Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

બિહાર વિધાનસભાની ચૂંટણી ઇવીએમથી યોજવા ચૂંટણી પંચ મક્કમ : મતદાનમાં ટૂથપિકસનો થશે ઉપયોગ હેન્ડગ્લોવ્ઝ પણ સાથે રાખવા પડશે

નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારી વચ્ચે બિહાર વિધાનસભા ચૂંટણી 2020  ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન ચૂંટણી પંચે કેટલીક તકેદારીઓ સાથે ચૂંટણી પૂરી કરાવવાનો નિર્ણય કર્યો છે.

ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે, બિહાર ચૂંટણીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, થર્મલ સ્ક્રિનિંગ, PPE કિટ્સ અને પોલિંગ બૂથની સંખ્યામાં વધારો કરવા જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન વધારાના 34 હજાર મતદાન મથકો બનાવવામાં આવશે. આ સાથે રાજ્યમાં કુલ 1,06,000 પોલિંગ બૂથ બનશે. આ સંખ્યા સામાન્ય ચૂંટણીની સરખામણીએ 45 ટકા વધુ છે.

ચૂંટણી પંચ તરફથી ચૂંટણી સભાઓમાં ફેસ માસ્ક પહેરવાની ભલામણ કરવામાં આવી છે. આ સાથે જ મોટા જાહેર આયોજનો પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. આ સાથે જ મતદાનના દિવસે વૉટિંગ દરમિયાન મતદાતાઓને ઈલેક્ટ્રોનિક વૉટિંગ મશીન (EVM)નું બટન દબાવતા સમયે ટૂથપિક અને હાથના મોજાનો ઉપયોગ કરવો પડશે.

ચૂંટણી પંચે ચૂંટણી પ્રચાર દરમિયાન થનારી જાહેર બેઠકો અને ચૂંટણીના પ્રચાર માટે રાજકીય પાર્ટીઓ પાસે સૂચનો માંગ્યા છે. ચૂંટણી પંચ તરફથી એક પ્રેસનોટમાં કહેવામાં આવ્યું છે કે, રાજકીય પાર્ટીઓ પાસેથી સૂચનો પ્રાપ્ત કર્યા બાદ જ ચૂંટણીને લઈને ગાઈડ લાઈનને નવેસરથી બનાવવામાં આવી શકે છે.

ચૂંટણી પંચ તરફથી રાજકીય પાર્ટીઓને સૂચનો મોકલવાની છેલ્લી તારીખ 31 જુલાઈ રાખવામાં આવી છે. ચૂંટણી પંચે દરેક પોલિંગ બૂથ ઉપર મતદારોની સંખ્યા 1000 સુધી જ રાખી છે.

જણાવી દઈએ કે, અગાઉ 9 વિપક્ષી પાર્ટીઓએ ચૂંટણી પંચને એક આવેદન સોંપ્યું હતું. જેમાં ચૂંટણી પંચ પાસે વર્ચ્યૂઅલ પ્રચાર ઉપરાંત નોર્મલ કેમ્પેઈન ચલાવવાની માંગ કરવામાં આવી હતી.

(3:20 pm IST)