લાગુ કરાયું છે. આ દરમિયાન જરૂરી સેવા ચાલુ રહેશે. આંધ્રપ્રદેશના તિરુપતિમાં ૧૦૦ વર્ષની પી મંગમ્માએ કોરોનાને હરાવ્યો છે. તેમને શનિવારે હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે. રાજ્યમાં આટલી વયના વ્યક્તિનો સાજા થવાનો આ પહેલો કેસ છે.

(7:28 pm IST)