Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

ફેક ન્યૂઝના આરોપમાં જેક માને, અલીબાબાને સમન્સ : UCમાં ફેક ન્યૂઝ ચલાવાતા હોવાનો આરોપ

ખોટીરીતે કંપનીમાંથી કાઢી મુકવાનો આક્ષેપ કર્યો : અલીબાબા ગ્રુપની કંપની યુસી વેબના પૂર્વ કર્મીના આરોપ પ્રમાણે યુસી વેબ ચીન વિરૂદ્ધની કન્ટેન્ટ સેન્સર કરે છે

નવી દિલ્હી, તા. ૨૬ : ચીનના અલીબાબા ગ્રુપની કંપની UC વેબના એક પૂર્વ કર્મચારીએ કંપની પર ખોટી રીતે નોકરીમાંથી કાઢવાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે. ગુરૂગ્રામની કોર્ટે અલીબાબા અને તેના ફાઉન્ડર જેક માને નોટિસ જાહેર કરી છે. રોયટર્સના એક રિપોર્ટ અનુસાર પૂર્વ કર્મચારીનો આરોપ છે કે સેન્સરશિપ અને ફેક ન્યૂઝનો વિરોધ કરવાના લીધે કંપનીએ નોકરીમાંથી કાઢ્યો હતો. લદ્દાખની ગલવાન ઘાટીમાં બોર્ડર વિવાદ બાદ ભારત સરકારે ચીનના ૫૯ એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેમાં અલીબાબા ગ્રુપની યુસી ન્યૂઝ અને યુસી  બ્રાઉઝર એપ પણ સામેલ છે. પ્રતિબંધ સિવાય ભારત સરકારે દરેક પ્રભાવિત કંપનીઓ પાસેથી વિદેશી સરકારો માટે અથવા તેમના ઇશારા પર કન્ટેન્ટને સેન્સર કરવા અંગે પણ જવાબ માંગ્યો છે.

                આ પ્રતિબંધ સામે ચીને વિરોધ કર્યો હતો. અલીબાબા ગ્રુપની કંપની યુસી વેબના પૂર્વ કર્મચારી પુષ્પેન્દ્રસિંહ પરમારે ૨૦ જુલાઇએ કેસ દાખલ કરીને આરોપ લગાવ્યો કે કંપની ચીન વિરોધી કન્ટેન્ટને સેન્સર કરવા માટે સંવેદનશીલ શબ્દોનો ઉપયોગ કરતી હતી. તેના એપ યુસી બ્રાઉઝર અને યુસી ન્યૂઝ સામાજિક અને રાજકીય પરિસ્થિતિને પ્રભાવિત કરવા માટે ફેક ન્યૂઝ ફેલાવે છે. આ મામલે ગુરૂગ્રામ ડિસ્ટ્રિક્ટ કોર્ટના સિવિલ જજ સોનિયા શિવખંડે અલીબાબા, તેના ફાઉન્ડર જેક મા અને ૧૦થી વધુ લોકોને સમન જાહેર કરીને ૨૯ જુલાઇ સુધી પોતે અર્થવકીલના માધ્યમથી હાજર રહેવા માટે કહ્યું છે. સમનમાં ન્યાયાધીશે કંપની અને તેના અધિકારીઓને ૩૦ દિવસની અંદર લેખિતમાં જવાબ રજૂ કરવા માટે પણ કહ્યું છે.

(9:05 pm IST)